લંડનઃ ઓમિક્રોન વેરિએન્ટ સાથે કોરોના મહામારીની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે ત્યારે અગાઉની લહેરોમાં લોકડાઉનની વિપરીત અસરો બહાર આવવા લાગી છે. સમગ્ર વિશ્વમાં શરાબ અને સિગારેટ પીવાની લત પણ વધી રહી છે. ખાસ કરીને યુકે અને યુરોપીય દેશોમાં તો નશાખોરીવી વધતી જાળે ચિંતા વધારી દીધી છે.
‘એડિક્શન’ જર્નલમાં પ્રકાશિત રિસર્ચના તારણો મુજબ બ્રિટનમાં મહામારી અગાઉની સરખામણીએ પ્રથમ લોકડાઉન દરમિયાન ૪.૫ મિલિયનથી વધુ વયસ્કોએ શરાબપાન શરૂ કરી દીધું હતું. આ લગભગ ૪૦ ટકાનો વધારો હતો. સામાજિક મેળમિલાપ પર નિયંત્રણો હોવાં છતાં, શરાબનું વ્યસન વધ્યું હતું. આ લોકો હાઈ રિસ્ક ડ્રિન્કર્સની શ્રેણીમાં આવી ગયા હતા. સંશોધકોએ એમ પણ જણાવ્યું હતું કે ચિંતાજનક બાબત એ હતી કે આ પ્રવૃત્તિ મહિલાઓ (૫૫ ટકાનો વધારો) તેમ જ ઓછી આવકવાળા લોકોમાં (૬૪ ટકાનો વધારો) પણ જોવા મળી હતી. લોકડાઉન પછી ૧૧ ટકા લોકોએ તેમનો શરાબનો વપરાશ વધ્યો હોવાનું સ્વીકાર્યું હતું.
રિસર્ચના તારણો મુજબ પ્રથમ લોકડાઉનના ગાળામાં ૬૫૨,૦૦૦ યુવાનોને ધૂમ્રપાનની લત લાગી હતી. યુરોપિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થના ઓક્ટોબર, ૨૦૨૧માં પ્રકાશિત અભ્યાસ મુજબ ફ્રાન્સમાં પહેલીવાર માર્ચ, ૨૦૨૦માં લોકડાઉન થયા પછી ૨૭ ટકા સ્મોકર્સે તેમનો તમાકુનો વપરાશ વધી ગયાનું અને ૧૯ ટકાએ વપરાશ ઘટી ગયાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૧૮-૩૪ વયજૂથના અને ઉચ્ચ શિક્ષિત લોકોમાં તમાકુનો વપરાશ વધ્યો હતો. જોકે, ઘણા લોકોએ લોકડાઉનને ધૂમ્રપાન છોડવાની તક સ્વરુપે નિહાળ્યું હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ વિશ્વમાં દર વર્ષે શરાબપાનથી ૩ મિલિયન અને તમાકુથી દર વર્ષે ૮ મિલિયન લોકો મોતને ભેટે છે. વિશ્વમાં થતી બીમારીઓની સારવાર પાછળ થતા ખર્ચનો ૫.૧ ટકા હિસ્સો શરાબના વ્યસનથી થતી બીમારીઓ પાછળ ખર્ચાય છે. એક અંદાજ મુજબ વિશ્વમાં ૧.૩ બિલિયન લોકો ટોબેકો પ્રોડક્ટ્સના બંધાણી છે.


