લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ગુરુવાર ૧૯ ડિસેમ્બરે પરંપરાગત ઝાકમઝોળ વિના હાઉસ ઓફ લોર્ડ્સમાં નવી પાર્લામેન્ટના સત્રને ખુલ્લું જાહેર કર્યું હતું. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મહારાણીના પ્રવચનના માધ્યમથી ‘બ્રિટનને આગળ લઈ જવાનો’ સંકલ્પ અને બ્રેક્ઝિટના લાભ મેળવવા ૧૦ વર્ષની યોજનાઓ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કરી છે. સામાન્ય ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય પછી હવે કોઈ સમય બગાડવો નથી તેવી ચેતવણી સાથે વડા પ્રધાને આરોગ્ય સેવા NHS માટે બજેટમાં ૩૩.૯ બિલિયન પાઉન્ડના ધરખમ વધારા, પોલીસની સત્તામાં વધારા તેમજ સરહદોને મજબૂત બનાવવા નવી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ સુધી સંખ્યાબંધ બિલ્સ લાવવાની જાહેરાત કરી છે. સરકારની પ્રાથમિકતા વડા પ્રધાનની બ્રેક્ઝિટ સમજૂતીના અમલ માટે કાયદો પસાર કરાવવાની છે. મહારાણીએ બે મહિનામાં બીજી વખત પાર્લામેન્ટ સમક્ષ પ્રવચન આપ્યું હતું.
બે મુદત સુધી સત્તા પર રહેવાની મહેચ્છા સાથે પોતાની યોજના રજૂ કરતા જ્હોન્સને કહ્યું હતું હતું કે તેમની પ્રાથમિકતા ઈયુથી અલગ થવાના વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલને પસાર કરાવવા સાથે બ્રેક્ઝિટ હાંસલ કરવાની રહેશે. જોકે, ટોરી પ્રોજેક્ટ તેનાથી પણ વ્યાપક હોવાનું સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે,‘ ક્વીનની આ સ્પીચ ઉદ્દામ છે-તે આપણને ઈયુથી બહાર લઈ જશે, આપણી ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળ પરિવર્તન લાવશે તેમજ NHS માટે વિક્રમી રોકાણ માટે કાયદો બનાવશે. કલ્પના કરો કે આ દેશ ૧૦ વર્ષમાં ક્યાં પહોંચશે.’ સરકારે કહ્યું હતું કે, ‘યુકે જ્યારે ઈયુથી અલગ થઈ રહ્યું છે તે કાળમાં આપણે સમગ્ર વિશ્વના દેશો સાથે નવા મજબૂત વેપારસોદા હાથ ધરીશું.’ ક્વીન્સ સ્પીચમાં NHS વેચાણ માટે નહિ હોવાની ખાતરી સાથે તેમણે લેબર પાર્ટીના હાથમાંથી મુદ્દો ખેંચી લીધો છે.
ક્વીનના વક્તવ્યમાં બ્રેક્ઝિટ, NHS, ઈમિગ્રેશન, ઓફિસિયલ સીક્રેટ્સ એક્ટ વધુ કડક બનાવવા, ત્રાસવાદી અપરાધો માટે કડક સજા સહિત ૪૦ બિલ્સનો ઉલ્લેખ કરાયો હતો. સરકાર અપરાધ પર તૂટી પડવા માગે છે ત્યારે પોલીસની સંખ્યામાં ૨૦,૦૦૦નો વધારો કરાશે, નાઈફ ક્રાઈમનો સામનો કરવા સ્ટોપ એન્ડ સર્ચની સત્તા વધારવામાં આવશે તેમજ ત્રાસવાદીઓ જેલમાંથી વહેલા મુક્ત થવાના અધિકાર ગુમાવી દેશે. આ ઉપરાંત, યુવાન મતદારોને આકર્ષવા ટોરી સરકાર ગૃહનિર્માણને ગતિશીલ બનાવવા માગે છે. જે વિસ્તારમાં ઉછેર થયો હોય ત્યાં પ્રથમ પ્રોપર્ટી ખરીદનારા લોકોને ૩૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર સાથે હાઉસિંગ બજારને વધુ વાજબી બનાવવા સહિતના પગલાં વિચારાયા છે. લેબર પાર્ટીના પરાજયમાં જેમનો સિંહફાળો રહ્યો છે તેવા લીવતરફી વિસ્તારોમાં વર્કિંગ ક્લાસ મતદારો માટે પણ પેકેજ મૂકાશે તેમ જણાવતા જ્હોન્સને કહ્યું છે કે ‘મહત્ત્વાકાંક્ષી પેકેજ આપણા યુનાઈટેડ કિંગ્ડમના દરેક ખૂણામાં તક ફેલાવશે.’
આરોગ્યસેવા ભંડોળ બિલ કેન્દ્રસ્થાને
વડા પ્રધાને ક્વીન્સ સ્પીચમાં સૂચિત NHS ભંડોળના બિલને કેન્દ્રસ્થાને રાખ્યું છે. જનરલ ઈલેક્શનમાં લેબર પાર્ટીને હરાવ્યા પછી બોરિસ સરકાર આરોગ્ય સેવાના ભંડોળને પહેલી વખત કાનૂની સ્વરુપ આપશે. એનએચએસના બજેટમાં ૨૦૨૩/૨૪ સુધીમાં રોકડ ૩૩.૯ બિલિયન પાઉન્ડ સુધી ભંડોળને વધારવામાં આવશે. જ્યારે ભંડોળવધારાની કાર્યવાહી પૂર્ણ થશે ત્યારે આરોગ્યસેવાના ઈતિહાસમાં તે વિક્રમી રોકાણ બની રહેશે. જ્હોન્સનની યોજનામાં ૫૦,૦૦૦ નર્સીસ તેમજ જનરલ પ્રેક્ટિસમાં વધુ ૬૦૦૦ પ્રાઈમરી કેર પ્રોફેશનલ્સ લાવવાનો પણ સમાવેશ થાય છે. જીપી સર્જરીઝમાં વેઈટિંગ પિરિયડ ઘટાડવા માટે વધુ ૫૦ મિલિયન એપોઈન્ટમેન્ટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ક્વીન્સ સ્પીચમાં આગામી ૧૦ વર્ષમાં નવી ૪૦ હોસ્પિટલોના નિર્માણના વચનનો પણ સમાવેસ કરાયો છે. જોકે, લેબર પાર્ટી દ્વારા જ્હોન્સનના દાવાને પડકારાતો રહ્યો છે. સરકારે પેશન્ટ્સ, તેમના મુલાકાતી સગાં તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રાપ્ય ન હોય ત્યાં નાઈટ શિફ્ટના કર્મચારીઓને મફત કાર પાર્કિંગ આપવાની પણ જાહેરાત કરી છે.
ઈયુમાંથી મુક્ત અવરજવરનો અંત અને ઈમિગ્રેશન
બોરિસ સરકાર દ્વારા ઈયુમાંથી મુક્ત અવરજવરનો અંત લાવવા સાથે ૨૦૨૧માં નવી ઓસ્ટ્રેલિયન પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમનો અમલ કરાશે. નવી ઈમિગ્રેશન સિસ્ટમમાં અરજદારોના કૌશલ્ય અને યુકેમાં તેમના પ્રદાન પર ભાર રખાશે. બ્રિટનને પોતાની સરહદો પરનો અંકુશ પરત મળે તે માટે ૨૦૧૬ના બ્રેક્ઝિટ રેફરન્ડમમાં અપાયેલી ખાતરીને પૂર્ણ કરશે. ધ ઈમિગ્રેશન એન્ડ સોશિયલ સિક્યુરિટી કો-ઓર્ડિનેશન (ઈયુ વિથ્ડ્રોઅલ) બિલ મુક્ત અવરજવરને અટકાવશે અને સરકારને સરહદી અંકુશો મૂકવાની પરવાનગી આપશે. અત્યારે ઈયુ નાગરિકોને કોઈ પરીક્ષા વિના જ યુકેમાં રહેવા, કામ કરવાની છૂટ મળે છે તે બંધ થશે અને બિન-ઈયુ નાગરિકો જેવો જ વ્યવહાર તેમની સાથે કરાશે. આ સાથે યુકેના કેટલાક ક્ષેત્રોમાં કૌશલ્યની અછત સર્જાય નહિ તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. NHSમાં કામ કરવાની ભૂમિકા ધરાવનારા ક્વોલિફાઈડ લોકો માટે ફાસ્ટ-ટ્રેક વિઝા સહિતની નવી વિઝા સ્કીમ્સ પણ દાખલ કરવામાં આવનાર છે.
ભારત જેવાં દેશના ડોક્ટરોને ફાસ્ટ-ટ્રેક વિઝા
બ્રિટન સરકાર ભારત જેવા દેશોના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ માટે નવી વિઝા નીતિ તૈયાર કરશે. નવી ફાસ્ટ-ટ્રેક વિઝા પોલિસી પ્રમાણે બે-ત્રણ સપ્તાહમાં જ વિઝાપ્રક્રિયા પૂરી કરશે. બોરિસ જ્હોન્સને ચૂંટણીમાં નેશનલ હેલ્થ સર્વિસમાં ડોક્ટરો અને તબીબી સ્ટાફની અછત નિવારવા માટે વિદેશી નિષ્ણાત ડોક્ટરોને વિઝા આપવાનું વચન અનુસાર નવી વિઝા નીતિ જાહેર કરવા નિર્ણય લેવાયો છે. નવા નેશનલ હેલ્થ સર્વિસ (NHS) વિઝાની યોજનાની દિશામાં ટૂંક સમયમાં જરૂરી પગલાં ભરાશે. આ વિઝા અંતર્ગત દુનિયાભરના ક્વોલિફાઈડ ડોક્ટરોને નેશનલ હેલ્થ સર્વિસમાં નોકરી આપવા વિઝા મંજૂર કરાશે. આ વિઝાની પ્રક્રિયા બહુ લાંબી નહિ હોય. બે-ત્રણ સપ્તાહમાં વિઝા મંજૂર કરી દેવાશે. તબીબો ઉપરાંત તબીબી સ્ટાફને પણ આ વિઝાથી બ્રિટનમાં પ્રવેશ અપાશે. નવી વિઝા નીતિ ક્યારે જાહેર થશે તેની સ્પષ્ટતા કરાઈ નથી પરંતુ, બ્રિટન ઈયુની બહાર નીકળશે તે પછી જ નવી નીતિ જાહેર કરાશે.
હજારો નાના બિઝનેસીસને ટેક્સમાં રાહત
આગામી વર્ષથી હજારો નાના બિઝનેસીસને રાહત આપવા રીટેઈલ બિઝનેસ રેટ્સના ડિસ્કાઉન્ટ ૩૩ ટકાથી વધારી ૫૦ ટકા કરવામાં આવનાર છે. આ કરરાહત ૫૧,૦૦૦ પાઉન્ડથી નીચેની રેટેબલ વેલ્યુ ધરાવતી ઈંગ્લેન્ડની તમામ સ્વતંત્ર દુકાનો, પબ્સ, રેસ્ટોરાં અને કાફેને લાગુ પડશે, જે કુલ બિઝનેસીસના ૯૦ ટકા જેટલી થાય છે. સ્વતંત્ર સિનેમાઓ અને પાયાના મ્યુઝિક સ્થળોને પણ સૌપ્રથમ વખત આ ડિસ્કાઉન્ટનો લાભ અપાશે સ્વતંત્ર પબ્સને ૫૦ ટકાની રાહત ઉપરાંત, બિઝનેસ રેટ્સમાં વધુ ૧૦૦૦ પાઉન્ડના કાપથી લાભ મળશે. બિઝનેસ રેટ્સના પુનઃ મૂલ્યાંકનનો ગાળો પાંચ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષનો કરવામાં આવશે.
ત્રાસવાદના અપરાધો માટે સજા વધશે
સરકાર કાઉન્ટર ટેરરિઝમ (સેન્ટન્સિંગ એન્ડ રીલિઝ) બિલ હેઠળ ત્રાસવાદના અપરાધો માટે સજા વધારી ઓછામાં ઓછાં ૧૪ વર્ષની કરશે. જેઓને એક્સ્ટેન્ડેડ ડિટરમિનેટ સેન્ટન્સ અપાઈ હોય તેમને પણ કસ્ટડીમાંથી વહેલા મુક્ત થવાની શક્યતા આ કાયદાથી બંધ થઈ જશે. જેલમાંથી મુક્ત થયેલા ત્રાસવાદીઓ પર સતત નજર રાખવામાં આવશે. સરકાર અતિ ગંભીર હિંસક અને જાતીય અપરાધીઓને કડક સજા કરવા અલગથી સેન્ટન્સિંગ બિલ પણ લાવશે. આ કાયદાથી અપરાધીઓ અડધી કે પોણી સજા પછી આપમેળે મુક્ત થતા હતા તેનો અંત આવશે. હત્યારાઓને ૧૪ વર્ષ જેલમાં રહેવું પડશે તેમજ બાળકોના હત્યારાઓને આજીવન જેલ સાથે તેમની મુક્તિ કદી નહિ કરાય. નવા સીરિયસ વાયોલન્સ બિલથી નાઈફ ક્રાઈમના દુષણનો અંત લાવવા પોલીસને સ્ટોપ એન્ડ સર્ચની સત્તા વધારાશે
ઘરમાલિકીનું સ્વપ્ન સાકાર બનાવાશે
વડા પ્રધાને લોકોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં મદદની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સંખ્યાબંધ પગલાંમાં ફર્સ્ટ હોમ્સ ઈનિશિયેટિવ હેઠળ પ્રથમ વખત ઘર ખરીદનારાને ૩૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર મળશે, જેનાથી લોકો હજારો પાઉન્ડની બચત કરી શકશે. સરકારે આ પાર્લામેન્ટની મુદત દરમિયાન જ એફોર્ડેબલ હોમ્સ પ્રોગ્રામ હેઠળ ઓછામાં ઓછાં દસ લાખ મકાન બાંધવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, લોકોને મકાન ભાડે રાખવામાં લાભદાયી સરળતા રહે તે માટે રેન્ટર્સ રિફોર્મ બિલ લાવવાનું પણ જણાવ્યું છે. ‘લાઈફટાઈમ ડિપોઝિટ’ યોજના હેઠળ ભાડૂતો જ્યારે મકાન બદલાવે ત્યારે નવી ડિપોઝિટ માટે બચત કરવાની રહેશે નહિ.


