લંડનઃ લેસ્ટરમાં ભારતવંશી 80 વર્ષીય ભીમ કોહલીના હત્યારા 15 વર્ષીય કિશોરની સજામાં વધારો કરવા કોર્ટ ઓફ અપીલે ઇનકાર કરી દીધો છે. કિશોરને 7 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. કોર્ટ ઓફ અપીલે જણાવ્યું હતું કે, કિશોરને કરાયેલી સજા યોગ્ય છે.
કિશોરને હળવી સજા કરાઇ છે તેવા આધાર પર સોલિસિટર જનરલ દ્વારા કિશોર વિરુદ્ધ અપીલ દાખલ કરવાની પરવાનગી માગવામાં આવી હતી. લેડી જસ્ટિસ માકુર, જસ્ટિસ કટ્સ અને જસ્ટિસ મરેએ સોલિસિટર જનરલની અરજી નકારી કાઢી હતી.
બીજીતરફ કિશોરના વકીલ બલરાજ ભાટિયા કેસી દ્વારા પણ અરજી દાખલ કરાઇ હતી. તેમણે કિશોરને કરાયેલી સજા વધુ પડતી હોવાનો દાવો કર્યો હતો. જોકે કોર્ટે તેમની અરજી પણ ફગાવી દીધી હતી.
લેડી જસ્ટિસ માકુરે જણાવ્યું હતું કે, અમે સમજી શકીએ છીએ કે આ ઘટનાથી ન કેવળ ભીમ કોહલીનો પરિવાર પરંતુ જનતા પણ આઘાતમાં હતી. બાળકો અને પુખ્તોને સજાની કામગીરી ઘણી જટિલ છે. ઘણા સગીરો સમજી શક્તાં નથી કે તેઓ પીડિતને કેટલી હાનિ પહોંચાડી રહ્યાં છે. અદાલતે અપરાધ અટકાવવા અને બાળકોના કલ્યાણને પણ ધ્યાનમાં રાખવાં જોઇએ. સગીરને કરાયેલી સજા હળવી હોય તેમ અમને લાગતું નથી.


