મહારાણીની વસમી વિદાયથી બ્રિટનમાં રાષ્ટ્રગીતથી માંડીને કરન્સી નોટમાં બદલાવ થશે

સરકારી સંસ્થાઓ, કોમનવેલ્થ સંસ્થાઓ, ટપાલ ટિકિટ, પાસપોર્ટમાં પણ સુધારા કરવા પડશે

Wednesday 14th September 2022 05:24 EDT
 

લંડન

મહારાણી એલિઝાબેથના નિધનની સાથે નવા રાજાની નિયુક્તિ થતાં જ બ્રિટનમાં રાષ્ટ્રગીતથી માંડીને કરન્સી અને પાસપોર્ટમાં મોટા બદલાવ થશે. મહારાણીના નિધનની સાથે સમગ્ર બ્રિટનમાં સંસ્થાઓના નામ અને કોમનવેલ્થની સંસ્થાઓના નામ પણ બદલાઇ જશે. બ્રિટનમાં સૌથી મોટો બદલાવ કરન્સી નોટો અને કોઇન્સ પર જોવા મળશે. તેના પરથી મહારાણીની તસવીર હટાવીને હવે નવા રાજાની તસવીર લગાવવામાં આવશે પરંતુ આ કાર્ય એટલું સરળ બની નહીં રહે. હાલ મહારાણીની તસવીર સાથેની 4.5 બિલિયન સ્ટર્લિંગ બેન્ક નોટ ચલણમાં હોવાનો અંદાજ છે તેનું કુલ મૂલ્ય 80 બિલિયન પાઉન્ડ હોઇ શકે છે. બ્રિટનમાં 29 બિલિયન પાઉન્ડ મૂલ્યના સિક્કા પણ ચલણમાં છે. ચલણી નોટો અને કોઇન્સમાં નવા રાજાની તસવીર જારી કરવામાં ઓછામાં ઓછો બે વર્ષનો સમય લાગી જશે. તાજેતરમાં જ 50 પાઉન્ડની સિન્થેટિક નોટ જારી કરવામાં આવી ત્યારે બેન્ક ઓફ ઇંગ્લેન્ડને જૂની નોટો પરત લેવામાં 16 મહિનાનો સમય લાગી ગયો હતો. 1952માં મહારાણી એલિઝાબેથ બીજાની તાજપોશી થઇ ત્યાર પછી કરન્સી નોટો પર તેમની તસવીર જારી કરવામાં બે વર્ષ લાગી ગયાં હતાં.

ચલણી નોટો ઉપરાંત સૌથી મોટો બદલાવ બ્રિટનના રાષ્ટ્રગીતમાં આવશે. 1952થી બ્રિટનના લોકો ગોડ સેવ ધ કવીન વર્ઝન ગાઇ રહ્યાં છે તેના સ્થાને ગોડ સેવ ધ કિંગનું મેલ વર્ઝન આવી જશે. ન્યુઝિલેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ આજ રાષ્ટ્રગીત ગવાતું હોવાથી તેમના રાષ્ટ્રગીતમાં પણ બદલાવ થશે. તે ઉપરાંત બ્રિટિશ પાસપોર્ટના ઇનસાઇડ કવરને પણ બદલવામાં આવશે. બ્રિટિશ પાસપોર્ટ ક્રાઉનના નામે જારી કરવામાં આવે છે. બ્રિટિશ પાસપોર્ટમાં લખવામાં આવે છે કે  “Her Britannic Majesty’s Secretary of State Requests and requires in the Name of Her Majesty all those whom it may concern to allow the bearer to pass freely without let or hindrance, and to afford the bearer such assistance and protection as may be necessary." પરંતુ હવે “His Britannic Majesty’s Secretary of State Requests and requires in the Name of His Majesty all those whom it may concern to allow the bearer to pass freely without let or hindrance, and to afford the bearer such assistance and protection as may be necessary."  લખવામાં આવશે. ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝિલેન્ડના પાસપોર્ટમાં પણ આ જ પ્રકારનું લખાણ હોવાથી ત્યાંની સરકારોને પણ તે બદલવું પડશે.

રાજવી પરિવારના વિધિવત સમારોહમાં લોયલ ટોસ્ટ સમયે ધ ક્વીનનું ઉચ્ચારણ થતું હતું જે હવે બદલાઇને ધ કિંગ થશે. હવે બ્રિટનની સરકાર હર મેજેસ્ટીસ ગવર્નમેન્ટને સ્થાને હીઝ મેજેસ્ટીસ ગવર્નમેન્ટ તરીકે સંબોધાશે અને સંસદના સત્રના પ્રારંભે રાજા દ્વારા સ્પીચ અપાશે. મિલિટરીમાં નવા નિયુક્ત થનારા સૈનિકો અધિકારીઓ હવે રાજાના નામે શપથ લેશે. ક્વીનના ગાર્ડ હવે કિંગ્સ ગાર્ડ તરીકે ઓળખાશે. ક્વીન્સ કાઉન્સેલનું સ્થાન કિંગ્સ કાઉન્સેલ લેશે.

ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, કેનેડા સહિત 20 દેશોની કરન્સી બદલાશે

ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, કેનેડા સહિતના 20 દેશોમાં કરન્સી નોટો અને ચલણી સિક્કાઓ પર મહારાણીની તસવીરો રહે છે પરંતુ તેમના નિધન બાદ બ્રિટનની રાજગાદી પર કિંગ ચાર્લ્સની નિયુક્તિ થતાં તેમને પણ પોતાની ચલણી નોટો અને સિક્કાઓમાં બદલાવ કરવા પડશે. જોકે આ બદલાવ તાત્કાલિક થવાની કોઇ સંભાવના નથી. તેના માટે વર્ષો લાગી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter