મજબૂત મિત્રતા

જાપાનના હિરોશિમા ખાતે ભારત અને યુકેના વડાપ્રધાનો વચ્ચે ઉષ્માસભર મુલાકાત, નરેન્દ્ર મોદી અને રિશી સુનાક પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે પ્રતિબદ્ધ, મંત્રણાઓની સમીક્ષા કરી, વેપાર અને મૂડીરોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ અને લોકસંપર્ક જેવા વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા

Tuesday 23rd May 2023 16:09 EDT
 
 

લંડનઃ જાપાનના હિરોશિમા ખાતે આયોજિત જી-7 શિખર સંમેલનની બેઠકની સાથે સાથે ભારત અને યુકેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રિશી સુનાક વચ્ચે 21 મે રવિવારના રોજ દ્વિપક્ષીય મુલાકાત યોજાઇ હતી. બેઠકમાં બંને નેતાઓએ બંને દેશ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર થયેલી પ્રગતિ, વેપાર, સંશોધન, વિજ્ઞાન સહિત વ્યૂહાત્મક ભાગીદારી પર વ્યાપક ચર્ચા થઇ હતી. બંને નેતાઓએ જણાવ્યું હતું કે તેમની ટીમો બંને દેશને લાભદાયી અને મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર પર ઝડપથી કામ કરવાનું ચાલુ રાખશે.

ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર આ બેઠકની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ એક મજબૂત દોસ્તી છે. રિશી સુનાક સાથેની મારી મુલાકાત ઘણી ફળદાયી રહી હતી. અમે વેપાર, સંશોધન, વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા કરી હતી.

ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષાની સાથે સાથે ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરાર પર થયેલી પ્રગતિની ચર્ચા કરી હતી. બંને નેતાઓ વેપાર અને મૂડીરોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ અને લોકસંપર્ક જેવા વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર બંને દેશોમાં વિકાસ અને રોજગાર વધારશે અને સપ્લાય ચેઇનને સરળ તથા સસ્તી બનાવશે. બંને દેશ વચ્ચેના સરહદ પારના વેપારમાં વધારો થશે. બંને નેતાઓએ ભારતની જી-20ની અધ્યક્ષતા પર પણ ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીએ રિશી સુનાકને જી-20ની બેઠકમાં હાજરી આપવા માટે નવી દિલ્હીની મુલાકાતનું આમંત્રણ આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter