લંડન
ક્વીન એલિઝાબેથ બીજાનો શ્વાન પ્રેમ અદ્દભૂત હતો. તેમની પાસે 30 કરતાં વધુ કોર્ગી શ્વાન હતાં. તેમનો કોર્ગી શ્વાન પ્રત્યેનો પ્રેમ 7 વર્ષની ઉંમરથી જ ઉદ્દભવ્યો હતો. તેમના કોર્ગી શ્વાન રાજાશાહીના કર્મચારીઓમાં સૌથી વફાદાર મનાતા હતા. ક્વીન અને કોર્ગીસ વચ્ચેના સંબંધને ચ્હા અને કેક વચ્ચે સરખાવવામાં આવતો હતો. 90 વર્ષની ઉંમર વટાવી દીધાં પછી મહારાણીએ વધુ કોર્ગી શ્વાન પાળવાનું બંધ કરી દીધું હતું કારણ કે તેમને ભય હતો કે તેમના નિધન બાદ તેઓ અનાથ થઇ જશે. ક્વીનને તેમના શ્વાનો પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે તેઓ જાતે તેમના રોજિંદા ખોરાકનું નીરિક્ષણ કરતાં હતાં. તેમના શ્વાનનું ભોજન ચોક્કસ ફૂટમેન દ્વારા તૈયાર કરાતું અને દરરોજ સાંજે પાંચ કલાકે તેમને ભોજન પીરસી દેવાતું હતું. ક્વીન જાતે તેમના ભોજનમાં ગ્રેવી નાખતા હતા. ક્વીને તેમના જીવનકાળમાં ડઝનો કોર્ગી શ્વાનનો ઉછેર કર્યો હતો. હવે તેમના પાલતુ શ્વાનને પુનઃસ્થાપિત કરાશે કારણ કે તેમના લોર્ડ અને માસ્ટરનું નિધન થઇ ચૂક્યું છે. હાલમાં ક્વીન પાસે મ્યુઇક અને સેન્ડી નામના બે કોર્ગી, કેન્ડી નામનો ડોર્ગી શ્વાન અને એક કોકર સ્પેનિયલ શ્વાન હતાં. જોકે આ શ્વાનોને કેવી રીતે પુનઃસ્થાપિત કરાશે તેની યોજનાનો ખુલાસો બંકિંગહામ પેલેસ દ્વારા કરાયો નથી. હવે આ શ્વાનોને રાજવી પરિવાર સાથે રાખવામાં નહીં આવે.


