મહારાણીએ રંગભેદ, વંશીય ભેદભાવ સામે દેશને એકજૂથ બનાવ્યો – લોર્ડ રેમી રેન્જર

ક્વીન ચર્ચના વડા છતાં તેમણે કોઇપણ ધર્મ અનુસરવાની સ્વતંત્રતા આપી હતી – રીના રેન્જર

Wednesday 14th September 2022 05:04 EDT
 
 

લંડન

બ્રિટન આવીને સફળતાને વરેલા લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે, એક ઇમિગ્રન્ટ તરીકે હું નામદાર મહારાણીના શાસનકાળમા અડધી સદી કરતાં વધુ સમય રહ્યો છું. તેઓ વિશ્વમાં સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ હતાં અને 70 કરતાં વધુ વર્ષ સુધી સૌથી પ્રતિબદ્ધ જાહેર સેવક રહ્યાં છે. તેમણે તેમની જાહેર સેવાઓ ગૌરવ સાથે નિભાવી છે. ઇતિહાસની સૌથી ભયાવહ અને સૌથી આનંદદાયી ક્ષણોમાં તેમણે રાષ્ટ્રને નેતૃત્વ પુરું પાડ્યું છે. આઠ વખત રાજવી સન્માન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. મને ઘણીવાર નામદાર મહારાણીને મળવાનું અને તેમના હસ્તે સન્માન સ્વીકારવાની તકો મળી છે. જ્યારે પણ મારી તેમની સાથે મુલાકાત થઇ ત્યારે તેઓ મને તેમનામાં કૃપા અને દયાની દેવીના દર્શન થયાં છે. લોકોને મળતી વખતે હંમેશા તેમના ચહેરા પર સુપ્રસિદ્ધ સ્મિત છલકાતું રહેતું. તેમણે તેમના આશ્રયે આવેલા લોકોને અદ્દભૂત સુરક્ષાનો અનુભવ કરાવ્યો છે. તેઓ પાર્ટી પોલિટિક્સથી હંમેશા દૂર રહ્યાં હતાં અને રંગભેદ, વંશીય ભેદભાવ અને રંગભેદની સામે દેશને એકજૂથ બનાવ્યો હતો. તેમની હાજરી જ તમને રાહતની ઊંઘ આપતી હતી. જનતાને વિશ્વાસ હતો કે નામદાર મહારાણી તેમનું ધ્યાન રાખી રહ્યાં છે. નામદાર મહારાણીને ક્યારેય ભૂલી શકાશે નહીં. તેમના વિના આપણું વિશ્વ હંમેશ માટે બદલાઇ જશે.

ટોરી કાઉન્સિલર અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાના સહાધ્યક્ષ રીના રેન્જરે જણાવ્યું હતું કે, આપણા મહારાણી જ ફક્ત એવા રાજવી હતા જેમને હું જાણું છું. મારા આખા જીવન દરમિયાન મેં તેમને વિશ્વમાં હકારાત્મક બદલાવ માટે પ્રયત્નશીલ જોયાં છે. મહારાણીનો ક્રિસમસ મેસેજ જોવો અમારા પરિવારની પરંપરા બની ગઇ હતી. આપણા માનસપટ પરથી તેઓ ક્યારેય ભૂંસાશે નહીં. ક્વીન ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના વડા હતા પરંતુ તેમણે આ દેશને જેમાં આસ્થા હોય તે ધર્મને અનુસરવાની સ્વતંત્રતા આપી હતી. આપણે જાણીએ છીએ કે મૃત્યુ નિશ્ચિત છે અને મહારાણી 96 વર્ષના હતા પરંતુ આપણે તેના માટે તૈયાર નહોતાં.

લોર્ડ પોપટ કહે છે કે આ ક્ષણ આવવાની હતી અને તેના માટે ઓપરેશન લંડન બ્રિજ તૈયાર પણ કરાયું હતું. પરંતુ મોત ક્યારે આવે છે તે કોઇ જાણતું નથી. હવે આપણે મહારાણીને ક્યારેય જોવાના નથી. પરંતુ હવે આપણે તેમના વારસાને આગળ ધપાવવાનો છે. ક્વીન રહ્યાં નથી અને હવે કિંગ ચાર્લ્સ ત્રીજા રાજગાદી પર બેસશે પરંતુ બ્રિટિશ રાજાશાહી આવી તો નહીં જ હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter