લંડનઃ રોજગાર મિનિસ્ટર પ્રીતિ પટેલે મંગળવારે અગ્રણી મહિલા બિઝનેસ અને રાજકીય વ્યક્તિઓને વિમેન ફોર બ્રિટન અભિયાન ગ્રૂપના લોન્ચિંગમાં સંબોધન કર્યું હતું. યુરોપિયન યુનિયનમાં બ્રિટનના સભ્યપદથી તેમના મતની શક્તિનું મહત્ત્વ ઘટ્યું હોવાનું માનતી ૪૦ મહિલા દ્વારા આ નવા કેમ્પેઇનની રચના કરવામાં આવી છે. આ ગ્રૂપ સમગ્ર દેશની મહિલા મતદારોનો સંપર્ક કરશે. અને આગામી ઈયુ રેફરન્ડમમાં ‘લિવ વોટ’ માટે જોરદાર રજૂઆત કરશે આ સાથે જનમતની ચર્ચામાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ ઓછું હોવાનાં વિવાદનો અંત આવશે.
સાંસદ પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ‘રેફરન્ડમ વિશેની ચર્ચાઓ દરમિયાન ઈયુ અને તેના દ્વારા મહિલાઓના અધિકારોનું રક્ષણ થતું હોવાના દાવાઓથી મને આઘાત લાગ્યો છે. પરંતુ યુકેમાં મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટે આપણે યુરોપિયન યુનિયનની કોઈ જરૂર નથી. આ સાથે ઈયુ છોડવાથી મહિલાઓના અધિકારો પર જોખમ સર્જાશે. તેમ માનવું ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે આપણને મતનો અધિકાર મળ્યો તે પછી યુકેમાં સ્ત્રીઓને સાંભળવાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. આપણે ઈયુમાં જોડાયા તે પહેલાં ધ ફર્સ્ટ ઇક્વલ પે એક્ટ ધ એબોર્શન એક્ટ અને ડાયવોર્સ રિફોર્મ એક્ટ પસાર થયો હતો. તેમ જ એનએચએસમાં ગર્ભનિરોધક ગોળીઓ નિઃશુલ્ક કરાઈ હતી. આપણે સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટ, ધ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ અને એમ્પ્લોયમેન્ટ પ્રોટેક્શન એક્ટ પણ પસાર કર્યા છે. આ તમામમાં ઈયુની કોઈ સહાય નથી.


