મહામારીના બીજા મોજાં માટે તૈયાર રહેવા બિઝનેસીસને ચેતવણી

Thursday 30th July 2020 06:08 EDT
 
 

લંડનઃ બ્રિટિશ કંપનીઓ આગામી સપ્તાહથી તેમના વધુ કર્મચારી ઓફિસે આવતા થાય તેની તૈયારી કરી રહી છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બ્રિટિશ બિઝનેસીસને કોરોના સંક્રમણના બીજા મોજાં માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે ઉનાળા પછી ઓટમમાં મહામારીની સ્થિતિ વધુ વણસી શકે છે. જોકે, તેમણે હૈયાધારણ આપી હતી કે પહેલા રોગચાળા જેટલું અતિ તીવ્ર નહિ હોય.

વડા પ્રધાને સોમવારે ડઝન જેટલી સંસ્થાઓ સાથે કોન્ફરન્સ કોલ પર વાત દરમિયાન ઉનાળા પછી કોરોના વાઈરસના બીજા મોજાના જોખમની ચેતવણી આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર બીજા રાષ્ટ્રીય લોકડાઉનને ટાળવા માગે છે. સરકાર નવા રોગચાળાનો સામનો કરવા સ્થાનિક લોકડાઉન લાદવા માગે છે. તેમણે આશા દર્શાવી હતી કે દેશ આગામી સ્પ્રિંગ ઋતુ સુધીમાં નોર્મલ સ્થિતિમાં આવી જશે. વડા પ્રધાને કર્મચારીઓ આગામી સપ્તાહથી કામે પરત ફરે તેના પર ભાર દર્શાવ્યો છે. યુકે કોર્પોરેટ સંગઠનોના જૂથ બિઝનેસ એક્શન કાઉન્સિલ (BAC) દ્વારા કોન્ફર્ન્સ કોલનું આયોજન કરાયું હતું જેમાં બિઝનેસ સેક્રેટરી આલોક શર્મા પણ જોડાયા હતા.

જ્હોન્સને એક સપ્તાહ અગાઉ અર્થતંત્રને ગતિશીલ બનાવવા ૧ ઓગસ્ટથી વર્ક ફ્રોમ હોમ ગાઈડન્સને પડતું મૂકવા જાહેરાત કરી હતી તેના કરતા તેમની આ ટિપ્પણીઓ વિરોધાભાસી જણાય છે. તે સમયે તેમણે ક્રિસમસ સુધીમાં જીવન સામાન્ય થઈ જવા કહ્યું હતું. બીજી તરફ, યુરોપમાં સ્પેન જેવા દેશોમાં ચોક્કસ વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં ઉછાળો આવતા વાઈરસના પુનઃ આક્રમણની ચિંતા સર્જાઈ છે. સરકારે વીકએન્ડમાં જ સ્પેનથી પરત આવતા પ્રવાસીઓ માટે ૧૪ દિવસનું ફરજિયાત ક્વોરેન્ટાઈન લાદી દીધું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter