ઓસ્બોર્ન વરસી પડ્યાઃ બજેટમાં મધ્યમ વર્ગ અને મહેનતુ લોકોને ભરપૂર કરરાહતો

Thursday 17th March 2016 07:56 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને મધ્યમ વર્ગને નજરમાં રાખી લોકપ્રિયતાનો જુગાર ખેલતું ૨૦૧૭-૧૮ના વર્ષ માટેનું બજેટ ૧૬ માર્ચે રજૂ કર્યું હતું. તેમણે આશ્ચર્યજનક પગલામાં સોફ્ટ ડ્રિન્ક્સ પર સુગર ટેક્સની જાહેરાત કરી હતી. પર્સનલ એલાવન્સ વધીને ૧૧,૫૦૦ પાઉન્ડ કરાતા ૩૧ મિલિયન કરદાતાને કરરાહતનો લાભ મળશે. બીજી તરફ આગામી વર્ષથી આવકવેરાની ૪૦ પેન્સના ટેક્સ રેટની મર્યાદા ૪૨,૩૮૫ પાઉન્ડથી વધારી ૪૫,૦૦૦ પાઉન્ડ લાગુ કરાશે. વ્યાપક કરરાહતો અને બચતકારોને પ્રોત્સાહનો આપવા સાથે તેમણે સ્વીકાર્યું હતું કે બ્રિટિશ અર્થતંત્ર ખતરામાં છે. વિકાસ, ઉત્પાદકતા, ટેક્સીસ અને ઋણની ફૂલગુલાબી આગાહીઓ સાચી ન પડવાથી દેશને ૫૫ બિલિયન પાઉન્ડની ખોટ પડી છે.

બીજી તરફ, મોટા બિઝનેસીસ પર નવ બિલિયન પાઉન્ડના ટેક્સ લાદવાથી ૪૦થી ઓછી વયના બચતકારો માટે વાર્ષિક ૮૫૦ મિલિયનનું બચતભંડોળ ઉભું કરી શકાશે તેમ પણ ચાન્સેલરે જણાવ્યું હતું. બાળકોમાં ઓબેસિટીના પ્રમાણની ચિંતા દર્શાવી તેમણે સોફ્ટ ડ્રિન્કના પ્રત્યેક કેન પર આઠ પેન્સનો સુગર ટેક્સ લાદ્યો હતો, જેનો અમલ ૨૦૧૮-૧૯થી કરાશે. તેમણે ફ્યુલ, બીઅર અને સિડાર પર ડ્યુટી સ્થગિત રાખવાની પણ જાહેરાત કરી હતી. જો બ્રિટન ઈયુમાંથી બહાર જશે તો ભારે નુકસાન થશે તેવી ચેતવણી પણ ઓસ્બોર્ને ઉચ્ચારી હતી. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR) દ્વારા જણાવાયું હતું કે નેટ માઈગ્રેશન લાખોની સંખ્યામાં ઘટાડવાનું લક્ષ્ય પૂર્ણ નહિ થાય. લેબર પક્ષના નેતા જેરેમી કોર્બીને ચાન્સેલરની યોજનાને છ વર્ષની નિષ્ફળતાની પરાકાષ્ઠા ગણાવી હતી.

મધ્યમવર્ગીય મતદારો પર નજર

મધ્યમવર્ગીય મતદારોને લાભ કરાવતાં પગલામાં ચાન્સેલરે ISAની મર્યાદા વાર્ષિક ૨૦,૦૦૦ પાઉન્ડ કરવાની જાહેરાત કરી હતી, જે હાલ ૧૫,૨૪૦ પાઉન્ડ છે. આ જ રીતે આગામી વર્ષથી ૪૫,૦૦૦ પાઉન્ડની કમાણી ઉપર ૪૦ પેન્સનો ટેક્સ રેટ લાગુ કરાશે, જેનાથી ૬૦૦,૦૦૦ કરદાતાને ઊંચા કરની જાળમાંથી બહાર નીકળી જશે. બચતોને ઉત્તેજન આપવાના પગલામાં ટ્રેઝરી દ્વારા વાર્ષિક મહત્તમ ૧,૦૦૦ પાઉન્ડ અથવા તો પ્રત્યેક ચાર પાઉન્ડની બચત કરનારાને એક પાઉન્ડનું બોનસ અપાશે, જેનો ઉપયોગ નિવૃત્તિ અથવા ઘરની ડિપોઝીટમાં કરી શકાશે. જોકે, નાણાકીય નિષ્ણાતોએ ૧૨૫,૦૦૦ પાઉન્ડના સંભવિત ભંડોળથી પરંપરાગત પેન્શન સામે જોખમ સર્જાવાની ચેતવણી ઉચ્ચારી છે. તેમણે નાની ૬૦૦,૦૦૦ પેઢીને બિઝનેસ રેટ્સના બોજામાંથી બહાર કાઢી હતી.

મહેનતુ લોકો માટેનું બજેટ

ચાન્સેલર ઓસ્બોર્ને પોતાના આઠમા બજેટને ‘મહેનતુ લોકો માટેનું બજેટ’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘આ આપણું બજેટ છે, જે સરપ્લસ તરફ લઈ જશે, જેથી ભાવિ પેઢીને આપણું કરજ ચુકવવાનું નહિ રહે. તે આપણી ટેક્સ પદ્ધતિઓને સુધારશે, જેથી બાવિ પેઢીને મજબૂત અર્થતંત્રનો વારસો મળશે. આ બજેટ ઈન્વેસ્ટર્સને રોકાણ માટે, બચતકારોને બચત માટે, બિઝનેસીસને બિઝનેસ માટે ઉત્તેજન આપશે, જેથી કામ કરતા લોકો માટે નીચાં કર, ઉદ્યમી બ્રિટન, ઘરઆંગણે સલામત અને વિશ્વમાં મજબૂત દેશનું નિર્માણ કરી શકાય.’ ઓસ્બોર્ને જણાવ્યું હતું કે તેઓ ૨૦૧૦માં ટ્રેઝરીમાં આવ્યા ત્યારે બ્રિટન દર ચાર પાઉન્ડે એક પાઉન્ડનું કરજ લેતું હતું, પરંતુ હવે દર ૧૪ પાઉન્ડે એક પાઉન્ડનું કરજ લે છે.

OBRની આગાહીઓ ખોટી પડી

નવેમ્બર મહિનામાં જ OBR દ્વારા જાહેર આગાહીઓ થકી ઓસ્બોર્નને વધારાના ૨૭ બિલિયન પાઉન્ડ મળે તેમ જણાવાયું હતું. જોકે, ઓસ્બોર્ને બજેટ પ્રવચનમાં સ્પષ્ટ કર્યું હતું કે ચાર મહિના અગાઉ જ જાહેર કરાયેલી ઉત્પાદકતાની આગાહી ખોટી પડતાં તિજોરીને ૫૬ બિલિયન પાઉન્ડની ખોટ સર્જાઈ છે. ૫.૫ બિલિયન પાઉન્ડના કાપ અને મોટા બિઝનેસીસ પર કરવેરા છતાં તેમણે આ પાર્લામેન્ટના કાર્યકાળ દરમિયાન વધારાના ૩૮ બિલિયન પાઉન્ડનું ઋણ લેવું પડશે. જોકે, ચાન્સેલરે આશા દર્શાવી હતી કે ખર્ચ પર અંકુશના લક્ષ્યો સિદ્ધ ન થવાં છતાં ૨૦૨૦ સુધીમાં બજેટખાધનો અંત લાવી દેવાશે. પાર્લામેન્ટના કાર્યકાળના આખરી વર્ષે દેશ ૨૧.૪ બિલિયન પાઉન્ડ ખાધમાંથી ૧૦.૪ બિલિયન પાઉન્ડના સરપ્લસમાં આવી જવાની ધારણા છે.

ઈયુ બહાર જવાથી નુકસાનનો દાવો

આર્થિક વૃદ્ધિ અને પબ્લિક ફાઈનાન્સના નિરાશાજનક આંકડા સાથે ચાન્સેલરે દાવો કર્યો હતો કે ઈયુમાંથી બહાર નીકળવાનો મત લાંબા ગાળાની અચોક્કસતા સર્જશે તેવો અભિપ્રાય સ્વતંત્ર ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી દ્વારા અપાયો છે. બ્રેક્ઝિટ અર્થતંત્રને વધુ ધીમું પાડશે. ટોરી સાંસદોએ કહ્યું હતું કે ચાન્સેલર OBRનું રાજકારણ ખેલવાના અને ભય સર્જવાના દોષી છે.

નવો સુગર ટેક્સ

ચાન્સેલરે બે વર્ષના ગાળામાં સુગર ટેક્સ લાદવાની જાહેરાત કરી હતી, જેથી સોફ્ટ ડ્રિન્ક્સ ઈન્ડસ્ટ્રીને તેમની રેસિપી બદલવા અને ખાંડનું પ્રમાણ ઓછું કરવાનો સમય મળી રહેશે. આ ટેક્સથી ૫૦૦ મિલિયન પાઉન્ડની આવક થવાની ધારણા છે, જેનો ઉપયોગ શાળાઓમાં રમતો પાછળ કરાશે. શુદ્ધ ફ્રૂટ જ્યુસ અને દૂધ આધારિત પીણાંને ટેક્સમાંથી બાકાત રખાશે. પ્રતિ ૧૦૦ મિલિ પાંચ ગ્રામથી વધુ સુગર ધરાવતા તેમજ પ્રતિ ૧૦૦ મિલિ આઠ ગ્રામથી વધુ સુગર ધરાવતી બે પ્રકારની બ્રાન્ડ્સ ગણવામાં આવશે.

એમ્પ્લોયમેન્ટ રેટનો વિક્રમ

ચાન્સેલરે બજેટ રજૂ કર્યા પૂર્વે રોજગાર દર વિક્રમી શિખરે પહોંચ્યાના અને જોબલેસની સંખ્યામાં વધુ ઘટાડાના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. જાન્યુઆરી ૨૦૧૬ સુધીના ત્રણ મહિનામાં અગાઉના આ ગાળાની સરખામણીએ ૪૭૮,૦૦૦ વધુ લોકો નોકરીમાં જોડાયાં હતાં અને રોજગાર દર ૭૪.૧ ટકાએ પહોંચ્યો હતો, જે ૧૯૭૧ પછી સર્વોચ્ચ સ્થાને છે. બીજી તરફ, બેરોજગારી દર ઘટીને ૫.૧ ટકા થઈ બેરોજગાર લોકોની સંખ્યા ૧.૬૮ મિલિયન થઈ હતી. ગયા વર્ષની સરખામણીએ ૧૭૧,૦૦૦ ઓછા લોકો બેરોજગાર રહ્યા હતા. ગયા વર્ષે પાર્ટ-ટાઈમ વર્કર્સમાં ૧૭૭,૦૦૦ની વૃદ્ધિ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter