લંડનઃ મની લોન્ડરિંગ ફ્રોડ સાથે સંકળાયેલી ૧૭૩,૦૦૦ પાઉન્ડથી વધુ રોકડ રાખવાના ગુનામાં બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયરના ઓસ્માન રશીદને માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે ૨૩ મહિનાની જેલની સજા ફરમાવી હતી. તેણે જાન્યુઆરી ૨૦૧૬માં ટ્રાયલ અગાઉ જ ત્રણ ગુનાની કબૂલાત કરી લીધી હતી.
રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગની તપાસમાં રશીદને ૨૦૧૩માં જેલમાં મોકલાયેલી મની લોન્ડરર્સની ગેંગ દ્વારા અપાયેલા નાણા છુપાવવા અને અન્યત્ર મોકલવા માટે ગુનેગાર ઠરાવાયો હતો. તપાસ દરમિયાન રશીદ માન્ચેસ્ટર અને બ્રેડફર્ડમાં નાણાની હેરફેર માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું. તેણે પોતાના ઘરના વોર્ડરોબમાં મની લોન્ડરર્સની ગેંગની રોકડ રકમો છુપાવી હતી. મની લોન્ડરિંગ કેસમાં સજા કરાયેલો રશીદ ગેંગનો છેલ્લો સભ્ય હતો. ચાર અપરાધીને ૨૦૧૩માં કુલ આઠ વર્ષ અને ત્રણ મહિના જેલની સજા થઈ હતી, જ્યારે એક મહિલાને ૨૦૧૪માં જેલની નવ મહિનાની સસ્પેન્ડેડ સજા થઈ હતી.


