મહત્ત્વ આલોચકોનું તો નથી જ.......

અલ્પેશ પટેલ Tuesday 27th September 2016 11:09 EDT
 
 

એક રાજકારણી, ખરેખર તો યુનાઈટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટે કહ્યું હતુ તેમ,‘ મહત્ત્વ ટીકાકારનું હોતું નથી, જેઓ શક્તિશાળી માણસ કેવી રીતે ગોથું ખાઈ ગયો, અથવા તો કોઈ કામ કરનારા દ્વારા વધુ સારું કાર્ય કેવી રીતે કરી શકાયું હોત તેનો અંગૂલિનિર્દેશ કરે છે. આનો યશ તો વાસ્તવમાં જે તે ક્ષેત્રમાં રહેલા માણસને જાય છે, જેનો ચહેરો ધૂળ, પ્રસ્વેદ અને લોહીથી ખરડાયેલો છે, જે બહાદુરીપૂર્વક સંજોગોનો મુકાબલો કરે છે, જે ભૂલ કરે છે અને ફરી અને ફરી વામણો દેખાય છે. ભૂલ અને ઉણપો વિના કોઈ પ્રયાસ થતો નથી, છતાં તે ખરેખર કાર્ય કરવાની ઈચ્છા રાખે છે, જે મહાન ઉત્સાહ, મહાન નિષ્ઠાથી છલોછલ છે, જે સમાજસેવાના ઉમદા ધ્યેય પાછળ પોતાની જાતને ખર્ચી નાખે છે, જે આખરમાં ઉચ્ચ સિદ્ધિના વિજયનું મહત્ત્વ જાણે છે અને આમ છતાં તે નિષ્ફળતાને વરે તો પણ હિંમતથી મુકાબલો કરે છે. જેથી, તેનું સ્થાન વિજય અને પરાજય વિશે કશું નહિ જાણનારા નિર્બળ અને કાયર વ્યક્તિઓની સાથે કદી રહે નહિ.’

જ્યારે સૌથી વધુ કાર્યશીલ બ્રિટિશ ભારતીય સાંસદોમાં સ્થાન ધરાવતા એક સાંસદ પર પાખંડી બગલાભગત અને અહંકારી ટીકાખોરો તૂટી પડ્યા છે તેના સંદર્ભમાં મને આ વાત યાદ આવી છે.

મને ખબર નથી, શા માટે મારા મનમાં વ્યભિચારનો આરોપ ધરાવતી એક સ્ત્રી વિશે બાઈબલનું એ અવતરણ પણ યાદ આવ્યું છે કે,‘તમારામાંથી જે કોઈએ પાપ કર્યું ન હોય તે આ સ્ત્રીને પહેલો પથ્થર મારે.’ આ કથન એ સમયનું છે જ્યારે વ્યભિચારીને પથ્થરો મારવામાં આવતા હતા અને આજે પણ દુનિયાના કેટલાક વિસ્તારોમાં આ પ્રથા ચાલી રહી છે. આથી, ઓ આલોચકો તમે પણ ઈરાનિયનો અને તાલિબાનો સાથે જોડાઈ ન જશો. ‘તમે બીજા વિશે ચુકાદા આપો છો પણ, તમારી પાસે કોઈ બહાના રહ્યા નથી. તમે જે ભૂમિકાએ રહી અન્યોનો ન્યાય તોળો છો ત્યારે ખુદની જ નિંદા કરો છો કારણકે આવા ચુકાદો આપનારા તમે પણ આવા જ કેટલાક કાર્યો કરો છો.’

અવતરણોની વાત કર્યા પછી પાખંડીની વ્યાખ્યા આપીએ તો, ‘પોતાની જાતને અતિ પવિત્ર માનવાનો ડોળ કરવો, પોતાને બીજાથી વધુ પવિત્ર ગણવા’ (holier-than-thou, self-righteous) નો અર્થ થાય છે.

તાજેતરની ઘટનાઓથી મને રાજકારણીઓ વિશે કશું જાણવા મળ્યું નથી પરંતુ, જર્નાલિસ્ટો વિશેના જ્ઞાનમાં અવશ્ય વૃદ્ધિ થઈ છે અને ફરી એક વાર કહું તો, જેમણે કદી કોઈ પાપ કે દુષ્કર્મ અથવા ભૂલ કરી નથી તેમના વિશે જ્ઞાન વધ્યું છે. આપણો સમાજ ખરેખર ‘માયાળુ અને સહાનુભૂતિપૂર્ણ’ છે.

મારે સર્વોત્તમ-પરિપૂર્ણ રાજકારણીઓ જોઈતા નથી. અને સમાજની વાત કરીએ તો તમારે ખુદને ઊંચા આસન પર બેસાડવાની જરુર નથી. સૌથી વધુ શિક્ષિત, સૌથી ધનવાન, સૌથી વધુ મકાનના માલિક જેવી તમારી ખુદની સિદ્ધિઓ પરત્વે તમારો અહંકાર- યુગાન્ડામાં થોડા વર્ષો પહેલાં જે થયું ત્યારે આ બધી બાબતોમાંથી તમને કોઈ શીખામણ મળી જ હશે. તમે રાજકારણીઓથી જરા પણ અળગા રહી શકો નહિ.

(તા. ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ‘એશિયન વોઇસ’માં ઇંગ્લિશમાં પ્રસિધ્ધ થયેલ શ્રી અલ્પેશ પટેલની “પોલિટકલ સ્કેચબુક” કોલમનું ભાષાંતર)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter