લંડનઃ બ્રિટિશરો લગભગ ૧૦૦ વર્ષમાં પહેલી વખત ડિસેમ્બરની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા જશે ત્યારે ૧૨ ડિસેમ્બરે વરસાદ અને ઠંડા પવનો મતદાતાઓ માટે વેરી બની રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. યુકેના મોટા ભાગના વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદ પડશે જ્યારે, સાઉથ અને સાઉથ વેસ્ટ વિસ્તારોમાં ભારે વરસાદ નડશે. સ્કોટલેન્ડના પર્વતાળ વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ શકે છે અને બાકીના દેશમાં ૧૦થી ૧૨ ડીગ્રી સેલ્સિયસનું તાપમાન રહેશે.
ખરાબ હવામાન અને શિયાળામાં દિવસનો પ્રકાશ ઓછો રહેવાથી મતદારોની હાજરી ૨૦૧૭ના ૬૮.૭ ટકાના ટર્નઆઉટ કરતાં ઓછી રહેવાની શક્યતા છે. સામાન્યપણે વૃદ્ધ વ્યક્તિઓ બહાર નીકળી મતદાન કરે તેવી સંભાવના વધુ રહે છે પરંતુ, ખરાબ હવામાનના કારણે તેઓ ઘરમાં રહેવાનું પસંદ કરે તેમ જણાય છે. ટોરી પાર્ટીને વૃદ્ધ લોકોના મત વધુ મળતા હોવાથી આમ થશે તો તેને ખરાબ અસર પડશે.
ટોરી પાર્ટીને મત નહિઃ જ્હોન મેજર
પૂર્વ વડા પ્રધાન અને ટોરી નેતા સર જ્હોન મેજરે સામાન્ય ચૂંટણીમાં ત્રણ બેઠકો પર ટોરી ઉમેદવારોને મત નહિ આપવાની અપીલ કરીને વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને મોટો આંચકો આપ્યો છે. ૧૯૯૦-૯૭ના ગાળામાં કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ કરનારા સર જ્હોન મેજરે સત્તાવાર ટોરી ઉમેદવારોને નહિ પરંતુ, બળવાખોર ઉમેદવારો ડેવિડ ગૌકે, ડોમિનિક ગ્રીવ અને એન મિલ્ટનને મત આપવા જાહેર અનુરોધ કર્યો છે. સર જ્હોને બ્રેક્ઝિટને તેમના જીવનમાં નિહાળેલી સૌથી ખરાબ વિદેશનીતિ ગણાવેલ છે.
સર મેજરે કહ્યું છે કે તેઓ જ્હોન્સન દ્વારા હકાલપટ્ટી કરાયેલા ત્રણ પૂર્વ મિનિસ્ટર્સ ડેવિડ ગૌકે, ડોમિનિક ગ્રીવ અને એન મિલ્ટનને સમર્થન આપે છે.અસાધારણ પગલાંમાં સર મેજરે જણાવ્યું હતું કે ‘એક વાત સ્પષ્ટ કરું કે આ કોઈએ કન્ઝર્વેટિવ પાર્ટી છોડી નથી પરંતુ, કન્ઝર્વેટિવ પાર્ટીએ તેમને છોડ્યાં છે. તેમના જેવી પ્રતિભા વિના પાર્લામેન્ટ વધુ ગરીબ બનશે. જો હું આ ત્રણમાંથી કોઈ સ્થળે મતદાર હોત તો મારો મત તેમને જ મળત.’
લંડનમાં ફાઈનલ સે કેમ્પેઈનર્સ દ્વારા આયોજિત ‘સ્ટોપ ધ બ્રેક્ઝિટ લેન્ડસ્લાઈડ’ રેલી માટે પ્રી-રેકોર્ડેડ સ્પીચમાં સર મેજરે જણાવ્યું હતું હતું કે બ્રેક્ઝિટના કારણે વફાદારી ઘટી રહી છે. અગાઉ, લોર્ડ હેઝલટાઈને પણ જ્હોન્સનના બ્રેક્ઝિટને અટકાવવા માટે લિબરલ ડેમોક્રેટ્સને સમર્થન આપવા આજીવન ટોરી મતદારોને અપીલ કરી હતી.
સ્વિન્સને ટોરી સાથે ગઠબંધન બદલ માફી માગી
ટોરી-લિબ ડેમ ગઠબંધન સરકારમાં મિનિસ્ટર રહેલાં મિસ જો સ્વિન્સને આ ગઠબંધનની કરકસરની નીતિમાં સાથ આપવા બદલ માફી જાહેર કરી છે. જો સ્વિન્સન લિરલ ડેમોક્રેટ્સ પાર્ટીના વર્તમાન વડા છે. તેમણે બીબીસી વનના એન્ડ્રયુ નીલ સાથેના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બેનિફિટ્સમાં કાપ વધુપડતો હતો. ટેક્સીસમાંથી વધુ આવક મેળવાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે એન્ડ્રયુ નીલ સાથે કોર્બીનના ઈન્ટરવ્યૂની સરખામણીએ સ્વિન્સનનું પ્રદર્શન સારું હોવાનું દર્શકોએ જણાવ્યું હતું.
લિરલ ડેમોક્રેટ્સ નેતા સ્વિન્સનને ટોરી-લિબ ડેમ ગઠબંધન સરકારના કહેવાતા બેડ-રુમ ટેક્સને ટેકા બદલ માફી માગશો તેવો પ્રશ્ન કરાયો હતો. લિબ ડેમ નેતાએ કહ્યું હતું કે,‘ હું આ બાબતે દિલગીર છું. આ નીતિ યોગ્ય ન હતી અને અમારે તેને અટકાવવાની જરૂર હતી. અમે પાંચ વર્ષ ગઠબંધનમાં ગાળ્યાં હતા. અમે કન્ઝર્વેટિવ્ઝ સામે ઘણી લડાઈ લડ્યા પરંતુ, દરેક લડાઈ જીતી શક્યા નહિ. જોકે, શાળાઓ માટે વધુ નાણા, સૌથી ગરીબ વિદ્યાર્થીઓ માટે વધુ નાણા જેવી ઘણી લડાઈ જીત્યા પણ હતા.અમારા મેનિફેસ્ટોમાં આ બેડ-રુમ ટેક્સ રદ કરાવો જોઈએ તેમ સ્પષ્ટ કહેવાયું છે. (૧૮૦)


