લંડનઃ વહેલી સવારની નમાજ માટે પરોઢનો ચોક્કસ સમય ગણવા અંગેની સદીઓથી સમસ્યા અનુભવી રહેલા યુકેના મુસ્લિમો તેનો આધુનિક ઉકેલ લાવવા એક થયાં છે. યુકેના વિવિધ ભાગોમાં પરોઢનો સમય અલગ અલગ હોય છે. આમ તો સૂર્યોદય થાય તેના બે કલાક અગાઉનો સમય પરોઢનો ગણાય છે. પરોઢનો સમય નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતી ફોર્મ્યુલાને લીધે દેશની મસ્જિદોમાં ફજરના સમયમાં ૪૫ મિનિટ જેટલો તફાવત હોય છે.
ઉપયોગમાં લેવાતી કેટલીક ફોર્મ્યુલા સૂર્યોદય અગાઉના નિશ્ચિત સમય પર અને અન્ય ક્ષિતિજ નીચે સૂર્યના ચોક્કસ કોણ પર આધારિત હતી. બર્મિંગહામ સેન્ટ્રલ મસ્જિદના નેતૃત્વ હેઠળના ઓપન ફઝર પ્રોજેક્ટમાં પરોઢ પહેલાના આકાશની ૨૫,૦૦૦ તસવીરો લેવા માટે એસ્ટ્રોનોમી કેમેરાનો ઉપયોગ કરાયો હતો. મસ્જિદ દ્વારા નમાઝીઓને ફઝરનો ચોક્કસ સમય નક્કી કરવામાં મદદરૂપ થવા માટે ૧૭૦ કરતાં વધુ સ્થાનિક મસ્જિદ, શાળાઓ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજના અને HM નોટિકલ અલ્માનેક ઓફિસના નિષ્ણાતોને આ તસવીરો વિશ્લેષણ માટે મોકલી અપાઈ હતી.
પ્રોજેક્ટના સ્થાપક અને GP ડો. શાહિદ મેરાલીએ ક્ષિતિજનું ૩૦ અંશનું દ્રશ્ય દર્શાવે અને દર ૬૦ સેકન્ડે એક ફોટો પાડે તેવો એસ્ટ્રોનોમી કેમેરો એક વર્ષ માટે ધાબા પર લગાવ્યો હતો. ડો. મેરાલીના આ સફળ પ્રોજેક્ટને લીધે બર્મિંગહામના ૧,૫૦,૦૦૦ નમાઝીઓ ગત મે મહિનાથી નિયત સમયપત્રકનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તે પ્રોજેક્ટ સમગ્ર દેશમાં અમલમાં મૂકવાની યોજના છે. નોર્થ લંડનના સ્ટેનમોરની હુજ્જત મસ્જિદ અને પીટર્સબર્ગનું હુસૈની ઈસ્લામિક સેન્ટર આ મહિનાથી પોતાનો પ્રોજેક્ટ શરૂ કરશે.


