લંડનઃ યુકેમાં નવી સંસદની ચૂંટણી માટે 4 જુલાઇના ગુરુવારના રોજ મતદાન યોજાય તે પહેલાંના અંતિમ સપ્તાહાંતમાં સત્તાધારી પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાન રિશી સુનાક અને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પહોંચવાના પ્રબળ દાવેદાર એવા લેબર પાર્ટીના વડા કેર સ્ટાર્મર ભગવાન સ્વામિનારાયણના શરણમાં પહોંચી ગયાં હતાં. બ્રિટિશ હિન્દુ મતદારોને રીઝવવાના પ્રયાસમાં વડાપ્રધાન રિશી સુનાક શનિવારે સાંજે પત્ની અક્ષતા મૂર્તિ સાથે નિસ્ડન ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પહોંચ્યા હતા જ્યારે સર કેર સ્ટાર્મર નોર્થ લંડનના કિંગ્સબરીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પહોંચ્યા હતા.
મારો ધર્મ શીખવે છે કે પરિણામની ચિંતા કર્યા વિના ફરજ નિભાવતા રહોઃ રિશી સુનાક
વડાપ્રધાન રિશી સુનાકે નિસ્ડન મંદિર ખાતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હું એક હિન્દુ છું અને તમે બધા મને પસંદ છો. મને મારા ધર્મમાંથી પ્રેરણા અને શાંતિ પ્રાપ્ત થાય છે. સંસદસભ્ય તરીકેના શપથ ભગવદ્દ ગીતા પર લેવા માટે મને ગૌરવ છે, મારો ધર્મ શીખવે છે કે પરિણામની ચિંતા કર્યા વિના ફરજ નિભાવતા રહો. આ સંસ્કાર મારા માતાપિતાએ મને આપ્યાં છે અને હું તે મારી દીકરીઓને આપી રહ્યો છું. મારી પત્નીનો પણ મને ખૂબ જ સહકાર મળી રહ્યો છે અને તે જાહેર સેવા માટે પ્રતિબદ્ધ છે. હિન્દુ સમુદાય તરફથી મને મળી રહેલા સહકાર અને પ્રાર્થનાઓ અદ્દભૂત છે અને હું તેમને ગૌરવ અપાવવાનું ચાલુ રાખીશ. સમુદાયના સમર્થનથી હું દેશના ભવિષ્યને સુરક્ષિત રાખી શકીશ.
બ્રિટિશ હિન્દુ સમુદાયને મારા જય સ્વામિનારાયણઃ કેર સ્ટાર્મર
કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિર ખાતે સંબોધન કરતાં લેબર પાર્ટીના વડા કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, બ્રિટિશ હિન્દુ સમુદાયને મારા જય સ્વામિનારાયણ. બ્રિટનમાં હિન્દુફોબિયાને કોઇ સ્થાન નથી. જો અમે આગામી સપ્તાહમાં ચૂંટાઇને આવીશું તો અમે વિશ્વ અને તમારી સેવા કરવા સેવાના આત્મા સાથે શાસન કરીશું.


