મકાન ભાડાંમાં તોતિંગ વધારો, છેલ્લા એક દાયકાની ટોચની સપાટી પર

Tuesday 12th December 2023 12:47 EST
 

લંડનઃ બ્રિટનમાં મકાન ભાડાંમાં તોતિંગ વધારો નોંધાયો છે. નવેમ્બરમાં મકાન ભાડાં છેલ્લા એક દાયકાની ટોચની સપાટી પર પહોંચી ગયાં હતાં. એસ્ટેટ એજન્ટ હેમ્પટન્સના જણાવ્યા અનુસાર નવા ભાડૂઆતો માટેના ભાડામાં દર વર્ષે 10.2 ટકાના દરે વધારો થઇ રહ્યો છે. મકાન ભાડામાં આ વધારાના કારણે આ વર્ષે ભાડૂઆતોએ 85 બિલિયન પાઉન્ડ જેવી ભારે રકમ ભાડાં તરીકે ચૂકવી હતી.

નવા માસિક ભાડાના ઇન્ડેક્સ પ્રમાણે 2010 પછી ભાડાની કુલ રકમ બમણી થઇ છે. 2010માં ભાડૂઆતોએ 40 બિલિયન પાઉન્ડ ભાડા પેટે ચૂકવ્યાં હતાં. મકાનોની વધેલી કિંમત અને મોર્ગેજ દરોમાં વધારાના કારણે પણ હવે યુવાઓ માટે મકાન ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે.

છેલ્લા 13 વર્ષમાં મકાન ભાડે લેનારા પરિવારોની સંખ્યામાં 25 ટકાનો વધારો થવાના કારણે પણ મકાન ભાડામાં વધારો નોંધાયો છે. ગ્રેટ બ્રિટનમાં નવા મકાન માટેના સરેરાશ ભાડાં 1348 પાઉન્ડ પીસીએમ પર પહોંચી ગયાં હતાં. જે છેલ્લાં 12 મહિનામાં બે આંકડામાં વધારો દર્શાવે છે. લંડનમાં પણ મકાનના ભાડાં ઝડપથી વધી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter