ભ્રામક મોટર ફાઇનાન્સ કરારો માટે કરોડો વાહનચાલકોને 829 પાઉન્ડનું વળતર ચૂકવાશે

લેન્ડર કંપનીઓ પર 9.1 બિલિયન પાઉન્ડનો બોજો પડવાનો અંદાજ

Tuesday 31st March 2026 10:29 EDT
 

લંડનઃ મોટર ફાઇનાન્સ કરારોમાં ગેરમાર્ગે દોરીને સાંકળી લેવાયેલા લાખો વાહનચાલકોને આ વર્ષે વળતર ચૂકવાય તેવી સંભાવના છે. ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી દ્વારા રજૂ કરાયેલી યોજના અનુસાર દરેક અસરગ્રસ્ત વાહનચાલકને 829 પાઉન્ડ જેટલું વળતર મળી શકે છે. ઓથોરિટીએ રજૂ કરેલા પ્રસ્તાવ અનુસાર લેન્ડર્સ પર કુલ 9.1 બિલિયન પાઉન્ડનો બોજો પડશે.

નવી માપદંડો અનુસાર અંદાજે 12.1 મિલિયન મોટર ફાઇનાન્સ ડીલ્સ વળતરને પાત્ર ગણાશે. નવી કારોની મોટાભાગની ખરીદી અને ઘણી સેકન્ડ-હેન્ડ કારોની ખરીદી ફાઇનાન્સ કરારો દ્વારા જ કરવામાં આવે છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર વળતરને પાત્ર ફાઇનાન્સ કરાર ધરાવતા લોકોને કંપનીઓ દ્વારા કુલ 7.5 બિલિયન પાઉન્ડ ચૂકવાશે. આ યોજનાનો વહીવટી ખર્ચ 1.6 બિલિયન પાઉન્ડ અંદાજવામાં આવ્યો છે. જોકે આ પ્રસ્તાવને લેન્ડર કંપનીઓ અને કાનૂની નિષ્ણાતો પડકાર આપી શકે છે.

ઓથોરિટીએ જણાવ્યું હતું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે દરેક આ યોજનાને સમર્થન આપશે અને લેન્ડર કંપનીઓ તેમના ગ્રાહકો માટે ત્વરિત રીતે ભૂલો સુધારશે. જોકે લેન્ડર્સનું પ્રતિનિધિત્વ કરતા ફાઇનાન્સ એન્ડ લીઝિંગ એસોસિએશને જણાવ્યું છે કે ગ્રાહકોને નુકસાન થયું હોય ત્યાં જ વળતર ચૂકવવું જોઇએ. ઓથોરિટીની યોજનાનો વ્યાપ ઘણો મોટો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter