લેસ્ટરઃ ફિયાન્સી ભાવિની પ્રવીણની કરપીણ હત્યા કરવાના ગુનામાં લેસ્ટરમાં વસતા ૨૪ વર્ષના ગુજરાતી યુવાન જીગુકુમાર સોરઠીને લેસ્ટર ક્રાઉન કોર્ટે દોષિત ઠરાવ્યો હતો. સાત મહિલા અને પાંચ પુરુષની બનેલી જ્યુરીએ સોરઠીને દોષિત જાહેર કરવામાં માત્ર એક કલાકનો સમય લીધો હતો. સોરઠીને ૧૬ સપ્ટેમ્બર બુધવારે સજાની જાહેરાત કરાશે. લેસ્ટરના મિડલેન્ડ ટાઉનમાં રહેતા સોરઠીએ માર્ચ મહિનાની બીજી તારીખે લેસ્ટરના બેલગ્રેવના મૂર્સ રોડ પર રહેતી તેની મંગેતર ભાવિની પ્રવીણની ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી હતી. ભાવિની અને સોરઠીના ૨૦૧૭માં ભારતમાં સિવિલ મેરેજ થયાં હતાં પરંતુ, હિન્દુવિધિ અનુસાર લગ્ન ન થાય ત્યાં સુધી તેઓ અલગ રહેતાં હતાં. સોરઠી સ્પાઉઝલ વિઝા પર યુકે આવ્યો હતો.
લેસ્ટર ક્રાઉન કોર્ટમાં કેસ ચાલી જતા જ્યુરીએ તેને કસુરવાર ઠરાવ્યો હતો. લેસ્ટર પોલીસે કહ્યું હતું કે જીગુકુમાર સોરઠીએ રસ્તા વચ્ચે પોલીસને રોકીને પોતે માર્ચમાં એક યુવતીની હત્યા કરી હોવાની વાત જણાવી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, બીજી માર્ચ, સોમવારે બપોરે સાડા બાર વાગે જીગુ સોરઠી ફિયાન્સી ભાવિની પ્રવીણના ઘેર ગયો હતો. બંનેએ થોડી વાર વાતચીતો કરી હતી. અચાનક જ જીગુએ ચપ્પુ કાઢી ભાવિનીને ઉપરાઉપરી ઘા મારતા ભાવિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સોરઠી ૧૮ સેન્ટિમીટર લાંબા ચાકુને પરિવારના ચાર બેડરુમના ફ્લેટના કોર્ટયાર્ડમાં ફેંકી નાસી છૂટ્યો હતો.
સોરઠીએ જ્યુરીને જણાવ્યું હતું કે તેને ભાવિની પ્રત્યે પ્રેમ રહ્યો ન હતો અને લગ્ન બચાવવાની તેની ઈચ્છા પણ ન હતી. તેણે યુકેમાં રહેવા ઈયુ રેસિડન્સી વિઝા મળી ન જાય ત્યાં સુધી ભાવિનીને ડાઈવોર્સ આપવા ઈનકાર કર્યો હતો. સોરઠીએ એવો દાવો કર્યો હતો કે તે ફ્લેટ પર પહોંચ્યો ત્યારે ભાવિની અને તેની માતાએ તેની સાથે ગાળાગાળી કરી હતી. જિગુકુમારે હત્યાનો ઈનકાર કરવા સાથે એવી કબુલાત કરી હતી કે તે આવેશમાં આવી ગયો હતો અને તેનો ઈરાદો ભાવિનીને ગંભીર ઈજા પહોંચાડવાનો ન હતો.
ભાવિનીના પિતા બાબુભાઈ પ્રવીણે નોર્થ એવિંગ્ટનના ઈસ્ટ પાર્ક રોડ ખાતે રહેતા સોરઠીને દોષિત જાહેર કરાયા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમારી પુત્રીની હત્યા કરાઇ ત્યારે તે માત્ર ૨૧ વર્ષની હતી. એ જન્મી ત્યારે અમારા ઘરે લક્ષ્મી પધારી હોવાની લાગણી થઈ હતી. તેને મોટી થતી જોવામાં અમને આનંદ આવતો હતો. તે અમારી પ્રેરણા હતી. આ પછી, અમારા બે પુત્રો કૃતેશ અને યજ્ઞેશનો જન્મ થયો હતો. અમે બાળકોને સારું શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય આપી શકીએ એ માટે જ બ્રિટન આવ્યા હતા. અમે જ જીગુ સોરઠીને ઇગ્લેન્ડ લાવ્યા હતા. અમારી પુત્રી સાથે તેની સગાઇ કરાવી, તેને રહેવા માટે ઘર આપ્યું અને ઘણી મદદ કરી હતી. અમે તેની પર વિશ્વાસ કર્યો પરંતુ, તેણે અમારો વિશ્વાસ તોડયો અને કેવો બદલો આપ્યો?’ પ્રવીણ બાબુ ૨૦૧૪માં પરિવાર સાથે યુકે આવ્યા હતા.
જિગુકમાર શરાબ અને ધૂમ્રપાનના રવાડે
ભાવિનીના પિતા બાબુભાઈ પ્રવીણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેમની દીકરી ભાવિની શરાબ અને ધૂમ્રપાનના રવાડે ચડેલા જિગુકુમાર સાથે લગ્ન કરવા માગતી ન હતી. ભાવિનીની હત્યા કરાઈ તે પહેલા સોરઠીને દેશની બહાર જતા રહેવા પોતે દબાણ, હિંસાની ધમકી અથવા લેસ્ટર અને યુકે છોડી દેશભેગા થવા પ્લેનની ટિકિટ પણ લાવી આપી હોવાનો પણ તેમણે ઈનકાર કર્યો હતો. બાબુભાઈએ એમ પણ કહ્યું હતું કે તેમણે અને તેમની પત્નીએ રવિવાર પહેલી માર્ચે ભારતમાં રહેતી સોરઠીની માતાને લગ્ન ફોક કરાયાની માહિતી આપી હતી. હત્યાના દિવસે બાબુભાઈ પ્રવીણ કામ પર હતા પરંતુ, ફોન આવ્યા પછી તત્કાળ ઘેર પહોંચ્યા હતા.
ભાવિનીને ભાવિ જીવનની ચિંતા હતી
સોરઠી ખરાબ લોકોની સંગતમાં હતો જે, ભાવિનીને ગમતું ન હતું. તેણે સોરઠીને શરાબ અને ધૂમ્રપાન બંધ કરવા પણ જણાવ્યું હતું. સોરઠી સાથે ભાવિલગ્નજીવન કેવી રીતે જીવાશે તેનાથી ચિંતિત ભાવિનીએ આ સંબંધોનો અંત લાવવા નિર્ણય કર્યો હતો. ભાવિની સાથે ઘરમાં રહેતી પારિવારિક મિત્ર મિનાક્ષી ટંડેલે જ્યુરી સમક્ષ જુબાનીમાં જણાવ્યું હતું કે ભાવિનીએ મને તે સોરઠી સાથે લગ્ન કરવા ઈચ્છતી ન હોવાનું કહ્યું હતું. તેણે ભાવિનીને ફોન પર એમ કહેતાં સાભળી હતી કે,‘આપણે અલગ થવું જોઈએ. તું તારા રસ્તે જા અને હું મારાં રસ્તે જઈશ.’
માતા અને ભાઈએ બચાવવાનો પ્રયાસ કર્યો
ભાવિનીની માતા વેસ્ટીબહેન શંકરે જ્યુરી સમક્ષ જણાવ્યું હતું કે સોરઠી બપોરે અચાનક ઘેર આવી ચડ્યો હતો. સોરઠીએ વેસ્ટીબહેન શંકરની તેની ભારતસ્થિત માતા સાથે ફોન પર થયેલી વાતચીત અંગે પૂછપરછ કરી હતી. આ સમયે માતા વેસ્ટીબહેને સોરઠીને ભાવિનીના બદલે અન્ય કોઈ સાથે લગ્ન કરી લેવાની સલાહ આપી હતી. થોડી વાર પછી બંનેને એકલા મૂકી માતા બીજા રુમમાં ગયાં હતાં અને મદદ માટે ભાવિનીની બૂમો સાંભળી પાછાં ફર્યાં ત્યારે ભાવિની સોફા પર નીચે પડી હતી. સોરઠી ચાકુ સાથે હુમલો કરવા આવ્યો ત્યારે વેસ્ટીબહેન ભાવિનીને બચાવવા માટે આડાં આવી ગયાં હતાં.
ભાવિનીના નાના ભાઈ કૃતેશે ચાકુના અનેક ઘાથી ઘાયલ બહેનને બચાવવા ઘણો પ્રયાસ કર્યો હતો. તેણે એમ્બ્યુલન્સ સર્વિસ ઓપરેટર પાસેથી ફોન પર સૂચનો મેળવ્યા હતા અને તે મુજબ ભાવિનીનાં શ્વાસ ફરી ચાલુ કરવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન તેણે ભાવિની સામે ‘આંખો ખોલ, મારી સાથે વાત કર’ની રટ લગાવે રાખી હતી. સોરઠી આવ્યો ત્યારે કૃતેશે તેના માટે બારણું ખોલ્યું હતું અને કોઈ કામસર બહાર ચાલ્યો ગયો હતો. આ સમયે ઘરમાં ભાવિની અને તેની માતા હતાં. વેસ્ટીબહેને સોરઠીએ ભાવિનીને ચાકુના ઘા માર્યા હોવાનો ફોન કૃતેશને કરતા તે તત્કાળ ઘેર આવ્યો હતો. એમ્બ્યુલન્સ અને પોલીસ આવ્યા ત્યારે તો ભાવિનીનું પ્રણપંખેરું ઉડી ગયું હતું.