લંડનઃ મહાત્મા ગાંધીનું એકમાત્ર મનાતું તૈલચિત્ર બોનહામ્સ ખાતેની ઓનલાઇન હરાજીમાં 1,52,000 પાઉન્ડમાં વેચાયું હતું. બ્રિટિશ આર્ટિસ્ટ ક્લેર લિહટન દ્વારાતૈયાર કરાયેલું આ તૈલચિત્ર તેની અંદાજિત કિંમત 50થી 70 હજાર પાઉન્ડ કરતાં ત્રણ ગણી કિંમતે વેચાયું હતું. આ તૈલચિત્ર પહેલીવાર હરાજીમાં વેચાણ કરાયું છે.
આર્ટિસ્ટના પરિવારના જણાવ્યા અનુસાર 1974માં જ્યારે આ તૈલચિત્ર જાહેર પ્રદર્શનમાં મૂકાયું હતું ત્યારે તેના પર એક હિન્દુ જમણેરી એક્ટિવિસ્ટ દ્વારા ચાકુ વડે હુમલો કરાયો હતો. મહાત્મા ગાંધી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા 1931માં લંડન આવ્યા ત્યારે લિહટન તેમને મળ્યાં હતાં. તે સમયે ક્લેર પત્રકાર હેન્રી નોએલ સાથે રિલેશનમાં હતા અને તેમની મદદથી મહાત્મા ગાંધીને મળી શક્યા હતા. તે સમયે મહાત્મા ગાંધીના ઓરડામાં પ્રવેશ અપાયેલા બહુ થોડા આર્ટિસ્ટમાં તેમનો સમાવેશ થતો હતો.
નવેમ્બર 1931માં લિહટને લંડનની આલ્બેની ગેલેરી ખાતે તેમના તૈલચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું.