લંડનઃ વિશ્વના દેશોમાં 30 જાન્યુઆરીએ આધુનિક ઈતિહાસના મહામાનવ મહાત્મા ગાંધીને તેમના નિર્વાણદિને સ્મરણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 1948માં ગાંધીજીની હત્યાના દિવસને શહીદ દિવસ તરીકે પણ ઓળખાતા નિર્વાણદિને લંડનમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પુષ્પાંજલિ, ભક્તિસંગીત અને ગાંધીજીના શાંતિ અને અહિંસાના શાશ્વત સંદેશા પર મનનના કાર્યક્રમની યજમાની કરી હતી.
લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર અને પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાનુભાવો અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો ગાંધીજીના જીવન અને વિરાસતને સન્માનવા એકત્ર થયા હતા. મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિઓ અર્પણ કરવામાં આવી હતી તેમજ ભારતીય વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ભજનો પ્રસ્તુત કરાયા હતા.
મહાત્મા ગાંધીની પ્રતિમાસ્થળે લોર્ડ ક્રિશ રાવલ, લેડી કિશ્વર દેસાઈ અને યુકેના ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના ડાયરેક્ટર બેન મેલોર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ગાંધીજીનું જીવન અને તેમના નિધને પણ તેમનો અહિંસાનો પ્રચંડ સંદેશો વિસ્તાર્યો હતો, જે આજે પણ વિશ્વના ખંડો અને પેઢીઓ માટે સુસંગત બની રહ્યો છે.
દોરાઈસ્વામીએ દિવંગત લોર્ડ મેઘનાદ દેસાઈને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી અને નોંધ્યું હતું કે પાર્લામેન્ટ સ્ક્વેરમાં ગાંધીજીની પ્રતિમાની સ્થાપના અને જાહેર જીવનમાં ગાંધીવાદી આદર્શોને આગળ વધારવામાં લોર્ડ દેસાઈ અને લેડી દેસાઈની ભૂમિકા નોંધપાત્ર રહી હતી.


