મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની યુકેમાં હરાજી

Wednesday 29th April 2026 08:17 EDT
 
 

નવી દિલ્હી,લંડનઃ જયપુરના મહારાણી ગાયત્રી દેવીના કલેકશનના હિસ્સો બનેલા 17મી સદીના કાંસાના નક્ષત્રયંત્રની આગામી સપ્તાહે સોધબી દ્વારા લંડનમાં હરાજી થશે. આ યંત્રને 17મી સદીનું ખગોળીય કોમ્પ્યુટર પણ માનવામાં આવે છે. આ હરાજીમાં નક્ષત્રયંત્રના લાખો પાઉન્ડ ઉપજે તેમ માનવામાં આવે છે. ઇસ્લામિક આર્ટનો આ અદભુત નમૂનો મનાતું આ નક્ષત્રયંત્ર લીલામીમાં કેન્દ્રસ્થાને રહેશે.

સપ્તાહના અંતે થનારી હરાજીમાં તેના ઓછામાં ઓછાં 15થી 25 લાખ પાઉન્ડ આવે તેમ મનાય છે. આ નક્ષત્રયંત્રનું નિર્માણ1612માં લાહોરમાં મુઘલ સામ્રાજ્યના બે ભાઈઓ દ્વારા કરાયું હોવાનું મનાય છે. આ જટિલ સાધન મહારાજા સવાઈ માનસિંહ બીજા અને તેમના વારસદાર તથા જયપુરના રાજમાતા ગાયત્રી દેવીના કલાસંગ્રહનો હિસ્સો હતું. આ પછી તે પ્રાઇવેટ કલેકશનનો હિસ્સો બન્યું હતું.

આ એવું અદભુત પ્રાચીન નક્ષત્રયંત્ર છે, જેની કારીગરી અસાધારણ છે. તેમાં 94 શહેરાના અક્ષાંસ અને રેખાંશ, ફૂલની વેલની ડિઝાઇનની જેમ જોડાયેલા 38 સ્ટાર પોઇન્ટર અને પાંચ અત્યંત બારીકાઈથી બનાવાયેલી પ્લેટ અને એકદમ ઝીણી ડિગ્રીઓ (અંશ) રેખાંકિત કરેલા છે. આ નક્ષત્રયંત્રનું વજન આશરે 8.2 કિલોગ્રામ અને વ્યાસ આશરે 30 સેન્ટિમીટર છે જ્યારે તેની ઊંચાઈ આશરે 46 સેન્ટિમીટર છે. આ યંત્ર કલા અને વિજ્ઞાાનનો ઉત્તમ નમૂનો છે.

આ નક્ષત્રયંત્રની પ્લેટમાં તારાઓના નામ પર્શિયન ભાષામાં અને સંસ્કૃત ભાષામાં દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યા છે. તેમાં મક્કા, બીજાપુર, અજમેર, કાશ્મીર અને લાહોરના સ્થળો દર્શાવાયા છે. કાંસાના આ પ્રાચીન ઉપપકરણનો ઉપયોગ સમય, તારાના નકશા, સૂર્યની સ્થિતિની ગણતરી કરવા, મક્કાની દિશા શોધવા અને દિશાશોધન માટે કરવામાં આવતો હતો.

હરાજીની નોંધમાં જણાવાયું હતું કે આ નક્ષત્રયંત્ર મુઘલ બાદશાહ જહાંગીરના શાસનકાળમાં લાહોરનું વહીવટીતંત્ર સંભાળતા આગા અફઝલના કાળમાં બનાવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter