લંડનઃ ઘણાં લોકો તદ્દન મોળો ખોરાક લઈને જીવન ગુજારતા હોય છે, પરંતુ નવા સંશોધનો અનુસાર મરચા અને મરીમસાલાથી ભરપૂર ભોજન વહેલા મોતનું જોખમ ઘટાડી શકે છે. સપ્તાહમાં બે દિવસ પણ તીખાં તમતમતાં ભોજનનો રસાસ્વાદ લેવાય તો વહેલા મોતનું જોખમ ૧૦ ટકાથી પણ વધુ ઘટે છે. આ તારણો સ્ત્રી અને પુરુષની બાબતમાં એકસમાન છે, પરંતુ શરાબપાન નહિ કરનારાને આવા ભોજનથી વધુ લાભ મળે છે.
મરચા અને મરીમાં એ પ્રકારના રાસાયણિક સંયોજનો છે, જે સાત વર્ષમાં મોત થવાના જોખમને ઘટાડતા હોવાનું મનાય છે. કેન્સર, હૃદય અને ફેફસાના રોગો જેવી ચોક્કસ પરિસ્થિતિમાં પણ મોતનું જોખમ ઘટાડે છે. આશરે પાંચ લાખ લોકો પર સંશોધનો પછી વિજ્ઞાનીઓ દ્વારા જાહેર તારણોના પરિણામે આહારમાં મરચાં અને મસાલાથી ભરપૂર ખોરાક સામેલ કરવાની ભલામણોનું પ્રમાણ વધી શકે છે.
અભ્યાસમાં સપ્તાહમાં એક કરતા પણ ઓછી વખત મસાલેદાર તીખું ભોજન લેનારાની સરખામણીએ એક અથવા બે દિવસ આવું ભોજન કરનારા માટે વહેલાં મોતનું જોખમ ૧૦ ટકા ઘટે છે. મરીમસાલા અને મરચા સાથેના ભોજનના રસિયાઓ સપ્તાહમાં ત્રણથી સાત વખત તેનો સ્વાદ માણતા હોય તો તેમના માટે આ જોખમ ૧૪ ટકા જેટલું ઘટી જાય છે.