મતદાન અગાઉ વડા પ્રધાન થેરેસાની બળવાખોર સાંસદોને અપીલ

Thursday 17th January 2019 04:01 EST
 
 

વડા પ્રધાન થેરેસા મેએ પોતાની બ્રેક્ઝિટ સમજૂતીને પાર્લામેન્ટમાં પસાર કરાવવાના છેલ્લી ઘડીના પ્રયાસમાં ટોરી બળવાખોર સાંસદોને અપીલ કરી હતી કે,‘આપણે બ્રિટિશ પ્રજાની ઈચ્છાને માન આપવું જોઈએ.’ પોતાની યોજના પરફેક્ટ ન હોવાનું સ્વીકારતાં થેરેસાએ જણાવ્યું હતું કે, ‘જ્યારે ઈતિહાસના પુસ્તકો લખાશે ત્યારે તેમાં લોકો આ ગૃહના નિર્ણયને જોશે અને પૂછશે કે આપણે યુરોપિયન યુનિયન છોડવાના દેશના મતને પરિપૂર્ણ કર્યો છે ખરો?’

તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે તેમના પ્લાનને ફગાવી દેવો અવિચારી પગલું ગણાશે. ટોરી સાંસદો એકસંપ નહિ થાય તો જેરેમી કોર્બીનની લેબર સરકાર સત્તા પર આવી જશે અને લોકોની નોકરીઓ ખતરામાં પડશે. થેરેસા મેના સહયોગીઓએ સ્વીકાર્યું હતું કે વડા પ્રધાનની યોજના આશરે ૨૦૦ સાંસદની બહુમતીથી પરાજિત થશે. ટોરી વિખવાદનો લાભ લઈ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન સરકારમાં અવિશ્વાસનો સત્તાવાર પ્રસ્તાવ રાખી શકે, જેના પરિણામે સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે.

બીજી તરફ, ઈયુ દ્વારા નવી ખાતરીઓ ઉચ્ચારાઈ છે કે વિવાદિત આઈરિશ બોર્ડર બેકસ્ટોપ હંગામી રહેશે. ઈયુ નેતાઓ જીન-ક્લૌડ જુન્કર અને ડોનાલ્ડ ટસ્કે બ્રિટિશ સરકારને ખાતરીઓ આપતા પત્રો મોકલ્યા હતા કે આઈરિશ બોર્ડર બેકસ્ટોપ માત્ર કામચલાઉ રાખવાનો જ ઈરાદો છે. જોકે તેમણે ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું કે વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ પર નવેસર વાટાઘાટ નહિ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter