નવી દિલ્હીઃ ભારતના મધ્યપ્રદેશની પોલીસે બ્રિટનમાં તાલીમ લઇને આવ્યાનો ડોળ કરનારા બનાવટી કાર્ડિયોલોજિસ્ટ સામે વિવિધ ધારાઓ અંતર્ગત કેસ નોંધ્યો છે. તેના પર દામોહ સ્થિત મિશનરી હોસ્પિટલમાં સાત દર્દીના મોત નિપજાવવાનો આરોપ મૂકાયો છે.
આરોપી એન. જ્હોન કેમ ખરેખર તો નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ હોવાની શંકા છે. તેના પર યુકે સ્થિત જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર જ્હોન કેમનું નામ ધારણ કરી મિશન હોસ્પિટલ ખાતે બિનસત્તાવાર રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના આરોપ મૂકાયા છે.
ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર એમ કે જૈનની ફરિયાદના આધારે તેની સામે કેસ નોંધાયો છે. જૈને જણાવ્યું હતું કે આરોપી મધ્યપ્રદેશ મેડિકલ કાઉન્સિલમાં માન્ય રજિસ્ટ્રેશન ધરાવતો નથી. જિલ્લા કલેક્ટર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આરોપીના દસ્તાવેજો શંકાસ્પદ જણાયા છે. હોસ્પિટલે સત્તાવાળાઓને જાણ કરી હતી કે આરોપી ફરાર થઇ ચૂક્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ન કેવળ બનાવટી દસ્તાવેજો ઉપજાવી કાઢ્યા પરંતુ પોતાને બ્રિટનમાં તાલીમ લીધેલા ડોક્ટર તરીકે રજૂ કર્યો હતો. તેણે આ માટે પ્રોફેસર જ્હોન કેમના નામનો ઉપયોગ કર્યો હતો. પોલીસ હોસ્પિટલના મેનેજર સામે પણ તપાસ કરી રહી છે. ભારતના માનવ અધિકાર પંચે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આયુષમાન ભારત યોજનાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોઇ શકે.