લંડનઃ મધ્યમ વર્ગની યુવા પેઢીએ આલ્કોહોલનું સેવન કર્યું હોય અને તે આદતમાં પરિણમે તેવી શક્યતા અનેકગણી છે. એક સંશોધન અનુસાર મધ્યમવર્ગીય પેરન્ટ્સ ઘરમાં બાળકોને આલ્કોહોલ ઓફર કરીને તેમને શરાબી બનાવવાનું જોખમ ઉઠાવતા હોય છે. ગરીબ યુવા વર્ગની સરખામણીએ સંપન્ન તરુણો નિયમિત ડ્રિન્કર બને તે શક્યતા બમણી રહે છે.
સરકારી સંશોધનમાં ૧૫ વર્ષના ૧૨૦,૦૦૦ તરુણોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેના તારણો અનુસાર મધ્યમવર્ગીય પશ્ચાદભૂ સાથેના યુવા વર્ગે આલ્કોહોલનો સ્વાદ માણ્યા પછી તે નિયમિત આદત બની જાય તેવી શક્યતા અને જોખમ વધુ રહે છે. વિશ્વભરમાં યુવા વર્ગ ઉપરાંત, સ્ત્રીઓમાં પણ શરાબસેવન વધી રહ્યું છે.
યુનિવર્સિટી કોલેજ લંડન ખાતેના ન્યુરોસાયન્ટિસ્ટ સારાહ-જાયને બ્લેકમોર કહે છે કે,‘યુવાન મગજ ઝડપથી કેળવાય છે અને નવા પ્રભાવના પ્રત્યાઘાતમાં ગતિશીલ પરિવર્તનો આવે છે. જોકે, શરાબનું પ્રમાણ અને કેટલો વખત પીવાય છે તેના પર પણ ઘણો આધાર રહે છે.’ અન્ય અભ્યાસો કહે છે તેમ વિકસતા મગજને થતું નુકસાન મોટી વયે યાદદાસ્તની સમસ્યા લાવી શકે છે. બ્રિટન પણ ભારે શરાબપાનની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. દેશમાં ૧૫ વર્ષીય પાંચમાંથી એક તરુણ સપ્તાહમાં વાઈનની એક બોટલ જેટલું શરાબપાન કરે છે, જ્યારે કેટલાંક વિસ્તારોમાં ૧૨ વર્ષીય આઠમાંથી એક તરુણ આટલો વધુ શરાબ પીએ છે.
યુએસ સરકારની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓન આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમના અભ્યાસ અનુસાર નાની વયે બાળકોને થોડો શરાબ પીવાની તાલીમ અપાય તો મોટી વયે તેઓ હાર્ડ ડ્રિન્કર બનતા નથી તેવી માન્યતા સદંતર ખોટી છે. ખરેખર તો ૧૫ વર્ષથી ઓછી વયે બાળકોને પ્રસંગોપાત પણ શરાબ ચાખવા દેવાય તો યુવા વયે પણ તેઓ શરાબપાન કરતા થઈ જાય છે.


