લંડન
બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાના નિધન બાદ હવે બ્રિટનની ગુલામીમાં રહેલા દેશો બ્રિટિશરો દ્વારા લઇ જવાયેલી અમૂલ્ય વસ્તુઓ પરત કરવાની માગ કરવા લાગ્યા છે. મહારાણીના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતમાં ટ્વિટર પર કોહીનૂર હીરો ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. 105 કેરેટનો કોહીનૂર હીરો વિશ્વનો સૌથી મૂલ્યવાન હીરો મનાય છે. તેની અંદાજિત કિંમત 591 મિલિયન અમેરિકન ડોલરની આંકવામાં આવે છે. હાલ આ હીરો કિંગ ચાર્લ્સ ત્રીજાના દાદી અને ક્વીન મધર માટે તૈયાર કરાયેલા ક્રાઉનના 2800 મૂલ્યવાન રત્નોનો હિસ્સો કોહીનૂર હીરો છે. કોહીનૂપ હીરો 12 અથવા તો 14મી સદીમાં ભારતના હાલના આંધ્રપ્રદેશના ગોલકોન્ડાની ખાણમાંથી મળી આવ્યો હોવાનું મનાય છે. ત્યારબાદ આ હીરો મોગલ બાદશાહો, પંજાબના રાજવીઓ અને અફઘાનિસ્તાનના અમીરો પાસે રહ્યો હોવાનું કહેવાય છે. છેલ્લે આ હીરો પંજાબના મહારાજા દુલિપ સિંહ પાસે હતો. 1849માં બ્રિટને પંજાબ પર કબજો જમાવ્યો ત્યારે શાંતિ કરારના ભાગરૂપે કોહીનૂર હીરો બ્રિટનના મહારાણીને સોંપવામાં આવ્યો હતો.
મહારાણીના નિધન બાદ હવે ભારતમાં કોહીનૂર હીરો પરત કરવાની માગ બુલંદ બની રહી છે. ભારતના ટ્વિટરાતી, યુટ્યુબર્સ, બોલિવૂડ સ્ટાર્સ, બિઝનેસ કોમ્યુનિટી, ફિલ્મ નિર્માતાઓ, શિક્ષણ શાસ્ત્રીઓ પણ આ માગમાં જોડાઇ રહ્યાં છે. વર્ષ 2000માં પણ ભારતના સંસદસભ્યોએ બ્રિટનને એક પત્ર લખીને કોહીનૂર હીરો પરત કરવાની માગ કરી હતી.
ભારતની જેમ દક્ષિણ આફ્રિકામાં પણ હાલ બ્રિટિશ રાજવી પરિવારના તાબામાં રહેલા વિશ્વના સૌથી મોટા હીરા 500 કેરેટના ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકાને પરત કરવાની માગ થઇ રહી છે. 1905માં દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી મળી આવેલા ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકાને ખાણના માલિક કુલિનન દ્વારા મહારાણીને ભેટ અપાયો હતો તેથી આ હીરાને કુલિનન તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના 6000 કરતા વધુ લોકોએ એક પીટિશન પર હસ્તાક્ષર કરીને હીરો પરત કરવાની માગ કરી છે.


