લંડનઃ વંશીય લઘુમતી સમુદાયોમાંથી આવતાં 50 કરતાં વધુ નામાંકિત અભિનેતા-અભિનેત્રી, કલાકારો, એક્ટિવિસ્ટ અને અન્યોએ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરને એક ખુલ્લો પત્ર લખી મતદાર ઓળખપત્રના કાયદાઓ રદ કરી દેવાની માગ કરતાં આરોપ મૂક્યો છે કે આ કાયદાઓ વંશીય લઘુમતી સમુદાયોના લોકોના લોકતાંત્રિક અધિકારો પર હુમલો છે.
પત્ર લખનારામાં સર લેની હેન્રી, ડેવિડ હેરવૂડ, પેટરસન જોસેફ, એડ્જોઆ એન્ડોહ, ઇન્ડિયા અમર્તિફિયો, કેમિલા શમશી સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે, નવી સરકાર પાસે આ નિયમો યથાવત રાખવાનું કોઇ કારણ નથી.
તાજેતરમાં યોજાયેલી સંસદની ચૂંટણી બાદ હાથ ધરાયેલા એક સરવે અનુસાર જરૂરી ઓળખપત્ર ન હોવાના કારણે 4 લાખ કરતાં વધુ લોકો મતદાનથી વંચિત રહી ગયાં હતાં. તેમાં મોટી સંખ્યામાં વંશીય લઘુમતી સમુદાયોના લોકોનો સમાવેશ થાય છે. આ પહેલી સંસદની ચૂંટણી હતી જેમાં મતદારો માટે ફોટો ઓળખપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યાં હતાં.
તે સમયે ચેરિટી સંસ્થાઓ અને એક્ટિવિસ્ટોએ ચેતવણી આપી હતી કે લઘુમતી સમુદાયોના ઘણા મતદારો આ પ્રકારના જરૂરી ઓળખપત્ર ધરાવતા નથી તેથી તેઓ મતદાનથી વંચિત રહી શકે છે. રનીમેડ ટ્રસ્ અને ઓપરેશન બ્લેક વોટ દ્વારા પાઠવાયેલા પત્રમાં આરોપ મૂકાયો છે કે આ નિયમો બ્લેક અને બ્રાઉન લોકો પર હુમલા સમાન છે. પત્રમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે અગાઉની સરકારે તેની પોતાની રાજકીય પાર્ટીના હિતો સાધવા માટે આ નિયમો દાખલ કર્યાં હતાં. આ કાયદાઓ વંશીય લઘુમતી સમુદાયોના લોકોના લોકતાંત્રિક અધિકારો પર તરાપ સમાન છે. બ્રિટનમાં 50 ટકા કરતાં અશ્વેત અને અન્ય વંશીય સમુદાયોના બાળકો ગરીબીમાં જીવી રહ્યાં છે ત્યારે અમારો મતાધિકાર વધુ મહત્વનો બની જાય છે.


