મલિક લો ચેમ્બર્સને તાળા વાગ્યા

Friday 20th April 2018 03:50 EDT
 

લંડનઃ સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA)એ ટોચના ઈમિગ્રેશન સોલિસિટર મલિક લો ચેમ્બર્સને તાળા લગાવી દેતાં એશિયન સમુદાયમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. સેંકડો અસીલોની ફાઈલો અને કેસવર્ક ઓફિસમાં જ રહી ગયા છે. કોર્ટ સમક્ષ અપીલ કરવાની અને દસ્તાવેજો પૂરા પાડવાની સમયમર્યાદા વીતી જવાને લીધે ઘણાં કેસો કદાચ રદ થાય તેવું બની શકે.

કેટલાક ચોક્કસ સંજોગોમાં સોલિસિટર્સની ફર્મ બંધ કરી દેવાની બ્રિટિશ પાર્લામેન્ટે આપેલી સત્તાની રુએ SRAએ આ કાર્યવાહી કરી હતી. ગઈ ૧૮.૪.૨૦૧૮ના રોજ SRAએ મલિક લો ચેમ્બર્સમાંથી તમામ પેપરો અને નાણાં પોતાના કબજામાં લઈ લીધા હતા. મલિક લો ચેમ્બર્સની લંડનમાં બે અને બર્મિંગહામમાં એક ઓફિસ છે.

SRA ની રચના જાન્યુઆરી, ૨૦૦૭માં થઈ હતી. સોલિસિટર્સ તેમની કામગીરીમાં ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખે તે સુનિશ્ચિત કરવા અને જ્યારે જોખમ જણાય ત્યારે કાર્યવાહી હાથ ધરીને SRAપ્રજાના હિતનું રક્ષણ કરે છે. આ ઓથોરિટી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૩૦,૦૦૦ સોલિસિટર્સ અને લો ફર્મ્સનું નિયંત્રણ કરે છે.

મલિક લો ચેમ્બર્સ શા માટે બંધ કરી દેવાઈ તેની પાછળ કેટલાક કારણો છે. મલિક લો ચેમ્બર્સ શા માટે બંધ કરી દેવાઈ તેની પાછળ કેટલાક કારણો છે. SRA દ્વારા જણાવાયું હતું કે ફર્મના બિઝનેસ (એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ એક્ટ [૧૯૮૫]ના શીડ્યુલ 2 ના પેરેગ્રાફ 32(1)(d)(i)ના સંદર્ભમાં ફર્મના મેનેજરો ડો. અકબર અલી મલિક અને ઈમ્તિયાઝ અલીએ અપ્રામાણિકતા દાખવી હોવાની શંકા છે. મલિક લો ચેમ્બર્સ અને ફર્મના મેનેજર તરીકે ડો. અકબર અલી SRA Principles 2011 (એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ એક્ટ [૧૯૮૫]ના શીડ્યુલ 2 ના પેરેગ્રાફ 32(1)(a)નું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે.

SRAને જ્યારે લાગે કે અસીલોનું હિત અને નાણાંનું રક્ષણ તેમજ વ્યાપક ધોરણે પ્રજાનું રક્ષણ કરવાની જરૂર છે ત્યારે તે કંપનીને બંધ કરે છે.

SRAના જણાવ્યા મુજબ ‘ઈન્ટરવેન્શન’ દ્વારા ફર્મને બંધ કરવાની ફરજ પડી હતી. તેનો અર્થ એ કે હે મલિક લો ચેમ્બર્સ અસીલો માટે કામ કરી શકશે નહીં. ફર્મ પાસે જે નાણાં અને ડોક્યુમેન્ટ્સ હતા તે જપ્ત કરી લેવાયા છે અને અસીલોને શોધીને તે પરત કરવામાં આવશે. આ મામલામાં હાઈકોર્ટ સમક્ષ અપીલ કરવાનો અધિકાર છે.

જ્યુડિશિયલ રિવ્યુમાં તાજેતરમાં અપર ટ્રિબ્યુનલે ‘દેખીતી બોગસ’ અને ‘ગંભીરપણે સમસ્યારૂપ’ દલીલો કરવા બદલ મલિક લો ચેમ્બર્સની ટીકા કરી હતી. કોર્ટ ઓફ અપીલ અને સુપ્રિમ કોર્ટમાં મલિક લો ચેમ્બર્સ તેના અસીલો તરફથી ઘણાં કેસો લડી રહી છે.

મલિક લો ચેમ્બર્સ બંધ થવાથી તેના અસીલોને ભારે તકલીફ પડશે. આપ પણ તેનો ભોગ બન્યા હો તો આપે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર રહેશે અથવા આપના નાણાં અને પેપર્સ પાછા મેળવવા માટે આ ફર્મના ક્લોઝરમાં SRAની મદદ માટે નીમાયેલા ડેવોનશાયર્સ, P.O.Box 46128 લંડન EC2M 5WA ને ક્લેઈમ કરવાનો રહેશે.

બેદરકારી દાખવવા બદલ મલિક લો ચેમ્બર્સ વિશે લો સોસાયટીને ફરિયાદ કરનારા હેરોના સંગત એડવાઈસ સેન્ટરના કાંતિભાઈ નાગડા ફર્મ પાસેથી તેમના અસીલ માટે ૨,૧૦૦ પાઉન્ડ પરત મેળવવામાં સફળ રહ્યા હતા. મલિક લો ચેમ્બર્સે તેમના અસીલના કેસમાં યોગ્ય કાર્યવાહી કરી ન હતી. તેમણે જણાવ્યું હતું કે ફર્મ બંધ થવાથી અસર પામેલા લોકોએ ફાઈલો પાછી મેળવવા ચાર સપ્તાહમાં ડેવોનશાયર્સનો સંપર્ક કરવાનો રહેશે. તેમણે ઉમેર્યું હતું કે ડોક્યુમેન્ટ કે ફાઈલો પાછી મેળવવા માટે અસીલ અથવા અસીલના નવા કાનૂની પ્રતિનિધિએ ડેવોનશાયર્સને કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter