લંડનઃ વર્ષોથી અપાતા સરકારી વચનો અને નીતિઓ છતાં યુકેમાં મહિલા અને સગીરાઓ વિરુદ્ધની હિંસા એક મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. નેશનલ ઓડિટ ઓફિસના રિપોર્ટ અનુસાર સંકલન વિહોણા પ્રયાસોના કારણે મહિલાઓ વિરુદ્ધની હિંસાની સમસ્યા વકરી ગઇ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દર 12માંથી 1 મહિલા તેનો શિકાર બને છે અને તેમને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
અગાઉની ટોરી સરકાર દ્વારા વર્ષ 2021માં અપનાવવામાં આવેલી નીતિ પીડિતાઓને મદદ કરવામાં અથવા તો સમાજમાં લાંબાગાળાનો બદલાવ લાવવામાં નિષ્ફળ રહી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જે વિભાગોને આ કાર્યમાં પ્રગતિની જવાબદારી સોંપાઇ હતી તેમની પાસે નાણા કેવી રીતે ખર્ચવા અને નીતિઓ ખરેખર કેવી રીતે કામ કરે છે તે અંગેનું કોઇ સ્પષ્ટ ચિત્ર જ નહોતું.
કોમન્સ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના અધ્યક્ષ સર જ્યોફરી ક્લિફટન બ્રાઉને જણાવ્યું હતું કે, સરકારના અસંકલિત વલણના કારણે હિંસા પીડિતાઓની સ્થિતિ સુધારવામાં નિષ્ફળતા મળી હતી. નાણા ક્યાં ખર્ચવામાં આવી રહ્યાં છે અને તેનાથી સ્થિતિમાં કોઇ સુધારો થઇ રહ્યો છે કે કેમ તે અંગેની જાણકારી હોમ ઓફિસ પાસે ન હોવી અત્યંત હતાશાજનક બાબત છે.