ભૂતિયા સરકારઃ ડિપાર્ટમેન્ટ્સના નિર્ણયો હાલ અભરાઈએ ચડાવાયા

નવી સરકાર ન રચાય ત્યાં સુધી સરકારી કામકાજ ઠપ

Tuesday 09th August 2022 13:10 EDT
 

લંડનઃ યુકેમાં આર્થિક કટોકટી ઝળુંબી રહી છે ત્યારે એનર્જી, ઓનલાઈન સેફ્ટી અને જુગાર સંબંધિત અનેક કાયદાઓ અભરાઈ પર ચડાવી દેવાયા છે અને સરકારના અડધાથી વધુ ડિપાર્ટમેન્ટ્સના ચાવીરૂપ નિર્ણયોમાં વિલંબ થઈ રહ્યો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન રાજીનામું આપી દીધા પછી કાર્યકારી સરકાર ચલાવી રહ્યા છે. લોકો કહે છે કે યુકેમાં કાર્ય કરતી સરકાર નથી.

ઓબ્ઝર્વરના એનાલિસિસ મુજબ સરકારના અડધાથી વધુ ચાવીરૂપ વિભાગોમાં મિનિસ્ટર્સની જાહેરાતો છેલ્લી ઘડીએ પાછી ખેંચી લેવાઈ હતી. ખરડાઓ રજૂ કરાયા નથી અને પોલિસી દસ્તાવેજો જાહેર કરવાની સમયમર્યાદા ચૂકી જવાઈ છે. જુગારના કાયદામાં સુધારાઓની દરખાસ્તો સંદર્ભે વ્હાઈટ પેપર રજૂ કરી શકાયું નથી અને ખરડો અભરાઈએ ચડાવી દેવાયો છે. આ જ રીતે નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી બાળકોના રક્ષણ સંબંધિત ઓનલાઈન સેફ્ટી બિલને પણ અટકાવી દેવાયું છે. બિઝનેસ, અનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજી ડિપાર્ટમેન્ટ દ્વારા એમ્પ્લોયમેન્ટ બિલ પણ અભરાઈએ ચડી ગયાનું જણાય છે. પર્યાવરણ, ફૂડ અને ગ્રામીણ બાબતોનો વિભાગ, હેલ્થ એન્ડ સોશિયલ કેર વિભાગ અને હોમ ઓફિસના પણ મહત્ત્વના પ્રસ્તાવ અને નિર્ણયો કે સમીક્ષાઓ અટકી પડ્યા છે.

યુકેની સ્ટીલ ઈન્ડસ્ટ્રીને કોલસાની જરૂરિયાત પૂરી પાડવા કમ્બ્રીઆના વ્હાઈટહેવન નજીક165 મિલિયન પાઉન્ડના ખર્ચે કોલસાની ખાણનો નિર્ણય મુલતવી રાખી દેવાયો છે. જે દિવસે જાહેરાત થવાની હતી તે જ દિવસે જ્હોન્સને રાજીનામું આપી દીધું હતું અને થોડાં કલાક પછી લેવલિંગ અપ સેક્રેટરી માઈકલ ગોવની હકાલપટ્ટી કરી દેવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter