લંડનઃ ભારતના 13મા વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહના નિધન પર યુકેની સરકારે શોક વ્યક્ત કર્યો હતો. યુકેના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, ડો. મનમોહન સિંહે ભારત અને યુકે વચ્ચેની ધબકતી ભાગીદારીનો પાયો નાખ્યો હતો.
લેમીએ જણાવ્યું હતું કે, મનમોહન સિંહે કરેલા સાહસિક આર્થિક સુધારાના કારણે ભારતીય અર્થતંત્રનું સ્વરૂપ જ બદલાઇ ગયું હતું. તેમણે કરેલા આર્થિક સુધારા આધુનિક ભારતને આકાર આપી રહ્યાં છે. હું ભારતની જનતા અને તેમના પરિવારને હૃદયના ઊંડાણથી દિલસોજી પાઠવું છું.
મનમોહન સિંહે ભારતને વૈશ્વિક મંચ પર યોગ્ય સ્થાન અપાવવામાં મહત્વની ભુમિકા ભજવીઃ લિન્ડી કેમરન
ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમરને મનમોહન સિંહને મહાન વડાપ્રધાન ગણાવતા જણાવ્યું હતું કે, ફાઇનાન્સ મિનિસ્ટર અને ગ્લોબલ સ્ટેટસમેન તરીકે સાહસિક આર્થિક સુધારા કરીને તેમણે ભારતના હિતોને આગળ વધાર્યાં હતાં અને ભારતને વૈશ્વિક મંચ પર યોગ્ય સ્થાન અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. આર્થિક મંજી પછી વૈશ્વિક અર્થતંત્રને સ્થિરતા આપવામાં પણ તેમનું યોગદાન મહત્વનું હતું. કેમરને જણાવ્યું હતું કે, યુકેના 3 વડાપ્રધાનો સાથે મનમોહન સિંહની અમૂલ્ય ભાગીદારીનું યુકેને ગૌરવ છે. તેઓ યુકેની બે મહાન યુનિવર્સિટીઓના વિદ્યાર્થી પણ રહ્યાં છે.
મનમોહને ન કેવળ ભારતના ભાવિને કંડાર્યું પરંતુ યુકે સાથેના સંબંધો મજબૂત કર્યાઃ મનોજ લાડવા
ઇન્ડિયા ગ્લોબલ ફોરમના સ્થાપક અને ચેરમેન મનોજ લાડવાએ જણાવ્યું હતું કે, મનમોહન સિંહ ઉચ્ચ કક્ષાના રાજદ્વારી અને દાર્શનિક અર્થશાસ્ત્રી હતા. તેમણે કરેલા આર્થિક સુધારાએ ન કેવળ ભારતના ભાવિને કંડાર્યું પરંતુ ભારત અને યુકે વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં પણ મદદ કરી. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી એવા ડો. મનમોહન સિંહ બંને દેશ વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધોના પ્રતીક હતા. તેમનો વારસો પેઢીઓ સુધી પ્રેરણા આપતો રહેશે.
મનમોહને પાકિસ્તાન પર હુમલાનું મન બનાવી લીધું હતુઃ કેમરન
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરને તેમના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે મનમોહનસિંહે તેમના કાર્યકાળમાં પાકિસ્તાન પર મોટો હુમલો કરવાનું નક્કી કરી નાખ્યું હતું. મનમોહનસિંહને પોતાના સારા મિત્ર ગણાવતા કેમરને તેમના પુસ્તકમાં મનમોહનને સંત પુરુષની ઉપમા આપી હતી.
કેમરને જણાવ્યું હતું કે, મનમોહનસિંહ સાથે મારા સંબંધ ઘણા સારા હતા. તેઓ એક સંત પુરુષ હતા. જોકે તેઓ ભારત સામેના જોખમો અને પડકારોના મુદ્દે ઘણા કઠોર હતા. એકવાર તેમણે મને જણાવ્યું હતું કે, જુલાઇ 2011માં મુંબઇમાં કરાયેલા આતંકવાદી હુમલા જેવો બીજો કોઇ હુમલો થશે તો ભારતે પાકિસ્તાન સામે સૈનિક કાર્યવાહી કરવી પડશે.


