લંડનઃ લેબર પાર્ટીનાં ૩૫ વર્ષીય પૂર્વ સાંસદ ફિઓના ઓનાસાન્યા મતદારો દ્વારા પાર્લામેન્ટમાંથી હકાલપટ્ટી કરાયેલાં પ્રથમ રાજકારણી બન્યાં છે. પોલીસ સમક્ષ જુઠ્ઠું બોલવાના કારણે અને ન્યાયના માર્ગને અવરોધવાના કારણે જાન્યુઆરીમાં તેમને જેલની સજા કરાઈ હતી. જોકે, પીટરબરાના સાંસદે તેમનું પદ છોડવાં ઈનકાર કર્યો હતો અને તેમનું વેતન અને સાંસદ તરીકે મત આપવાનું ચાલુ રાખ્યું હતું. આ પછી, ૨૦,૦૦૦ મતદારોએ રીકોલ પિટિશન દ્વારા ફિઓનાને કોમન્સથી બહાર જવું પડે તેવી સ્થિતિ સર્જી હતી.
ફિઓના ઓનાસાન્યાએ સ્પીડિંગ ચાર્જ સામે પોલીસ સમક્ષ જુઠાણું આચર્યું હતું પરિણામે કોર્ટે જાન્યુઆરીમાં તેમને ત્રણ મહિનાની જેલની સજા ફરમાવી હતી. લેબર પાર્ટીએ પણ ૨૦૧૭માં ચૂંટાયેલી ફિઓનાની હકાલપટ્ટી કરી હતી. બે વર્ષથી ઓછાં સમયમાં પીટરબરાના ૧૯,૨૬૧ મતદારોએ સાંસદને પાછાં બોલાવવાનાં અધિકારનો ઉપયોગ કર્યો હતો. રીકોલ પિટિશનમાં ૭,૦૦૦થી વધુ મતદારોની સહી જોઈએ છે ત્યારે ૧૯૨૬૧ મતદારોએ ફિઓનાને પાછી બોલાવવાં સહી કરી હતી.
કોમન્સના સ્પીકર જ્હોન બેર્કોએ જાહેરાત કરી હતી કે ફિઓના હવે પીટરબરાના સાંસદ નથી અને તે બેઠક ખાલી પડી છે. આના કારણે, ૨૦૧૬ના રેફરન્ડમમાં ઈયુ છોડવા ૬૦ ટકાએ મત આપ્યો હતો તેવી આ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. લેબર અને ટોરી તેમજ ફરાજની બ્રેક્ઝિટ પાર્ટીના ઉમેદવાર ઉપરાંત, ઓનાસાન્યા પણ અપક્ષ તરીકે આ બેઠક માટે ઉમેદવારી કરશે.


