લંડનઃ આ વર્ષના અંતમાં જેમની મોર્ગેજ ડીલ સમાપ્ત થઇ રહી છે તેવા લાખો મકાન માલિકોને 7 ટકાના દરે મોર્ગેજ ચૂકવવાની ફરજ પડશે તેવી ભીતિ સેવાઇ રહી છે. આગામી 6 મહિનામાં 8 લાખ મકાન માલિકોને રિમોર્ગેજ કરાવવું પડશે પરંતુ તે માટે તેમને ત્રણ ગણા વ્યાજદર ચૂકવવા પડી શકે છે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડે છેલ્લા 18 મહિનામાં સતત 13મી વાર વ્યાજદરમાં વધારો કરતાં તે 15 વર્ષની ટોચે પર પાંચ ટકાએ પહોંચી ગયાં છે. બજારોમાં એવી ચર્ચા છે કે નવેમ્બર સુધીમાં વ્યાજદર 6 ટકા પર પહોંચી શકે છે.
એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ડિરેક્ટર લૂક હિકમોર કહે છે કે જો વર્ષના અંત સુધીમાં વ્યાજદર 6 ટકા પર પહોંચી જશે તો મોર્ગેજના દર પણ ઊંચા રહેશે. બે વર્ષની ફિક્સ્ડ મોર્ગેજ ડીલ માટેના મોર્ગેજ દર 7 ટકાને આંબી શકે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચના જણાવ્યા અનુસાર ઊંચા મોર્ગેજ રિપેમેન્ટના કારણે 10 લાખ કરતાં વધુ મકાન માલિકોની બચતો ખાલી થઇ જશે. 30 ટકા પરિવારોને નાદારી નોંધાવવાની ફરજ પડી શકે છે.
ફિક્સ્ડ રેટ મોર્ગેજ ધરાવતા 14 લાખ મકાન માલિકોના મોર્ગેજ આ વર્ષે એક્સપાયર થઇ રહ્યાં છે ત્યારે તેમના માટે આ આઘાતના સમાચાર છે. જે લોકો નવી લોન લેવા માગે છે તેમણે બે વર્ષના ફિક્સ્ડ રેટ મોર્ગેજ પર 6.19 ટકા વ્યાજ ચૂકવવું પડશે. જે બે વર્ષ પહેલાં ફક્ત 2.56 ટકા જ હતું.
મોર્ગેજધારકોને આર્થિક સહાય આપવા ચાન્સેલર હન્ટનો સ્પષ્ટ ઇનકાર
લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું છે કે મોર્ગેજધારકોએ સરકાર પાસે કોઇપણ પ્રકારની સહાયની અપેક્ષા રાખવી જોઇએ નહીં. હન્ટે વધી રહેલા મોર્ગેજ બિલથી મકાન ખરીદનારાઓને કેવી રીતે મદદ કરી શકાય તેની ચર્ચા કરવા બ્રિટનની મોટી બેન્કોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર મોર્ગેજધારકોને નોંધપાત્ર આર્થિક સહાય આપશે નહીં.
કેટલાક સાંસદો દ્વારા મોર્ગેજ બિલમાં વધારાના સૌથી વધુ અસરગ્રસ્ત લોકોને સરકારી સહાય આપવાની વિચારણા કરવા અપીલ કરવામાં આવી હતી પરંતુ ચાન્સેલર હન્ટે આ અપીલને સંસદમાં જ ઠુકરાવી દીધી હતી.
હન્ટે જણાવ્યું હતું કે, અમે કશું કરવાના નથી તેનો અર્થ એ છે કે ફુગાવાનો ઊંચો દર લાંબા સમય સુધી જળવાઇ રહેવાનો છે. દેશના અર્થતંત્રમાં મોટા પાયા પર રોકડ ઠાલવતી યોજનાઓ ફુગાવાના દરમાં વધારો કરશે.
મકાનોના રિપઝેશન પહેલાં ઓછામાં ઓછા 12 મહિના રાહ જોવા બેન્કો સહમત
લંડનઃ ઘેરી બનેલી મોર્ગેજ કટોકટી મધ્યે મોર્ગેજની ચૂકવણીમાં વિલંબ કરનારા મોર્ગેજધારકોના મકાનોના રિપઝેશન પહેલાં ઓછામાં ઓછા 12 મહિના રાહ જોવા બેન્કો સહમત થઇ છે. ચાન્સેલર જેરેમી હન્ટે આ ડીલની જાહેરાત કરી છે જે અંતર્ગત મોર્ગેજધારકો તેમના ક્રેડિટ રેટિંગને અસર ન થાય તે રીતે મોર્ગેજ ટર્મ લંબાવી શકશે. હાલમાં રિપઝેશનની પ્રક્રિયા સામાન્ય કરતાં નીચા સ્તરે છે પરંતુ ઘણા નિષ્ણાતો તાજેતરમાં કરાયેલા મોર્ગેજ દરોમાં વધારાના વિપરિત પરિણામો પર ચિંતા વ્યક્ત કરી છે. બેન્કોના એક્ઝિક્યુટિવ અધિકારીઓ સાથે મુલાકાત બાદ ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, ધીરાણકર્તાઓ મકાનોનું રિપઝેશન કરવા ઇચ્છે છે પરંતુ હાલની ગંભીર પરિસ્થિતિમાં તેઓ ઓછામાં ઓછા 12 મહિના રાહ જોવા માટે તૈયાર થયાં છે.


