મહામારીમાં યુકેના ૧.૯ મિલિયન લોકો ૬ માસથી વધુ સમય કામવિહોણા રહ્યા

Wednesday 24th February 2021 05:20 EST
 
 

લંડનઃ બ્રિટનમાં આશરે ૨ મિલિયન લોકોએ કોરોના વાઈરસ મહામારીમાં ૬ માસથી વધુ સમય કામવિહોણા રહ્યા હતા. કોરોના કટોકટીથી વર્કર્સને લાંબા ગાળાના આર્થિક નુકસાન સહન કરવાનું જોખમ નડ્યું હતું. રેઝોલ્યુશન ફાઉન્ડેશન રિપોર્ટના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં ૧.૯ મિલિયન જેટલા લોકો છ મહિનાથી વધુ સમય નોકરીમાં ન હતા અથવા સંપૂર્ણ ફર્લો પર હતા. વર્કર્સને લાંબા ગાળાની બેરોજગારીથી નુકસાનનું જોખમ દર્શાવવા સાથે કોરોના કટોકટીથી અર્થતંત્રના જે સેક્ટર્સને સૌથી વધુ માર પડ્યો હોય તેમને સપોર્ટ આપવા આગામી બજેટનો ઉપયોગ કરવા ચાન્સેલર રિશિ સુનાકને સલાહ અપાઈ છે.

રેઝોલ્યુશન ફાઉન્ડેશન રિપોર્ટમાં જણાવાયું છે કે વેક્સિનેસન પ્રોગ્રામથી અર્થતંત્રનો આઉટલૂક સુધરી રહ્યો છે અને સરકાર કોવિડ લોકડાઉનના નિયંત્રણો પાછા ખેંચવાની તૈયારી કરી રહી છે ત્યારે ઘણા વર્કર્સને તેમની નોકરીઓ બાબતે ચિંતા છે. છટણીઓ અતિ ઝડપે વધી રહી છે અને ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી માને છે કે ફર્લો સ્કીમ બંધ કરાશે ત્યારે વર્ષની મધ્યમાં બેરોજગારી ૨.૬ મિલિયનના આંકડે પહોંચશે. ફર્લો સ્કીમ પાછળ લગભગ ૫૦ બિલિયન પાઉન્ડનો ખર્ચ થયો છે અને ગયા વર્ષે મે મહિનામાં સૌથી વધુ આશરે ૯ મિલિયન નોકરીઓનું વેતન સબસિડાઈઝ કરાયું હતું.

અભ્યાસ અનુસાર હાલ નોકરી કરતા ૮ ટકા વર્કર્સને ભય છે કે આગામી ત્રણ મહિનામાં તેઓ નોકરી ગુમાવશે અથવા તેમની છટણી કરાઈ હોવાનું કહેવાશે. આ આંકડો કોરોના કટોકટીના ઓછામાં ઓછા છ મહિના માટે ફર્લો પર મૂકાયા હોય તેમના માટે વધીને ૨૧ ટકા થવા જાય છે. આંકડાઓ ફર્લો લંબાવવા અને અર્થતંત્રની ઝડપી રીકવરી માટે બજેટમાં વિવિધ ટેક્સ રાહતો અને બિઝનેસ ગ્રાન્ટ્સના પેકેજીસ જાહેર કરવા ચાન્સેલર પર દબાણ વધારી રહ્યા છે. દરમિયાન, બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે (BCC) ૧૧૦૦ ફર્મ્સના સર્વે પછી ચેતવણી આપી છે કે ગત ત્રણ મહિનામાં ૬૧ ટકા કંપનીઓનું યુકે કસ્ટમર્સ માટે વેચાણ ઘટી ગયું છે. જો સરકારી સહાય અચાનક અટકાવી દેવાશે તો ૨૫ ટકા કંપનીઓ તેમના સ્ટાફની છટણી કરવા વિચારી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter