લંડનઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુશ્રી મમતા બેનરજી FICCIના પ્રમુખ ડો. જ્યોત્સના સૂરી અને CIIના પ્રમુખ સહિત ૩૬ સભ્યના ડેલિગેશન અને ૧૪ પત્રકારની ટીમ સાથે યુકેની સત્તાવાર મુલાકાતે આવી રહ્યાં છે. મુખ્ય પ્રધાન બેનરજી ૨૭ જુલાઈથી ૩૦ જુલાઈ, ૨૦૧૫ની સત્તાવાર મુલાકાત માટે ૨૬ જુલાઈએ લંડન પહોંચશે. સુશ્રી મમતા બેનરજીની આ પ્રથમ યુકે મુલાકાત છે. યુકેસ્થિત બંગાળી સમુદાય ‘દીદી’ને આવકારવા ઉત્સુક છે,
યુકેના પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરને ૨૦૧૩માં કોલકાતા મુલાકાત વેળાએ સુશ્રી મમતા બેનરજીને યુકેની મુલાકાતનું આમંત્રણ આપ્યું હતું. સુશ્રી બેનરજી આ મુલાકાત દરમિયાન કેમરનને મળવા આતુર છે. જોકે, ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા હજુ એપોઈન્ટમેન્ટ નિશ્ચિત કરાઈ નથી. જોકે મુખ્ય પ્રધાન પ્રિન્સ ચાર્લ્સ દ્વારા બકિંગહામ પેલેસમાં આયોજિત રીસેપ્શનમાં ઉપસ્થિત રહેશે. તેઓ કેબિનેટ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટ મિસ પ્રીતિ પટેલ સાથે પણ બેઠક યોજશે. જોકે, ૨૭ જુલાઈએ UKIBCના અધ્યક્ષ પેટ્રિસિયા હેવિટ સાથે રાત્રિભોજન લેવાનાં હોવાં છતાં ૩૦૦ ડેલિગેટ્સની મીટિંગમાં તેમની હાજરી અનિશ્ચિત છે.
મમતા બેનરજીના કાર્યક્રમોમાં ભારતીય હાઈ કમિશનર સાથે અંગત ભોજન, બિઝનેસ ડેલિગેટ્સ સાથે બેઠક, મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાઓને પુષ્પાંજલિનો સમાવેશ થાય છે. તેમના સમયને અનુકૂળ હોય તો ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોશિયનના સભ્યો સાથે મુલાકાત તેમજ લંડનના મેયર બોરિસ જ્હોન્સન સાથે સંભવિત મુલાકાતનો પણ સમાવેશ થાય છે.