મહત્વાકાંક્ષાના આર્કિટેક્ટ અને મોનોપોલીને પડકાર આપનાર સુરિન્દર અરોરા

ઇમિગ્રન્ટ ફેક્ટરી વર્કરથી 1.7 બિલિયન પાઉન્ડના હોટેલ સમ્રાટ બનેલા સુરિન્દર અરોરા હવે હીથ્રોના એકાધિકારને આપશે પડકાર

અનુષા સિંહ Tuesday 16th June 2026 12:37 EDT
 
 

 એક સામાન્ય ઇમિગ્રન્ટ તરીકે બ્રિટન આવીને ફેક્ટરીમાં મજૂરી કરવાથી માંડીને દેશના સૌથી પ્રભાવશાળી ઉદ્યોગસાહસિકોમાં સ્થાન મેળવવા સુધીની સુરિન્દર અરોરાની સફર અદભુત દ્રઢતા અને અવિરત પરિશ્રમની મિસાલ છે. આજે 1.7 બિલિયન પાઉન્ડની અંદાજિત કૌટુંબિક સંપત્તિ સાથે બ્રિટનના રિચ લિસ્ટમાં 97મું સ્થાન ધરાવતા અરોરા માત્ર એક સફળ હોટેલિયર જ નથી પરંતુ દેશની સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચર્ચાના કેન્દ્રબિંદુ બની ગયા છે.

બ્રિટિશ-ઇન્ડિયન અબજોપતિ અરોરા હવે એરપોર્ટના લાંબા સમયથી પડતર ત્રીજા રનવે માટેના પ્રસ્તાવ હીથ્રો વેસ્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની ખાસ વાતચીતમાં અરોરાએ જણાવ્યું હતું કે, હીથ્રોનું ભવિષ્ય મોનોપોલી મુક્ત, સસ્તું અને મુસાફરો માટે વધુ ફાયદાકારક હોવું જોઈએ.

પોતાની સફળતાનો શ્રેય નસીબ કરતાં વધુ પોતાની સ્વર્ગસ્થ માતાના સંસ્કારો અને સખત મહેનતને આપતાં અરોરા કહે છે કે, જ્યારે તમારી તૈયારી અને યોગ્ય તક ભેગા થાય છે ત્યારે જ નસીબ સાથ આપે છે. બ્રિટન આવ્યા બાદ તેમની માતા દિવસ-રાત ફેક્ટરીઓમાં અને સફાઈનું કામ કરતી હતી. માતાની આ આકરી મહેનતે અરોરાના જીવન પર ઊંડી છાપ છોડી. વર્ષ 1977થી 1982 દરમિયાન બ્રિટિશ એરવેઝમાં જુનિયર ક્લાર્ક તરીકે કામ કરતી વખતે પણ અરોરા રાત્રે હોટેલમાં વેઈટર તરીકે બીજી નોકરી કરતા અને સાતેય દિવસ રોજ 16-16 કલાક કામ કરતા હતા. આટલી સફળતા છતાં નમ્રતા તેમના વ્યક્તિત્વના કેન્દ્રમાં છે. તેઓ પંજાબી કહેવત ટાંકીને કહે છે કે, "ઊંચા ઝાડ પર ક્યારેય ફળ નથી ઉગતા."

અરોરા હીથ્રોનો વિસ્તરણ પ્રસ્તાવ લઈને સરકાર પાસે ગયા ત્યારે અધિકારીઓએ તેમને એમ કહીને નકારી કાઢ્યા કે એક હોટેલ કંપની એરપોર્ટ જેવા મોટા પ્રોજેક્ટમાં શું યોગદાન આપી શકે? આ અસ્વીકારે તેમનો સંકલ્પ વધુ મજબૂત કર્યો. તેમણે એન્જિનિયરિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની બેક્ટલના નેતૃત્વમાં 200થી વધુ કન્સલ્ટન્ટ્સની ટીમ તૈયાર કરી અને પોતાના 50 મિલિયન પાઉન્ડનું રોકાણ કરીને હીથ્રો વેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો અને મે 2020માં સિવિલ એવિએશન ઓથોરિટીએ તેને સત્તાવાર રીતે માન્યતા આપી હતી.

અરોરા કહે છે કે, હીથ્રો વિશ્વનું સૌથી મોંઘું એરપોર્ટ બન્યું છે પરંતુ સર્વિસના મામલામાં તે ટોચના 15માં પણ નથી. તેના માટે વર્તમાન રેગ્યુલેટરી સિસ્ટમ જવાબદાર છે. હીથ્રોના ચીફ એક્ઝિક્યુટિવ થોમસ વોલ્ડબાયના કોમ્પિટિશન વિરોધી નિવેદન અંગે વળતો પ્રહાર કરતા અરોરાએ જણાવ્યું હતું કે, આ તેમની નબળાઈ દર્શાવે છે. કોમ્પિટિશન હંમેશા સુધારા લાવે છે અને ગ્રાહકોને યોગ્ય મૂલ્ય અપાવે છે.

વેપારી હિતોના સવાલ પર અરોરાએ સ્પષ્ટતા કરી હતી કે, બિઝનેસ નફાકારક હોવો જોઈએ પરંતુ નફાખોરી ગ્રાહકોને લૂંટીને ન થવી જોઈએ. અરોરા આગામી વર્ષે હરીફ પ્લાનિંગ એપ્લિકેશન (DCO) સબમિટ કરશે. તેમણે મક્કમતાપૂર્વક અંતમાં જણાવ્યું કે, અમે રેસમાં છીએ અને હીથ્રોની મનસ્વીતાના દિવસો હવે પૂરા થવાના આરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter