મહારાણી એલિઝાબેથ બીજાની 1997ની ભારત મુલાકાત ભારે વિવાદાસ્પદ બની હતી

બ્રિટનની કાશ્મીર નીતિ અને જલિયાંવાલા બાગ મુદ્દે મહારાણી સામે ઉગ્ર રોષ સર્જાયો હતો

Wednesday 14th September 2022 04:57 EDT
 
 

લંડન

પ્રિન્સેસ ડાયનાના નિધનના થોડા સપ્તાહો બાદ ક્વીન એલિઝાબેથ બીજાની ભારત અને પાકિસ્તાન મુલાકાતનું આયોજન કરાયું હતું. બંને દેશની આઝાદીના 50 વર્ષ પુરા થવા નિમિત્તે આયોજિત કરાયેલા આ સત્તાવાર મુલાકાત વિવાદોના ઘેરામાં ફસાઇ હતી. ક્વીનની આ મુલાકાતમાં જલિયાંવાલા બાગની મુલાકાત પણ સામેલ કરાઇ હતી. ભારત સરકારે રાજવી મુલાકાતનું આમંત્રણ પાઠવ્યું ત્યારે બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાં હતી પરંતુ મુલાકાતના સમયે લેબર પાર્ટી સત્તામાં આવી હતી. લેબર પાર્ટી કાશ્મીર વિવાદમાં જનમત લેવાની પક્ષધર હોવાથી તે સમયે બ્રિટિશ સરકારની કાશ્મીર નીતિ પણ તેના આધારે જ ચાલી રહી હતી. તે ઉપરાંત લેબર પાર્ટીએ સૌથી મોટી ગફલત એ કરી હતી કે બ્રિટન સરકારે ક્વીનની પહેલી મુલાકાત પાકિસ્તાન માટે નક્કી કરી હતી. તે સમયના વિદેશ પ્રધાન રોબિન કૂકે પાકિસ્તાની પત્રકારોને જણાવ્યું હતું કે બ્રિટન ભારત સમક્ષ કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે. જેના કારણે મોટો વિવાદ સર્જાયો હતો અને ભારતમાં ક્વીનની મુલાકાત સામે ભારે રોષની લાગણી પ્રવર્તી રહી હતી. તે સમયે ઇજિપ્તની મુલાકાતે ગયેલા વડાપ્રધાન આઇ કે ગુજરાલે બ્રિટનને ત્રીજા દરજ્જાનો દેશ ગણાવી દીધો હતો. તેના પગલે રાજવી પરિવારને ડેમેજ કન્ટ્રોલ કરવાની નોબત આવી હતી અને રોબિન કૂકે ફેરવી તોળ્યું હતું કે, મેં આવું કોઇ નિવેદન આપ્યું નથી.

ક્વીન એલિઝાબેથ બીજા જેવા ભારત પહોંચ્યા કે મધ્ય દિલ્હીમાં શિખો દ્વારા તેમની વિરુદ્ધ દેખાવો કરાયાં હતાં કારણ કે બ્રિટિશ સેનાએ શિખ સૈનિકોના પાઘડી પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તે ઉપરાંત ક્વીન આ મુલાકાત દરમિયાન પંજાબમાં જલિયાંવાલા બાગની મુલાકાત પણ લેવાના હતા જેના પગલે ભારતમાં માગ ઉઠી હતી કે ક્વીન જલિયાંવાલા હત્યાકાંડ માટે જાહેરમાં માફી માગે. આના કારણે પણ ભારે વિવાદ સર્જાયો હતો. ભારત સરકાર દ્વારા આયોજિત ભોજન સમારોહમાં ક્વીને જણાવ્યું હતું કે, આપણા ભૂતકાળમાં એવી કેટલીક મુશ્કેલ ઘટનાઓ ઘટી છે. હું આવતીકાલે જલિયાંવાલા બાગની મુલાકાતે જવાની છું. જલિયાંવાલા બાગની ઘટના હતાશ કરી દેનારું ઉદાહરણ છે. તે સમયે ભારતની ઘણી પાર્ટીઓએ જણાવ્યું હતું કે, ક્વીન દ્વારા મંગાયેલી માફી પુરતી નથી. આ મુલાકાત પહેલાં આઇ કે ગુજરાલે જણાવ્યું હતું કે, મહારાણીએ જલિયાંવાલા બાગની મુલાકાત લેવી જોઇએ નહીં.

હવે કિંગ ચાર્લ્સ પાસેથી માફીની માગ

જલિયાંવાલા બાગમાં જનરલ ડાયર દ્વારા કરાયેલા હત્યાકાંડ માટે બ્રિટિશ રાજવી દ્વારા માફી માગવામાં આવે તેવી માગ લાંબા સમયથી ચાલી રહી છે. જલિયાંવાલા બાગમાં માર્યા ગયેલા પીડિતોના વારસો હવે માગ કરી રહ્યાં છે કે નવા રાજા કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા હવે આ હત્યાકાંડ માટે માફી માગવામાં આવે. જલિયાંવાલા બાગ શહીદ પરિવાર સમિતિએ ફરી એકવાર ઠરાવ પસાર કરીને જણાવ્યું હતું કે, અમે મહારાણીના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ પરંતુ વારંવાર માગ કરવા છતાં બ્રિટનના રાજવી અથવા સરકાર દ્વારા માફી માગવામાં આવી નથી. હવે અમે નવા રાજા કિંગ ચાર્લ્સ પાસેથી વિધિસરની માફીની માગ કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter