લંડન
મધ્યમ આવક ધરાવતા પરિવારોને તેમના મકાનો વધુ એનર્જી એફિશિયન્ટ બનાવવા સરકારની નવી યોજનાઓ અંતર્ગત 15000 પાઉન્ડ સુધીની આર્થિક સહાય મળે તેવી સંભાવના છે. બિઝનેસ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ ઇકો પ્લસ નામની 1 બિલિયન પાઉન્ડની યોજનાની જાહેરાત કરાઇ છે. નવી યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા પરિવારોને તેમના મકાનમાં લોફ્ટના ઇન્સ્ટોલેશન અને કેવિટી વોલ ઇન્શ્યુલેશન, સ્માર્ટ હિટિંગ કન્ટ્રોલ્સ માટે આર્થિક સહાય અપાશે.
એક અખબારી અહેવાલ અનુસાર આ યોજનામાં 70,000 કરતાં વધુ મકાનોને આવરી લેવાશે. આ યોજના દ્વારા પરિવારો પ્રતિ વર્ષ સેંકડો પાઉન્ડની બચત કરી શકશે. લોફ્ટ ઇન્શ્યુલેશન દ્વારા વર્ષે 640 પાઉન્ડ બચાવી શકાશે. ઇન્સ્ટોલેશન પાછળ થનારો 1100 પાઉન્ડનો ખર્ચ ફક્ત બે વર્ષમાં પરત મળી જશે. સ્માર્ટ હિટિંગ કન્ટ્રોલ્સ પાછળ 800 પાઉન્ડનો ખર્ચ થશે પરંતુ તેની સામે વર્ષે 525 પાઉન્ડની બચત થઇ શકે છે. કેવિટી વોલ ઇન્શ્યુલેશન પાછળ 2500 પાઉન્ડનો ખર્ચ થઇ શકે છે પરંતુ તેના દ્વારા દર વર્ષે 525 પાઉન્ડની બચત કરી શકાશે.
વર્ષ 2030 સુધીમાં વીજળીના વપરાશમાં 15 ટકાનો ઘટાડો કરવાના લક્ષ્યાંક સાથે સરકાર દ્વારા નવી યોજનાઓની જાહેરાત ટૂંકસમયમાં કરાશે.
વીજળીનો વપરાશ ઘટાડવા સરકાર જનજાગૃતિ અભિયાન ચલાવશે
વીજળીના વપરાશમાં કેવી રીતે ઘટાડો કરવો તે માટે જનતામાં જાગૃતિ ફેલાવવા સરકાર દ્વારા 25 મિલિયન પાઉન્ડના ખર્ચે એક અભિયાનની તૈયારી કરવામાં આવી રહી છે. અભિયાન અંતર્ગત જનતાને બોઇલર્સ બંધ કરવા, ખાલી રૂમમાં રેડિયેટર્સ બંધ કરવા અને શાવર લેવા જેવા પગલાં માટે પ્રોત્સાહિત કરાશે. ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, બ્રિટનને રશિયન પ્રમુખ પુતિન દ્વારા બ્લેકમેઇલ થતો અટકાવવા જનતાએ તેમના વીજળીના વપરાશમાં 15 ટકાનો ઘટાડો કરવાની જરૂર છે. આ જાગૃતિ અભિયાનમાં સરકારના મંત્રીઓ ઉપરાંત વિવિધ સેક્ટરના સેલિબ્રિટી પણ જોડાશે. આ માટે જાહેરાતો ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચલાવાશે. અધિકારીઓએ વીજળીના બિલમાં વાર્ષિક સરેરાશ 420 પાઉન્ડનો ઘટાડો કરવા માટે જરૂરી એવા આઠ પગલાં નક્કી કર્યાં છે. જેમાં બોઇલર્સનું તાપમાન ઘટાડવાથી 80 પાઉન્ડની બચત થઇ શકે છે. તે ઉપરાંત ઘરમાંથી બહાર જાવ ત્યારે હિટીંગ બંધ કરી દેવાથી 105 પાઉન્ડની બચત થઇ શકે છે. ખાલી રૂમમાં રેડિયેટર્સ બંધ કરી દેવાથી પણ 105 પાઉન્ડની બચત થશે. ઇલેક્ટ્રિકલ ડિવાઇસને સ્ટેન્ડ બાય રાખવાને સ્થાને બંધ કરી દેવાથી 55 પાઉન્ડની બચત કરી શકાશે. જે લોકો વારંવાર સ્નાન લે છે તેઓ સપ્તાહમાં ફક્ત એકવાર સ્નાન કરીને 15 પાઉન્ડની બચત કરી શકશે.


