હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપના વિનોદ પોપટે જણાવ્યું હતું કે, ભીમ કોહલી પરના ઘાતકી હુમલાથી મને ઘણો આઘાત લાગ્યો હતો. તેઓ આપણા સમાજના સન્માનનીય વડીલ હતા. આ હિંસાનો કોઇ એકલદોકલ કિસ્સો નથી પરંતુ બ્રિટિશ સમાજમાં વધી રહેલા રેસિઝમનું વરવું ઉદાહરણ છે. આજે આપણા સમાજના ઘણા લોકો રેસિઝમનો સામનો કરી રહ્યાં છે. આ કેસનો ચુકાદો પણ આઘાતજનક છે. જે રીતે અપરાધમાં સંડોવાયેલી સગીરાને સજા વિના જવા દેવાઇ તે ધ્રુજાવી દેતો સંદેશ આપે છે. આપણી પીડા, કાયદામાં સમાન રક્ષણના અધિકારને ગંભીરતાથી લેવાતાં નથી. રેસિઝમના કિસ્સાઓમાં પોલીસ અને જસ્ટિસ સિસ્ટમ નબળી પૂરવાર થઇ રહી છે. આ નિષ્ફળતા સમગ્ર યુકેના એશિયન સમુદાયોમાં ભયની લાગણી પેદા કરી રહી છે. આપણે કોઇ વિશેષ સુવિધાઓની માગ કરી રહ્યાં નથી. આપણે ફક્ત સમાન વ્યવહાર અને ન્યાયની માગ કરી રહ્યાં છીએ. સત્તાવાળાઓએ અર્થપૂર્ણ પગલાં દ્વારા ભાંગી પડેલા વિશ્વાસનું પુનઃનિર્માણ કરવું જોઇએ.
સમાજ સેવિકા ડો. રૂખસાના ફારૂકીએ જણાવ્યું હતું કે, આ કરૂણાંતિકાના ઘણા પાસા છે. અંગત અનુભવની વાત કરું તો મેં લેસ્ટરમાં સમાજ સેવિકા તરીકે કામ કર્યું છે અને શહેરના ચોક્કસ વિસ્તારોમાં રેસિઝમ વ્યાપક છે. 1980ના દાયકામાં શ્વેત યુવાઓ દ્વારા મારા ઘણા મિત્રો પર હુમલા કરાયા હતા. આ વિસ્તારોમાં ફાર રાઇટની ભુમિકાની તપાસ થવી જોઇએ. વિશેષ કરીને તેઓ યુવાઓને ગેરમાર્ગે દોરીને કેવી રીતે ઉપયોગ કરી રહ્યાં છે તે જાણવું જોઇએ. ભીમ કોહલીના કેસમાં સોશિયલ મીડિયાએ ભજવેલી ભુમિકાની પણ તપાસ થવી જોઇએ.
બાળકોને માનવ મૂલ્યોનું સારું શિક્ષણ આપવું જોઇએઃ કાઉન્સિલર ડો. મંજુલા સુદ એમબીઇ
લેસ્ટરના આસિસ્ટન્ટ મેયર કાઉન્સિલર ડો. મંજુલા સુદે (એમબીઇ)એ જણાવ્યું હતું કે, ચિંતાનો વિષય એ છે કે બાળકોને યોગ્ય શિક્ષણ અપાવું જોઇએ. આ માટે વાલીઓ, શઇક્ષકો, પોલીસ અને સમાજે સાથે મળીને કામ કરવું જોઇએ. બાળકોને નાનપણથી જ માનવ મૂલ્યો, જીવનનું મહત્વ, અન્યો પ્રત્યે સન્માનના શિક્ષણ સાથે રેસિઝમ અને ભેદભાવની સમજણ આપવી જોઇએ. તેમને આવા નુકસાનકારક વિચારો ક્યાંથી આવે છે તે શોધીને અટકાવવા જોઇએ. આ કેસમાં સગીરોએ એક વૃદ્ધ અને નિઃસહાય વ્યક્તિ પર મજા માટે હુમલો કર્યો હતો. આવી માનસિકતા ક્યાંથી આવે છે. 13-14 વર્ષના અપરાધીઓ એટલા નાના તો નહોતા કે સમજી ન શકે કે શું સાચું છે અને શું ખોટું છે. માનવ મૂલ્યો અને શિસ્તને પ્રોત્સાહન આપવામાં મીડિયા પણ મોટી ભુમિકા ભજવી શકે છે. નહીંતર બિનજરૂરી માનવ જીવનો હોમાતાં રહેશે.
કોહલીની હત્યા હિંસક રેસિઝમ સામે ચેતવણીની ઘંટડીઃ સુરેશ ગ્રોવર
મોનિટરિંગ ગ્રુપના સુરેશ ગ્રોવરે ભીમ કોહલીની હત્યા પર આઘાત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોહલીની હત્યા સમગ્ર દેશ માટે હિંસક રેસિઝમ સામે ચેતવણીની ઘંટડી છે. તેમના પર હુમલો કરાયો ત્યારે તેઓ નિઃસહાય હતા. આઘાતજનક બાબત એ છે કે ક્રિમિનલ જસ્ટિસ એજન્સીઓ ભીમ કોહલીને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહી છે. હુમલામાં બે વ્યક્તિ સામેલ હોવા છતાં એકને જ સજા કરાઇ છે. જો કોહલીના સ્થાને કોઇ શ્વેત પેન્શનર હોત અને હુમલાખોર કોઇ વંશીય સમુદાયના હોત તો? રેસિસ્ટ ક્રાઇમ ફક્ત વ્યક્તિગતોને જ નહીં પરંતુ સમુદાયોને અસર કરે છે.