મહારાણીને અંતિમ વિદાય આપવા લંડનમાં 20 લાખ લોકો ઉમટ્યાં

મહારાણીના ફ્યુનરલ ટાણે લંડનની જડબેસલાખ કિલ્લેબંધી કરાઇ, 200 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ 15,000 પોલીસ તહેનાત હતા, સ્નાઇપર્સ, એસએએસ અને એન્ટી ડ્રોન ટીમો સામેલ કરાઇ

Wednesday 21st September 2022 06:25 EDT
 
 

લંડન

બ્રિટન અને બ્રિટિશ જનતાના હૃદયો પર સાત દાયકા સુધી રાજ કરનારા મહારાણી એલિઝાબેથ બીજાને અંતિમ વિદાય આપવા બ્રિટન અને વિશ્વમાંથી 20 લાખ લોકો લંડન પહોંચ્યા હતા. વેસ્ટમિન્સ્ટર હોલથી વેસ્ટમિન્સટર એબે  સુધીના સ્ટેટ ફ્યુનરલ અને ત્યારબાદ વિન્ડસર ખાતે રોયલ ફ્યુનરલની સમગ્ર પ્રક્રિયા પુરી કરવા માટે લંડન અને સમગ્ર બ્રિટનમાં સુરક્ષાનો સજ્જડ બંદોબસ્ત કરાયો હતો.

મહારાણીના ફ્યુનરલ માટે મધ્ય લંડનની આસપાસ 15,000 કરતાં વધુ પોલીસ અધિકારીઓ અને 1500 સૈનિકો દ્વારા 6 માઇલની રીંગમાં સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર કરાયો હતો. કોઇપણ અનિચ્છનિય બનાવને ટાળવા માટે મકાનોની છતો પર પોલીસના સ્નાઇપર્સ, એસએએસ ટીમો અને એન્ટી ડ્રોન ટેકનોલોજી ધરાવતી ટીમો તહેનાત કરાઇ હતી. પોલીસે લંડનમાં ડ્રોન ઉડાડવાના પ્રયાસો કરનારા 18 લોકોની અટકાયત કરી હતી.

સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા છેલ્લા 200 વર્ષના ઇતિહાસના સૌથી વધુ પોલીસ અધિકારીઓ લંડનમાં તહેનાત કરાયાં હતાં. જેમાં સશસ્ત્ર પોલીસ અધિકારીઓ, મોટરબાઇક એસ્કોર્ટ રાઇડર્સ, ઘોડેસ્વાર પેટ્રોલિંગ ટીમો, ડોગ ટીમો અને મરીન યુનિટ પણ સામેલ કરાયાં હતાં.

મહારાણીની અંતિમ યાત્રા માટે લંડનના ઘણા વિસ્તારો બંધ કરાવી દેવાયાં હતાં. સમગ્ર શહેરમાં 23 માઇલ લંબાઇ થાય તેટલી બેરિકેડ ઊભી કરાઇ હતી. આ પહેલાં લંડનમાં 2012માં ઓલિમ્પિક રમતોત્સવ સમયે 10,000 પોલીસ અધિકારીઓ તહેનાત કરાયાં હતાં.

પ્રીતિ પટેલે કતારોની જાળવણીમાં પોલીસની મદદ કરી..

મહારાણી એલિઝાબેથ બીજાના પાર્થિવ દેહને વેસ્ટમિન્સટર હોલ ખાતે રખાયો હતો ત્યારે બ્રિટનના પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દર્શનાર્થીઓની કતારને સુવ્યવસ્થિત રાખવામાં મદદ કરતાં જોવાયાં હતાં. મહારાણીના અંતિમ દર્શન માટે આવેલી એક વ્યક્તિ પ્રીતિ પટેલને ઓળખી જતાં તેણે તેમની સાથએ તસવીર ખેંચાવી હતી. વેલવીન હેટફિલ્ડ કન્ઝર્વેટિવ્સના ઉપપ્રમુખ ગેવ્રિયલ સોલોમન્સે ટ્વિટર પર ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, દર્શનાર્થીઓની કતારને સુવ્યવસ્થિત રાખવાની તમામ ક્રેડિટ પ્રીતિ પટેલને જાય છે. મારી પાસે તે પૂરવાર કરતી આ તસવીર પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter