લંડનઃ યુનાઇડેટ કિંગ્ડમમાં એક સાથે ૫૦૦૦થી વધુ પ્રવાસીને સહેલગાહ કરાવી શકે તેવું મહાકાય ક્રૂઝ શિપ તૈયાર થયા બાદ ૨૦ મેના રોજ સાઉથમ્પ્ટન આવી પહોંચ્યું ત્યારે તેનું પરંપરાગત સ્વાગત કરાયું હતું. યુનાઈટેડ કિંગ્ડમના માર્કેટ માટે તૈયાર કરાયેલું આ સૌથી મોટું ક્રૂઝ શિપ છે, જેમાં ૧૭ જેટલા તો પેસેન્જર ડેક છે. આશરે ૧૧૩૨ ફૂટની લંબાઈ ધરાવતા આ ક્રૂઝ શિપને ચાલુ વર્ષે જ ઉનાળાની સિઝનમાં લોન્ચ કરી દેવાશે. આ જહાજ લિક્વિફાઈડ નેચરલ ગેસથી ચાલતું બ્રિટનનું સૌપ્રથમ લાઈનર છે, જેના કારણે આ જહાજથી નહિવત્ પ્રદૂષણ થશે. સામાન્ય રીતે આ પ્રકારના જમ્બો જહાજોને ડિઝલ એન્જિન ચલાવતા હોય છે અને તેનાથી ઉત્સર્જિત થતો નાઈટ્રોજન ઓક્સાઈડ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જર્મનીના પાપેનબર્ગમાં તૈયાર થયેલા ક્રૂઝ શિપનું વજન ૧.૮૬ લાખ ટન છે. સાઉથમ્પ્ટનના કાંઠે આવી પહોંચેલા વિશાળ ક્રુઝ શિપને વોટર સેલ્યૂટ આપવામાં આવી હતી. જેના પર કેટલાક સંગીતના કાર્યક્રમો યોજાયા હતા. જોકે આ કાર્યક્રમોમાં લોકોને ભાગ લેવાની મંજૂરી મળી નહોતી, તેનું માત્ર ઓનલાઈન ટેલિકાસ્ટ કરાયું હતું. બ્રિટનમાં ડોમેસ્ટિક ક્રુઝ શિપ્સને તેની ક્ષમતાના ૫૦ ટકા પ્રવાસીઓ સાથે કામ શરૂ કરવાની છૂટ આપી દીધી છે.


