મતદાન માટે ફોટો ઓળખપત્ર ફરજિયાત, લઘુત્તમ વેતન 10.42 પાઉન્ડ પ્રતિ કલાક

બસ ટિકિટો પર બે પાઉન્ડની મર્યાદા અમલી બનશે, 2500 પાઉન્ડની એનર્જી કેપ રદ થશે

Wednesday 04th January 2023 05:49 EST
 
 

લંડન

2022નું પડકારજનક વર્ષ સમાપ્ત થયું છે પરંતુ નવા 2023ના વર્ષમાં અમલમાં આવી રહેલા કાયદામાંથી કેટલાંક પહેલેથી વિવાદોમાં ઘેરાયેલાં છે. અહીં નવા અમલમાં આવી રહેલા કાયદાઓની માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે જેથી જાણી શકાય કે તેનાથી આપણા પર કેટલી અને કેવી અસરો પડશે.

1 ઇલેક્શન એક્ટ 2022

અમલમાં આવી રહેલા ઇલેક્શન એક્ટ 2022ના કારણે મતદારોએ મતદાન કરતા સમયે મતદાન મથક પર મતદાર ઓળખપત્ર રજૂ કરવું પડશે. મે 2023માં યોજાનારી સ્થાનિક ચૂંટણીથી તેનો અમલ શરૂ કરાશે

2 લઘુત્તમ વેતનમાં વધારો

એપ્રિલ 2023થી લઘુત્તમ વેતન 92 પેન્સ વધીને 10.42 પાઉન્ડ પ્રતિ કલાક કરાયું છે જેના પગલે ફુલ ટાઇમ કર્મચારીની વાર્ષિક આવકમાં 1600 પાઉન્ડનો વધારો થશે.

3 કાઉન્સિલ ટેક્સ બિલ

એપ્રિલ 2023થી લોકલ કાઉન્સિલોને તેમના કરવેરામાં પાંચ ટકા સુધીનો વધારો કરવાની પરવાનગી અપાઇ છે જેના કારણે કેટલાક પરિવારોના ટેક્સના બિલ 2000 પાઉન્ડ પ્રતિ વર્ષ પર પહોંચી જશે.

4 સોશિયલ કેર કોસ્ટની મર્યાદા

આ વર્ષથી વૃદ્ધો માટેની સોશિયલ કેર કોસ્ટ પરની મર્યાદા 86,000 પાઉન્ડ કરાઇ છે પરંતુ 75,000થી 1,50,000 પાઉન્ડની સંપત્તિ ધરાવનારાએ વધુ નાણા ચૂકવવા પડશે.

5 ઘોંઘાટભર્યા પ્રદર્શનો પર રોક

સુધારેલા કાયદા પ્રમાણે ઘોંઘાટ ફેલાવતા પ્રદર્શનો પર રોક લાગી જશે. પોલીસ જાહેર વ્યવસ્થામાં અવરોધ, સમાજમાં ખલેલ અને સંપત્તિને નુકસાન માટે પગલાં લઇ શકશે.

6 પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે લઘુત્તમ સર્વિસ લેવલ

તાજેતરમાં રજૂ કરાયેલું ટ્રાન્સપોર્ટ સ્ટ્રાઇક બિલ ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે લઘુત્તમ સર્વિસ લેવલ નિર્ધારિત કરશે. જેના પગલે હડતાળ દરમિયાન ટ્રાન્સપોર્ટ સેવાઓને સંપુર્ણપણે ઠપ થતી અટકાવી શકાશે.

7 એનર્જી બિલ કેપ

એનર્જી પ્રાઇસ ગેરેંટી 2500 પાઉન્ડથી વધીને 3000 પાઉન્ડ પ્રતિ વર્ષને આંબી જવાની સંભાવના છે. એપ્રિલ મહિનાથી સરકાર દ્વારા નિર્ધારિત 2500 પાઉન્ડની એનર્જી કેપનો અંત આવી રહ્યો છે.

8 બસ ટિકિટો પર 2 પાઉન્ડની મર્યાદા

બસ કંપનીઓ સિંગલ જર્ની માટે 2 પાઉન્ડથી વધુની ટિકિટ વસૂલી શકશે નહીં. હાલ સરેરાશ બસની ટિકિટ 2.80 પાઉન્ડમાં પડે છે.

9 નેશનાલિટી એન્ડ બોર્ડર બિલ

આ કાયદો અમલમાં આવતા જાણીજોઇને બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવું ક્રિમિનલ અપરાધ ગણાશે. તે ઉપરાંત હોમ ઓફિસ બ્રિટિશ નાગરિકને ચેતવણી આપ્યા વિના જ નાગરિકતા છીનવી શકશે.

10 અસુરક્ષિત ઘરો માટે માલિકોએ નાણા ચૂકવવા પડશે

બિલ્ડિંગ સેફ્ટી એક્ટ અંતર્ગત ક્ષતિગ્રસ્ત મકાનોની મરામત માટે મકાન માલિકોએ 15000 પાઉન્ડ સુધીની રકમ ચૂકવવી પડશે. લેન્ડ લોર્ડને ઇથી નીચેના એનર્જી રેટિંગ ધરાવતી સંપત્તિ માચે નવી લીઝ મેળવી શકશે નહીં કે વર્તમાન લીઝને જારી રાખી શકશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter