લંડનઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુશ્રી મમતા બેનરજીએ ૬૨ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે યુકેની પ્રથમ વખત સત્તાવાર મુલાકાત લીધી હતી, જેનો મુખ્ય હેતુ પશ્ચિમ બંગાળ માટે બ્રિટિશ મૂડીરોકાણ આકર્ષવાનો હતો. તેમની આ મુલાકાતમાં ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ અને નગર વિકાસ ક્ષેત્રોમાં ૨૧ સમજૂતીપત્રો પર હસ્તાક્ષર કરાયા હતા. વડા પ્રધાન ડેવિડ કેમરન અને લંડનના મેયર બોરિસ જ્હોન્સન સાથે તેમની મુલાકાત થઈ શકી ન હતી. સુતરાઉ સાડી, શાલ અને હવાઈ ચપ્પલમાં સજ્જ મમતા બેનરજીએ પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની નવનિર્મિત પ્રતિમા અને ગોર્ડન ખાતે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે બકિંગહામ પેલેસમાં પ્રિન્સ એન્ડ્રયુની મુલાકાત પણ લીધી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના નિધનના કારણે જાહેર કરાયેલા રાષ્ટ્રીય શોક અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાં અને ભારે પૂરની પરિસ્થિતિના કારણે મમતા બેનરજીની પત્રકાર પરિષદ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત કેટલાંક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યાં હતાં.
મુખ્ય પ્રધાન બેનરજી સાથે પ્રતિનિધિમંડળમાં રાજ્યના નાણાપ્રધાન અને FICCI ના પૂર્વ મહામંત્રી ડો. અમિત મિત્રા, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુગતા બોઝ, પ્રેસિડેન્સી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર અનુરાધા લોહિયા તેમ જ બિઝનેસ અગ્રણીઓનો સમાવેશ થયો હતો. નાણાપ્રધાન ડો. અમિત મિત્રાએ આશરે ૩૦૦ મહેમાનો માટે પેનલચર્ચાનું આયોજન કર્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળના અને બિઝનેસ અગ્રણીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. UKIBCના અધ્યક્ષ પેટ્રિશિયા હેવિટે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન તેમની સાથે મોટી સંખ્યામાં પ્રતિનિધિમંડળ લાવ્યાં છે તેનાથી તેમના અને તેમની સરકારના હેતુઓની ગંભીરતા જોઈ શકાય છે. UKIBCના સીઓઓ કેવિન મેકકોલેએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાનના અભિગમથી યુકેના ઈન્વેસ્ટર્સ અંજાયા છે.
ડો. મિત્રાએ ૯૩ મિલિયનની વસ્તી ધરાવતા પશ્ચિમ બંગાળ રાજ્યનો ઉલ્લેખ કરતા કહ્યું હતું રાષ્ટ્રીય સરેરાશ કરતા તેના વપરાશમાં ૩ ટકા ઊંચી વૃદ્ધિ, ભારતના ૭.૫ ટકાની સરખામણીએ તેનો ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથ ૧૦.૪૮ ટકા છે અને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની દૃષ્ટિએ દેશમાં પાંચમા ક્રમનું વિશાળ અર્થતંત્ર છે.
બ્રિટનના ભારતીય મૂળના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટ અને વડા પ્રધાન કેમરનના ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન પ્રીતિ પટેલે ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ ખાતે મુખ્ય પ્રધાન માટે રીસેપ્શન યોજ્યું હતું, જ્યાં ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ અને નગર વિકાસ ક્ષેત્રોમાં ૨૧ સમજૂતીપત્રો પર હસ્તાક્ષર કરાયા હતા. કેમરને ૨૦૧૩માં કોલકાતાની મુલાકાત લીધી ત્યારે પ્રીતિ પટેલ તેમની સાથે જોડાયાં હતાં. આ સમયે કેમરને બ્રિટનની મુલાકાત લેવા મમતા બેનરજીને આમંત્રણ પાઠવ્યું હતું.
કોલકાતાની પ્રેસિડેન્સી યુનિવર્સિટીએ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને સ્કૂલ ઓફ ઓરિયેન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ સાથે શૈક્ષણિક વિનિમય સહિતની સમજૂતીઓ કરી હતી. પશ્ચિમ બંગાળની ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર અને યુકેની રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ વચ્ચે સમજૂતી થઈ હતી. હિન્દુજા ગ્રૂપે કોલકાતામાં હેરિટેજ ઈમારતોની પુનર્સ્થાપના સહિત ત્રણ અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી. મૂળ કોલકાતાના અને કેપારો જૂથના અધ્યક્ષ લોર્ડ સ્વરાજ પોલે લો કોસ્ટ સ્પોર્ટ્સ કારના નિર્માણના પ્લાન્ટ અંગે રાજ્યને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.
બકિંગહામ પેલેસમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના માનમાં ક્વીન એલિઝાબેથના બીજા પુત્ર પ્રિન્સ એન્ડ્રયુ દ્વારા ઈવનિંગ ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને વચ્ચે ૪૦ મિનિટની મીટિંગ પણ યોજાઈ હતી. પ્રિન્સ એન્ડ્રયુએ મુખ્ય પ્રધાન મમતાને બંગાળના પરિવર્તન માટે કાર્યરત ગતિશીલ નેતા ગણાવ્યા હતા. તેમણે બકિંગહામ પેલેસની રેખાકૃતિ સાથેની બેગ પણ ભેટ આપી હતી. મમતા બેનરજીએ પોતે જ દોરેલા ચિત્રની વળતી ભેટ પ્રિન્સને આપી હતી. તેમણે પ્રિન્સેસ શાર્લોટ એલિઝાબેથ ડાયેનાને આપવા કેટલાક વસ્ત્રો ભારતીય હાઈ કમિશનર મથાઈને સુપરત કર્યાં હતાં.
(આશિષ રે, રેમીડિયાનો વિશેષ આભાર, જેમના પ્રેસ રીલિઝના અંશ આ રિપોર્ટમાં લેવાયા છે.)