મહારાણીના નિધનથી બ્રિટન શોકાતૂર, એડિનબરોમાં માનવમહેરામણ ઉમટ્યો

લાખો શોકાતૂર બ્રિટનવાસીઓનો લંડન તરફ ધસારો, 10 લાખથી વધુ લોકો અંતિમ દર્શનાર્થે આવ્યાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા લંડનમાં 10,000 પોલીસ તહેનાત, ધસારાને પહોંચી વળવા 24 કલાક ટ્રેનો દોડાવવી પડી

Wednesday 14th September 2022 04:43 EDT
 
 

લંડન

બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાના નિધનથી સમગ્ર બ્રિટન અને વિશ્વ શોકમાં ગરકાવ થઇ ગયાં હતાં. 8 સપ્ટેમ્બર 2022ના ગુરુવારના રોજ મહારાણીએ સ્કોટલેન્ડ ખાતેના તેમના નિવાસસ્થાન બાલમોરલ કેસલ ખાતે અંતિમ શ્વાસ લીધાં હતાં. તે પહેલાં મહારાણીના ડોક્ટરોએ તેમની મેડિકલ કન્ડિશન અંગે જારી કરેલા નિવેદન બાદ રાજગાદીના વારસ એવા પ્રિન્સ ચાર્લ્સ સહિતના રાજવી પરિવારના સભ્યો બાલમોરલ ધસી ગયાં હતાં.

મહારાણીના શોકના પહેલા દિવસે 10 સપ્ટેમ્બર શનિવારના રોજ એસેસન કાઉન્સિલ દ્વારા સવારે 10 કલાકે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સને બ્રિટનના રાજા ઘોષિત કરાયા હતા. ત્યાં સુધી મહારાણીના પાર્થિવ શરીરને બાલમોરલ કેસલ ખાતે રાખવામાં આવ્યું હતું. 11મી સપ્ટેમ્બરના રવિવારના રોજ મહારાણીના પાર્થિવ શરીરની બાલમોરલથી લંડન તરફની સફરનો પ્રારંભ થયો હતો. આબેરદીનશાયરમાં આવેલા બાલમોરલથી 6 કલાકની સડકમાર્ગે મુસાફરી બાદ મહારાણીનું પાર્થિવ શરીર એડિનબરો લાવવામાં આવ્યું હતું.

સ્કોટલેન્ડને બ્રિટનને અલગ કરવાની રાજકીય માગ ભલે અવારનવાર બુલંદ બનતી હોય પરંતુ સ્કોટલેન્ડની જનતા તેમની પ્રિય રાણીને પોતાના હૃદયોમાંથી અલગ કરી શકી નથી. 11 સપ્ટેમ્બર 2022ના રવિવારના રોજ ક્વીન એલિઝાબેથ બીજાના પાર્થિવ શરીર સાથેનો કાફલો બાલમોરલથી એડિનબરો જવા રવાના થયો ત્યારે સડકો જાણે કે ફૂલોની ચાદર બની ગઇ હતી અને સડકોના બંને કિનારે માનવમહેરામણ ઉમટ્યો હતો. ક્રેથી કિર્ક પસાર થયા પછી કાફલો ગ્રેનાઇટના બનેલા નાનકડા ચર્ચ પાસે કાફલો રોકાયો હતો. મહારાણી ઉનાળાની રજાઓ દરમિયાન આ ચર્ચમાં હાજરી આપતાં હતાં. એડિનબરો અને પેલેસ ઓફ હોલીરૂડહાઉસ જતાં પહેલાં ક્વીનના મૃતદેહ સાથેનો કાફલો વિલેજ ઓફ બેલ્લાટેર ખાતેથી પસાર થયો હતો. અહીં લોકો મહારાણીને શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે કાફલાની ઝડપ અત્યંત ધીમી કરી દેવાઇ હતી. વિલેજ ઓફ બેલ્લાટેરથી કાફલો એબોયને, બેનકોરી અને પીટરકલ્ટર થઇ છ કલાકની મજલ કાપી એડિનબરો પહોંચ્યો હતો જ્યાં સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટરજિઓન અને પાર્ટીના અન્ય નેતાઓએ કાફલાની આગેવાની કરી હતી. રવિવારે રાત્રે મહારાણીના મૃતદેહને પેલેસ ઓફ હોલીરૂડહાઉસ ખાતે રખાયો હતો.

સોમવારે 12મી સપ્ટેમ્બરના રોજ મહારાણીના મૃતદેહને એડિનબરોની સડકો પર થઇને હોલીરૂડહાઉસ પેલેસ ખાતેથી નજીકમાં આવેલા સેન્ટ જાઇલ્સ કેથેડ્રલ ખાતે લઇ જવાયો હતો. મહારાણીની સ્કોટલેન્ડની અંતિમ યાત્રા દરમિયાન એડિનબરોની સડકો પર હજારો સ્કોટિશ ઉમટી પડ્યાં હતાં અને મહારાણીને સ્કોટલેન્ડમાંથી અંતિમ વિદાય આપી હતી. શબયાત્રામાં મિલિટરી પરિધાનમાં સજ્જ કિંગ ચાર્લ્સ ત્રીજાની સાથે તેમના ભાઇઓ પ્રિન્સ એડવર્ડ, પ્રિન્સ એન્ડ્રુ અને પ્રિન્સેસ એન જોડાયાં હતાં. સેન્ટ જાઇસ કેથેડ્રલ ખાતે કિંગ ચાર્લ્સ ત્રીજા, ક્વીન કોન્સોર્ટ કેમિલા પાર્કર સહિત રાજવી પરિવારના સભ્યો અને સ્કોટિશ સોસાયટીના તમામ વિસ્તારોના કોન્ગ્રિગેશન થેન્ક્સગિવિંગ પ્રેયરમાં સામેલ થયાં હતાં. સ્કોટિશ ટોરી લીડર ડગ્લાસ રોસે જણાવ્યું હતું કે, ક્વીન સ્કોટલેન્ડને અને સ્કોટલેન્ડ ક્વીનને ઘણો પ્રેમ કરતાં હતાં. શહેરની સડકો પર ઉમટેલા માનવમહેરામણે સાબિત કરી દીધું છે કે સ્કોટલેન્ડ મહારાણીને કેટલો પ્રેમ કરે છે.

મંગળવારે એડિનબરોમાં મહારાણીના અંતિમ દર્શન માટે હજારો સ્કોટલેન્ડવાસીઓ ઉમટી પડ્યાં હતાં. સ્કોટલેન્ડની જનતાએ મહારાણીના અંતિમ દર્શન માટે અશ્રુભીની આંખે આખી રાત સડકો પર ગુજારી હતી. લોકો મહારાણીના દર્શન માટે 36 કલાક લાઇનોમાં ઊભા રહ્યાં હતાં. ઘણા લોકો ઇંગ્લેન્ડ અને લંડનથી ટ્રાવેલ કરીને એડિનબરો પહોંચ્યા હતા. લાઇનમાં ઉભેલા એક વૃદ્ધે જણાવ્યું હતું કે, મહારાણી અમારા માટે 70 વર્ષ કામ કરી શક્તાં હોય તો હું તેમના માટે 12 કલાક લાઇનમાં કેમ ન ઊભો રહી શકું? સાંજે 6 કલાકે મહારાણીના પાર્થિવ શરીરને લંડન રવાના કરાયું હતું. 

લંડનમાં મહારાણીના અંતિમ દર્શન માટે 36 કલાક પહેલાં જ લાંબી કતારો લાગી

મહારાણીના પાર્થિવ શરીરને લંડનમાં લાવવામાં આવે તેના 36 કલાક પહેલાં જ વેસ્ટમિન્સ્ટર હોલ ખાતે લાંબી કતારો જોવા મળશી હતી. વેસ્ટમિન્સ્ટર હોલની ક્ષમતા 3,50,000 દર્શનાર્થીઓની હોવાનો અંદાજ છે પરંતુ 7,50,000થી 10,00,000 લોકો મહારાણીના દર્શનાર્થે આવે તેવી સંભાવના છે. રેલવે સત્તાવાળાઓએ બહારગામથી આવતા દર્શનાર્થીઓના ધસારાને પહોંચી વળવા 24 કલાક ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. લંડનની હોટલોની બહાર હાઉસફૂલના પાટિયા અત્યારથી લટકતા જોવા મળી રહ્યાં છે. હોટલોમાં રૂમના ભાડાં પણ એક નાઇટના 1299 પાઉન્ડને પાર કરી ગયાં છે.  કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લંડન શહેરમાં 10,000 કરતાં વધુ પોલીસ અધિકારીઓને તહેનાત કરાયાં છે.

10 દિવસનો શોક

દિવસ-1 – 10 સપ્ટેમ્બર 2022

એસેસન કાઉન્સિલે પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજા તરીકે ઘોષિત કર્યાં

દિવસ – 2 – 11 સપ્ટેમ્બર – 2022

મહારાણીના પાર્થિવ શરીરને બાલમોરલ કેસલથી એડિનબરો લાવવામાં આવ્યું

દિવસ – 3 – 12 સપ્ટેમ્બર 2022

એડિનબરોમાં કિંગ ચાર્લ્સ અને રાજવી પરિવારના સભ્યો શબયાત્રામાં જોડાયાં, સેન્ટ જાઇલ્સ કેથેડ્રલ ખાતે થેન્ક્સગિવિંગ પ્રેયર યોજાઇ

દિવસ – 4 – 13 સપ્ટેમ્બર 2022

મહારાણીના પાર્થિવ શરીરને રોયલ એરફોર્સના વિમાન દ્વારા એડિનબરોથી લંડન લવાયું, કોફિનની સાથે ફક્ત તેમના દીકરી પ્રિન્સેસ એન વિમાનમાં સાથે રહ્યાં હતાં.

દિવસ – 5 – 14 સપ્ટેમ્બર 2022

લંડનમાં બંકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સટર સુધી મહારાણીની શબયાત્રા કઢાશે, વેસ્ટ મિન્સ્ટર હોલ ખાતે પ્રેયર સર્વિસ યોજાશે

દિવસ 6 થી 9 – 15થી 18 સપ્ટેમ્બર 2022

મહારાણીના પાર્થિવ શરીરને 3 દિવસ માટે જાહેર જનતાના દર્શન માટે વેસ્ટમિન્સટર હોલ ખાતે રખાશે

દિવસ 10 – 19 સપ્ટેંમ્બર 2022

લંડનમાં વેસ્ટમિન્સટર આબે ખાતે મહારાણીના અંતિમ સંસ્કાર યોજાશે

રાણીની શબયાત્રામાં પ્રિન્સ એન્ડ્રુનો હુર્રિયો બોલાવાયો

એડિનબરોની સડક પર મહારાણીની શબયાત્રામાં સામેલ થયેલા તેમના પુત્ર પ્રિન્સ એન્ડ્રુનો સડક પર એકઠી થયેલી જનમેદનીમાંથી હુર્રિયો બોલાવાયો હતો. ભીડમાં ઊભા રહેલા એક યુવાનો બૂમો પાડી હતી કે એન્ડ્રુ યુ આર સીક ઓલ્ડ મેન.. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તે યુવાનને ભીડમાંથી હટાવી લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter