લેસ્ટરઃ બીજા વર્ષમાં પ્રવેશેલા લેસ્ટર બિઝનેસ ડાયવર્સિટી એવોર્ડ્સના વિજેતાઓમાં બીબીસી ટીવી ફૂટબોલ પ્રેઝન્ટર મનીષ ભસીનનો સમાવેશ થાય છે. આ એવોર્ડ્સ સ્થાનિક બિઝનેસીસ અને નાગરિકોના અસામાન્ય પ્રદાનની નોંધ લઈ તેમને સન્માનિત કરવાનું ધ્યેય ધરાવે છે. પ્રતિષ્ઠિત રાઉન્ડ-ટેબલ ઈવેન્ટમાં ડિનર, ડાન્સ અને મંચસ્થ મહાનુભાવોના સંબોધનોનો સમાવેશ થયો હતો. વક્તાઓમાં યુગાન્ડાના હાઈ કમિશનર પ્રોફેસર જોયસ કિકાફુન્ડા, વંશીય બિઝનેસ ગુરુ પ્રોફેસર મોન્ડર રામ OBE, ઈવેન્ટના યજમાન અને બિઝનેસ ટુ બિઝનેસ (યુકે) લિમિટેડના ડિરેક્ટર વિજય પટેલ તેમ જ ચેરિટી હીલિંગ લિટલ હાર્ટ્સ ડો. સંજીવ નીચાણીનો સમાવેશ થયો હતો. આ કાર્યક્રમની સાંજ દ્વારા ચેરિટી માટે આશરે £૪,૦૦૦નું ભંડોળ એકત્ર કરી શકાયું હતું. ચાર કેટેગરીમાં વિભાજિત ૧૪ એવોર્ડ્સના વિજેતાઓમાં લેસ્ટર સિટી ફૂટબોલર સ્ટિવ વોલ્શ, લેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના સીઈઓ વસીમ ખાન, આનંદ ઈન્ટરનેશનલ લિમિટેડ અને મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીઈઓ ડો. નિક કોટેજાનો સમાવેશ થયો હતો. ગત શુક્રવારની સાંજે લેસ્ટરમાં સ્ટર્જેસ જેગુઆર શોરુમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.