લંડનઃ જ્હોન્સન સરકારના મહત્ત્વાકાંક્ષી વેક્સિનેશન પ્લાનમાં ૧૬ સપ્તાહમાં ૫૦ વર્ષથી વધુ વયના લોકોને કોરોના વાઈરસ વેક્સિન આપી દેવાશે એટલે કે મે મહિના સુધીમાં ૩૨ મિલિયન લોકોને કોરોનાની રસી અપાશે. ચાર મુખ્ય પ્રાયોરિટી ગ્રૂપના ૧૫ મિલિયન બ્રિટિશરોનું આગામી પાંચ સપ્તાહમાં રસીકરણ કરવામાં આવશે તેમ મિનિસ્ટર્સે જણાવ્યું છે. યુકેના ૫૦ સામૂહિક વેક્સિનેશન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે જેઓ આ મહિનાના અંત સુધીમાં બે મિલિયન રસી આપવામાં હોસ્પિટલ્સ અને જનરલ પ્રેક્ટિશનર્સને મદદ કરશે. સરકાર કોરોના રસીકરણના સફળ અભિયાનથી લોકડાઉનનું વિષચક્ર તોડવા માગે છે. કોવિડ વેક્સિનેશન પ્લાન્સમાં શિક્ષકો, ડિલિવરી ડ્રાઈવર્સ, સુપરમાર્કેટમાં અભરાઈઓ પર માલસામાન ગોઠવનારા તેમજ અન્ય ચાવીરુપ વર્કર્સને પ્રાયોરિટી લાઈનમાં આગળ કરી દેવાશે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ૧૨ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાંથી બહાર આવવાનો એક માત્ર માર્ગ સામૂહિક વેક્સિનેશનનો જ છે. NHS દ્વારા જણાવાયું છે કે ૧૦ જાન્યુઆરી સુધીના સપ્તાહોમાં ઈંગ્લેન્ડમાં ૮૬૬,૦૦૦ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. યુકેમાં અત્યાર સુધી ૨.૩ મિલિયન બ્રિટિશરોને વેક્સિન ડોઝ અપાઈ ગયા છે અને દરરોજ ૨૦૦,૦૦૦ લોકોનો ઉમેરો થતો જાય છે. સૌથી અસલામત ૧૫ મિલિયન બ્રિટિશરો – ૭૦થી વધુ વયના લોકો, હેલ્થ વર્કર્સ અને કેર હોમ રેસિડન્ટ્સ ૧૫ ફેબ્રુઆરી સુધીમાં તેમના વેક્સિન મેળવી લેશે અને રસીના ડોઝ ૧૨ સપ્તાહના અંતરે આપવામાં આવશે. મિનિસ્ટર્સે જણાવ્યું છે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં ૫૦થી વધુ વયની દરેક વ્યક્તિને વેક્સિન આપી દેવાશે.
મોર્ડનાની વેક્સિનને પણ મંજૂરી
બ્રિટને અમેરિકાની દવા કંપની મોર્ડનાની કોરોના વેક્સિનને મંજૂરી આપવા સાથે તેના એક કરોડ ડોઝનો ઓર્ડર પણ આપ્યો છે. યુકેમાં અગાઉ ફાઈઝર-બાયોએનટેક અને ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકાની વેક્સિનને મંજૂરી અપાઈ છે. મોર્ડના વેક્સિનની એફિકેસી રેટ ૯૪.૧ ટકા છે. વેક્સિન લીધા પછી દર્દીઓને તાવ, માથાનો દુઃખાવો અને થાકની સામાન્ય ફરિયાદ હતી. પરંતુ તે ખતરનાક નથી.
૬ થી ૧૨ મહિનામાં ફરીથી વેક્સિન લેવું પડશે
દરમિયાન, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે પણ જણાવ્યું હતું કે કોરોના દર્દીઓએ ૬થી ૧૨ મહિનામાં ગાળામાં ફરી વેક્સિનેશન કરાવવું પડશે. હાઉસ ઓફ કોમન્સની સિલેક્ટ કમિટી સમક્ષ હેલ્થ સેક્રેટરીએ સ્પષ્ટતા કરી હતી કે વર્તમાન વેક્સિન લગાવાય છે તે કેટલો સમય અસરકારક રહેશે તે જણાવી શકાય તેમ નથી. એક અંદાજ મુજબ દર્દીઓએ ૬થી ૧૨ મહિનામાં ગાળામાં ફરી વેક્સિનેશન કરાવવું પડે તે શક્ય છે. બ્રિટિશ સરકારે ૧૨ સપ્તાહ પછી વેક્સિનનો બીજો ડોઝ લગાવવાના નિર્ણયના બચાવમાં જણાવ્યું હતું કે આના પરિણામે, બાકીના લોકોને પણ પ્રથમ ડોઝ સરળતાથી મળી શકશે.
ફાઈઝરની વેક્સિન લેવા વૃદ્ધોનો ઈનકાર
વેક્સિનેશન માટે હાઈ પ્રાયોરિટીમાં મૂકાયેલા વયોવૃદ્ધ બ્રિટિશરોએ ફાઈઝરની કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો ઈનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે તેઓ ઈંગ્લિશ (ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા) વેક્સિનની રાહ જોશે. નોર્થ ઈસ્ટમાં સ્ટોકટન-ઓન-ટીસમાં સંખ્યાબંધ વૃદ્ધો વેક્સિનેશન એપોઈન્ટમેન્ટ માટે હાજર થયા ન હતા. આ લોકોએ બેલ્જિયમમાં ઉત્પાદિત વેક્સિન માટે નાકનું ટીચકું ચડાવ્યું હતું અને ઈંગ્લિસ વેક્સિનની તરફેણ કરી હતી. વેક્સિનના ડોઝ નકામા ન જાય તે માટે ૧૦ પોલીસ ઓફિસરને તે વેક્સિન અપાઈ હતી તેમ નિવાસીઓને વેક્સિનેશનમાં જોડાયેલા ડો. પોલ વિલિયમ્સે જણાવ્યું હતું.
ડિસેમ્બર ૮થી જાન્યુઆરી ૩ સુધીના ગાળામાં ૧,૦૯૨,૮૮૫ લોકોનું વેક્સિનેસન કરાયાનું NHS ઈંગ્લેન્ડના આંકડા જણાવે છે. આમાંથી, ૮૫૪,૮૧૦ લોકો ૮૦ વર્ષથી વધુ વયના હતા. એક અંદાજ અનુસાર ઈંગ્લેન્ડમાં ૩.૪ મિલિયન લોકો ૮૦ વર્ષથી વધુ વયના છે.
સામૂહિક વેક્સિનેશન પ્લાન
• સરકાર બ્રિટિશરોનું મોટા પાયે રસીકરણ થઈ શકે તે માટે ફૂટબોલ સ્ટેડિયમ્સ અને અન્ય વિશાળ જગ્યાઓ પર ૫૦ જેટલા વેક્સિનેશન સેન્ટર્સ ખોલશે • બ્રિટનના ફ્રન્ટલાઈન વર્કર્સને વેળાસર રસી આપી શકાય તે માટે તેમને પ્રાયોરિટી લિસ્ટમાં આગળ મૂકાશે જેમાં, શિક્ષકો, ડિલિવરી ડ્રાઈવર્સ, સુપરમાર્કેટમાં અભરાઈઓ પર માલસામાન ગોઠવનારા તેમજ અન્ય ચાવીરુપ વર્કર્સનો સમાવેશ થાય છે • આ ઉપરાંત, કેર હોમ્સના નિવાસીઓ વાઈરસથી સંક્રમિત હોય તો સૌથી વધુ જોખમ ધરાવે છે અને તેમના રસીકરણ માટે મોબાઈલ યુનિટ્સ પણ કામે લગાવાશે • મોબાઈલ ટીમો ઓછી વસ્તી સાથેના બરોઝ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘેર ઘેર ફરી વેક્સિન લગાવશે તેમજ ઘરવિહોણા લોકોને પણ રસી આપશે • જાન્યુઆરીના અંત સુધીમાં ઈંગ્લેન્ડમાં દરેક વ્યક્તિના ઘેરથી ૧૦ માઈલના અંતરમાં વેક્સિનેસન સેન્ટરની વ્યવસ્થા કરાશે • મિનિસ્ટર્સના જણાવ્યા અનુસાર ૨,૭૦૦ સેન્ટર્સમાં વેક્સિન આપવા માટે ૮૦,૦૦૦ તાલીમબદ્ધ હેલ્થ વર્કર્સ કામે લાગશે. આ ઉપરાંત, વેક્સિનેશન પ્રોગ્રામની નોન-ક્લિનિકલ મદદ માટે ૨૦૦,૦૦૦થી વધુ કોમ્યુનિટી વોલન્ટીઅર્સ પણ સજ્જ રખાયા છે.


