લંડનઃ પૂર્વ મિનિસ્ટર અને લેબર સાંસદ તુલિપ સિદ્દિકને બાંગ્લાદેશની કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારના આરોપસર 4 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. લેબર પાર્ટીએ બાંગ્લાદેશની કાનૂની કાર્યવાહીને અન્યાયી ગણાવી છે. કોર્ટે અન્ય ભ્રષ્ટાચારના કેસોમાં સિદ્દિકની માસી અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમના પરિવારના બે સભ્યોને પણ અલગ અલગ સજા ફટકારી છે. આરોપીઓની ગેરહાજરીમાં જ આ કેસ ચલાવવામાં આવ્યા હતા અને તેમણે પોતાના પર મૂકાયેલા આરોપોને નકારી કાઢ્યાં છે.
લેબર પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તુલિપ સિદ્દિકને ન્યાયી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ કરાવાઇ નથી. તેમને તેમના પરના આરોપોની કોઇ વિગતો આપવામાં આવી નહોતી. સિદ્દિકની લીગલ ટીમની વારંવારની વિનંતી છતાં કોઇ માહિતી અપાઇ નહોતી. જ્યારે કોઇના પર આરોપ મૂકાય છે ત્યારે તેને કાનૂની રજૂઆત કરવાની પુરતી તક અપાવી જોઇએ. આ કેસમાં આવું થયું નથી તેથી અમે બાંગ્લાદેશની કોર્ટના ચુકાદાને સ્વીકારતા નથી.
2025ના અંતમાં પણ બાંગ્લાદેશની કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારના આરોપસર સિદ્દિકને બે વર્ષ કેદની સજા કરવામાં આવી હતી. ઢાકામાં જમીનનો પ્લોટ મેળવવા માટે તેમણે શેખ હસીનાના પ્રભાવ અને લાગવગનો ઉપયોગ કર્યો હોવાનો આ કેસમાં તેમના પર આરોપ હતો.


