લંડનઃ જુલાઇ મહિનામાં યુકેનો જીડીપી વૃદ્ધિ દર 0.5 ટકા ઘટી જતાં દેશ મંદીમાં ધકેલાઇ રહ્યો હોવાની સંભાવના વધુ પ્રબળ બની છે. જૂન મહિનામાં જીડીપીમાં 0.5 ટકાનો વૃદ્ધિદર નોંધાયો હતો. જુલાઇમાં ડિસેમ્બર 2022 પછી જીડીપી વૃદ્ધિદરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સર્વિસિઝ, પ્રોડક્શન અને કન્સ્ટ્રક્શન એમ તમામ સેક્ટરોમાં પીછેહઠ જોવા મળી છે.
જોકે સરકારના મંત્રી મારિયા કૌલફિલ્ડ કહે છે કે જીડીપી વૃદ્ધિદરમાં ઘટાડો હતાશાજનક છે તેમ છતાં જુલાઇ મહિનામાં ખરાબ હવામાન અને એનએચએસ ડોક્ટરો તથા શિક્ષકોની હડતાળોના કારણે સર્વિસ સેક્ટર પર અસર પડી હતી. ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, ફુગાવાનો દર અડધો કરીને જ આપણે સારો વૃદ્ધિદર હાંસલ કરી શકીશું. કોરોના મહામારી બાદ જી-7 દેશોમાં આપણે જ સૌથી ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છીએ. આઇએમએફએ પણ જણાવ્યું છે કે જર્મની, ફ્રાન્સ અને ઇટાલી કરતાં પણ બ્રિટનનું અર્થતંત્ર ઝડપથી પ્રગતિ કરશે.
લેબર પાર્ટીના શેડો ચાન્સેલર રાચેલ રીવ્ઝે જણાવ્યું હતું કે, આર્થિક વૃદ્ધિના સંદર્ભમાં વધુ એક હતાશાજનક દિવસ સામે આવ્યો છે. બ્રિટનનું અર્થતંત્ર કન્ઝર્વેટિવોની ઓછા વૃદ્ધિદરની જાળમાં સપડાઇ ગયું છે. નોકરીયાત વર્ગ માટે અત્યંત બદતર સ્થિતિનું નિર્માણ થયું છે.

