મહારાણી એલિઝાબેથ બીજા ભાગ્યેજ જાહેરમાં કોઇના પર ગુસ્સો કરતાં હતાં

1954માં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મહારાણી પ્રિન્સ ફિલિપ પર અત્યંત ગુસ્સે ભરાયા હતા અને જૂતાના ઘા કર્યાં હતાં

Wednesday 21st September 2022 06:01 EDT
 
 

લંડન

બ્રિટનના રાજા બન્યા પછી કિંગ ચાર્લ્સ ત્રીજાને અવારનવાર પિત્તો ગુમાવતા જોવાયા છે પરંતુ તેમની સરખામણીમાં મહારાણી એલિઝાબેથ બીજા તેમની જાહેર સેવાઓ દરમિયાન અત્યંત સૌમ્ય વર્તન કરતાં હતાં. ભાગ્યે જ એવો પ્રસંગ છે જ્યારે મહારાણીને કોઇના પર ગુસ્સો કરતાં જોવાયાં હોય. 2007માં અમેરિકન ફોટોગ્રાફર એની લિબોવિત્ઝ મહારાણીની તસવીરો ખેંચી રહ્યાં હતાં ત્યારે મહારાણી સમક્ષ તેમણે મૂકેલા પ્રસ્તાવને કારણે મહારાણીએ જાહેરમાં અત્યંત નારાજગી વ્યક્ત કરી હતી.

મહારાણીની તસવીર ખેંચતી વખતે એનીએ જણાવ્યુ હતું કે, જો તમે તમારા માથા પરનો ક્રાઉન હટાવી લેશો તો તમારી તસવીર વધુ સારી આવશે. જવાબમાં ક્વીને એનીના પહેરવેશ પર એક તીરછી નજર નાખતા જણાવ્યું હતું કે, તમે કહેવા શું માગો છો. હું કશું બદલવાની નથી. હું આ પ્રકારના ઘણા ડ્રેસ પહેરી ચૂકી છું.

જોકે બીબીસીએ પાછળથી મહારાણીની માફી માગી હતી. બીબીસીએ જણાવ્યું હતું કે, મહારાણીના ફોટોગ્રાફર સાથેના વાર્તાલાપનું અમે ખોટું અર્થઘટન કર્યું હતું. 2002માં મહારાણી પર તૈયાર કરાયેલી એક દસ્તાવેજી ફિલ્મમાં મહારાણીને કેરેજ ડ્રાઇવિંગ કરતા તેમના પતિ પ્રિન્સ ફિલિપને જોતાં દર્શાવવામાં આવ્યા હતા. દસ્તાવેજી ફિલ્મમાં આ પ્રસંગે ઉદ્દઘોષક કહે છે કે મહારાણી પ્રિન્સ ફિલિપને જોઇ રહ્યાં હતાં ત્યારે ઘોંઘાટ મચાવી રહેલા ફોટોગ્રાફરોને જરાપણ ભાવ આપ્યો નહોતો. ઘોંઘાટથી નારાજ મહારાણીએ તે સમયે ઘાંટો પાડીને ફોટોગ્રાફરોને જણાવ્યું હતું કે શું તમે અવાજ ઓછો કરશો?

ઇનગ્રીડ સેવર્ડ દ્વારા લિખિત પોતાની જીવનકથામાં પ્રિન્સ ફિલિપે જણાવ્યું છે કે 1954માં હું અને મહારાણી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયાં હતાં ત્યારે અમારી વચ્ચે ઝગડો થયો હતો. પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિન્સ ફિલિપ પોતાના ઉતારાના સ્થળમાંથી ઉતાવળે બહાર દોડી આવ્યા હતા અને તેમની પાછળ ટેનિસ જૂતા અને રેકેટના ઘા થઇ રહ્યાં હતાં. અત્યંત ગુસ્સે ભરાયેલા મહારાણી પ્રિન્સ ફિલિપને પાછા આવવા પોકારી રહ્યાં હતાં.

2016માં પોતાના 90મા જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલી એક પરેડ સમયે મહારાણી પ્રિન્સ વિલિયમ પર નારાજ થઇ ગયાં હતાં. પરેડમાં રોયલ એરફોર્સની ફ્લાયપાસ્ટ ચાલી રહી હતી તે સમયે બકિંગહામ પેલેસની બાલ્કનીમાં પ્રિન્સ વિલિયમ તેમના પુત્ર જ્યોર્જ સાથે વાત કરવા નીચે બેસી જતાં મહારાણી નારાજ થયાં હતાં અને તેમણે સીધો આદેશ આપ્યો હતો કે વિલિયમ ઊભો થઇ જા. મહારાણીની નારાજગી જોતાં પ્રિન્સ વિલિયમ તરત ઊભા થઇ ગયા હતા અને તેમની સાથે વાત કરવા લાગ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter