લંડનઃ કોરોના મહામારીમાં માનસિક સ્વસ્થતા જાળવી રાખવાના પ્રયત્નમાં લાખો લોકો શરાબપાન કરતાં થઈ ગયા હોવાથી બ્રિટન પર એડિક્શન ક્રાઈસિસનું જોખમ તોળાઈ રહ્યાની ચેતવણી અપાઈ છે. રોયલ કોલેજ ઓફ સાઈકિઆટ્રિસ્ટ્સ (RCPsych)ના અહેવાલ મુજબ હાઈ રિસ્કના લેવલ સુધી શરાબપાન કરતા લોકોની સંખ્યા ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં બમણી એટલે કે લગભગ ૮.૫ મિલિયન થઈ હતી.
કોરોના વાઈરસને લીધે આર્થિક ચિંતા, કામકાજનું સ્ટ્રેસ અને બાળકોની સારસંભાળ તેમજ લાગણીઓમાં પરિવર્તનને લીધે ઘણાં લોકો શરાબપાન તરફ વળ્યા હોવાની નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી હતી. NHSની સારવારમાં વિલંબ વચ્ચે લોકડાઉન દરમિયાન હજારો લોકોએ પેઈનકિલર્સની મદદ લીધી હતી. મહામારીમાં વધુ પડતા શરાબપાનને લીધે આગામી વર્ષોમાં દેશના બીમાર લોકોની સંખ્યા વધી જશે.
RCPsychમાં એડિક્શન્સ ફેસિલિટીના ચેર પ્રો. જુલિયા સિન્કલેરે જણાવ્યું હતું કે વધુ પડતું ડ્રિંક્સ લેવાથી લોકોને શરાબનું વ્યસન થાય છે એટલું જ નહિ, લોકોને લીવરના રોગો, હોજરીમાં અલ્સર, પેન્ક્રિયાટાઈટીસ અને ડિપ્રેશન જેવી આરોગ્યની સમસ્યા ઉભી થાય છે. ડ્રગ સંબંધિત મૃત્યુ અને શરાબ સંબંધિત બીમારીને લીધે હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓની સંખ્યા તો કોવિડ-૧૯ મહામારીની અગાઉથી જ સૌથી વધુ હતી. સરકાર તરફથી પૂરતા રોકાણ વિના આ એડિક્શન ક્રાઈસીસનો સામનો કરી શકાશે નહિ. યુકેમાં ૧૮,૦૦૦થી વધુ સાઈકિઆટ્રિસ્ટ્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ કોવિડ-૧૯ની પરોક્ષ અસરો પર પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની માહિતીનું વિશ્લેષણ કર્યું હતું.
સર્વેમાં જણાયું હતું કે ફેબ્રુઆરીમાં શરાબપાન કરતાં લોકોની સંખ્યા ૪.૮ મિલિયન હતી જે હવે ૮.૪ મિલિયનથી વધારે થઈ છે. મધ્યમ વર્ગના લોકોમાં આ સમસ્યા વધુ છે. તેમાં દસમાંથી ચાર લોકો વધુ પડતું શરાબપાન કરે છે, આ પ્રમાણ ફેબ્રુઆરી કરતાં લગભગ ૨૮ ટકા વધુ છે.

